કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૭. ઉચાળો


૭. ઉચાળો

મધરાતની શાંતિ — (અહીં જાણે સ્મશાનેથી વહી આવી)
— મહીં છે શ્હેર સૂતું;
વાયુ પણ ધીમો અને અંધાર—
(શેરીનો દીવો ફૂટી ગયો છે!)
તારલાના તેજમાં ત્યાં
નગરના ઊંડાણમાંથી બે જણાં
શેરી વળોટી જઈ રહ્યાં.
છે એક કોઈ વૃદ્ધ, રે કુંભાર
(ધીમી ચાલ જાણે શાશ્વતે ડગલાં ભરે ઈશ્વર!)
અને સંગાથમાં છે ખોલકું
(રે મૂક માનવતા સરીખું!)
પીઠ પર એની રહ્યો છે ભાર.
ઊંડા શોકમાં ડૂબી ગયો છે વૃદ્ધ,
ના તોયે જરીયે કૃદ્ધ;
સાથે ખોલકું મૂંગું રહી,
જાતું વહી.
શેરી વટાવી બેયના ઓળા ભળે અંધારમાં
ત્યાં તો અચાનક કૂતરાં (શયતાનનાં બચ્ચાં!)
બધાં જાગી જઈ શું તીવ્રતાપૂર્વક ભસ્યાં!
મધરાતમાં મૂંગા રહ્યા છે તારલા.

૧૯૫૩
(સાયુજ્ય, પૃ. ૮)