કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૫૧. ‘સાક્ષર બોતેરી’માંથી
૫૧. ‘સાક્ષર બોતેરી’માંથી
કોણ કોલસે કરે દલાલી? કપરો કારોબાર,
કાવ્યકલાનો કરતાં વદથી સુ.દ. થતાં શી વાર?
લાઠીદાવ રમી જાણે પણ રમત કરે તે લા.ઠા.
ફેલ-ફિતૂરની કરે ઠેકડી, ભર્યા ભર્યા બે કાંઠા.
મધ્યકાળ કે સ્વાતંત્ર્યોત્તર – ચર્ચામાં શી હાણ?
વીર નરોત્તમ તડેપેંગડે, દેખો સદા પલાણ…
બોરી તો સાકરની પાછી મધ-સગરમાં બોળે,
નથી વિરોધી એક્કે જન્મ્યો, નાહકનો ક્યાં ખોળે?
રઘુવીર આજન્મ રાજવી, ભલી રાજવટ કરે;
હવે શબ્દથી અદકી ચિંતા સમાજની ઉર ધરે.
રણઝણતી રૂમઝૂમતી ભાષા રાય મધુને વરી,
રંગ-રાગનો રસિયો ઠાકર કમાલ કંઈ કંઈ કરી.
હસે-હસાવે તેથી હર્ષદ, કરે કશાં તોફાન;
તરવાડીની ત્રેવડ જોગાં મળજો એને માન!
(જળમાં લખવાં નામ, પૃ. ૩૪૯-૩૫૪)