કિંચિત્/યોજકસ્તત્ર દુર્લભ:


યોજકસ્તત્ર દુર્લભ:

સુરેશ જોષી

અહીં બે મુદ્દા ચર્ચવાના છે. આજની નવલકથા કથાહીન બની હોવાને કારણે નિ:સત્ત્વ બનતી જાય છે? એની નિ:સત્ત્વતાનું બીજું કારણ તે નાવીન્યનો અભાવ છે?

આપણી નવલકથા નિ:સત્ત્વ થતી જાય છે એમ મને લાગે છે ખરું, પણ તે જુદે કારણે. એની કથાહીનતા તે એની નિ:સત્ત્વતાનું કારણ છે, એમ હું માનતો નથી. મને તો એમ લાગે છે કે આપણી નવલકથા વધારે પડતી કથાશ્રિત છે, ને એ કારણે આ સાહિત્યસ્વરૂપની નવી નવી શક્યતાઓ પ્રકટ કરવાના સાહસની આબોહવા તૈયાર થઈ શકી નથી. એમ તો આનન્દવર્ધનેય ક્યાં નથી કહ્યું કે ન હિ કવેરિતિવૃત્તમાત્રનિર્વહણેન કિંચિત્ પ્રયોજનમ્! માત્ર ઇતિવૃત્તનું નિર્વહણ તો બહુ સહેલું થઈ પડે. પણ એ ઇતિવૃત્ત વિશેનું કુતૂહલ અને સાહિત્યકૃતિનો આસ્વાદ એ બે વચ્ચે આપણે વિવેક કરવો ઘટે. બાણભટ્ટે પોતાની ગદ્યકથાને ‘કાદમ્બરી’ નામ એમાં આવતા કાદમ્બરીના પાત્રને કારણે આપ્યું હશે. પણ કહે છે કે બલરામને અત્યન્ત પ્રિય મદિરાનું નામ કાદમ્બરી હતું. આ મદિરાતત્ત્વની અપેક્ષા નવલકથામાં મોટા ભાગના લોકો રાખે છે. એમ તો કવિતાનુંય મૌલિભૂત પ્રયોજન બ્રહ્માનન્દ સહોદર આનન્દ જ છે, પણ મદિરાનો છાક અને બ્રહ્માનન્દ સહોદર આનન્દ વચ્ચે અન્તર ઘણું છે.

કથા કહેવી તો સહેલી થઈ પડે. પણ સાચો નવલકથાકાર કથાને નિમિત્તરૂપ બનાવીને જ સર્જન કરે. કથા તો નવલકથાના સ્થાપત્યને ખડું કરવાને માટેની પાલખ છે. પણ નવલકથાની બાબતમાં એક મુશ્કેલી છે. એ નાટકની જેમ ભિન્નરુચિ જનોના સમારાધનનું સાધન બની જાય છે. આથી એના સાહિત્યિક અને અસાહિત્યિક એવા બે પ્રકારો પડી જાય છે. વર્તમાનપત્રોમાં હફતે હફતે પ્રસિદ્ધ થતી કે રેલવેસ્ટોલ પર વેચાતી નવલકથા બહુ મોટા લોકસમુદાયમાં વંચાતી હોય છે, ને છતાં સાહિત્યતત્ત્વથી રહિત હોય છે. કરુણ પરિસ્થિતિ તો આજે એ ઊભી થઈ છે કે સાહિત્યિક નવલકથા લખનાર લેખક પણ મોટા સમુદાયની માગ પૂરી પાડવાને ધીમે ધીમે અસાહિત્યિક પ્રકાર તરફ સરતો જાય છે. આ પ્રકારની નવલકથામાં કેવળ વાર્તા જ હોય છે. એ વાર્તા તમારા સંસારનો ઉમ્બર ઓળંગવાનો તમારી પાસે પરિશ્રમ કરાવીને તમને તકલીફમાં મૂકે એવી નથી હોતી. એનાં પાત્રો તમને રસ્તા પર ભેટી જાય એવાં હોય છે. આ સાથે થોડી સારી ભાવના માફકસર માત્રામાં અહીંતહીં વેરી એટલે બસ. આ નવલકથાલેખકો પાસેથી તમે કથાની ટેકણલાકડી ઝૂંટવી લો, પછી બિચારા એક ડગલુંય ચાલી નહીં શકે. પણ સાચો લેખક જેમ સાહિત્યસ્વરૂપની નવી નવી શક્યતાઓ સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો હોય છે તેમ સાચો ભાવક પણ નવલકથાના એક પાનામાંથી ઘણું ઘણું પામવા ઇચ્છતો હોય છે.

કથાનો સન્દર્ભ એવી રીતે રચાયો હોવો જોઈએ કે નવલકથાની અંદરની સૃષ્ટિને એ પરિમિત નહીં કરે, પણ એક કેન્દ્રમાંથી વિસ્તરતા જતા પરિઘવાળાં અનેક વર્તુળો એ રચી આપી શકે. કથા રચાય છે પાત્રોના કાર્ય દ્વારા. આ કાર્ય પાત્રોનાં માનસલક્ષણને પ્રકટ કરે છે. આ માનસલક્ષણોથી મનુષ્યસ્વભાવની સંકુલ અગાધતાની આપણને ઝાંખી થાય છે. અહીં એક વાત વિચારી જોવા જેવી છે: હું અનેક પ્રકારના અનુભવથી રીઢો થયેલો માણસ હોઉં તો એ બધા વિવિધ પ્રકારના અનુભવોને થોડા બહેલાવીને, થોડું રંગરોગાન કરીને આલેખતો જાઉં એટલે નવલકથા રચાઈ જાય એમ બને ખરું? આ મને સાચું લાગતું નથી. મારા અનુભવોનો ઢગલો ખડકવો ને ઉપર સારી લખાવટનો વરખ લગાડવો એમાં સર્જનની પ્રક્રિયાની તો બાદબાકી જ થઈ જાય છે. હાથ બેઠો હોય તો કુડીબંધ ચોપડીઓ લખતાં વાર ન લાગે. પણ આથી વિશેષ કશાકની જરૂર પડે છે. ને કદાચ એ તત્ત્વ જ આપણી નવલકથામાં નથી, એથી જ આપણી નવલકથા નિ:સત્ત્વ બનતી જાય છે.

તો એ તત્ત્વ કયું? એનું નામ પાડવું અઘરું પડશે, પણ પ્રયત્ન કરી જોઈએ. અનુભવો તો આપણને થાય અથવા આપણે કલ્પી શકીએ. પણ એ તો કાચી ધાતુ થઈ. એમાંથી સાહિત્યકૃતિ બને એ માટે એના પર સંસ્કાર કરવાનો રહે. આ સંસ્કાર તે સંવિધાનનો સંસ્કાર એમ હું કહીશ. જે એક અને અદ્વિતીય છે તેનો જેમ પ્રપંચ સંભવતો નથી, તેમ તેમાં આસ્વાદ્યતા પણ હોતી નથી. પણ એ એકની લીલાથી અનેકનો પ્રપંચ વિસ્તરે કે તરત એમાંનાં અંગોના પારસ્પરિક સમ્બન્ધના સંવિધાનનો પ્રશ્ન ઊભો થાય. અનુભવોનું જે મૂલ્ય કે રહસ્ય પ્રકટ થાય છે તે સર્જકે એના પર કરેલા સંવિધાનના સંસ્કારને કારણે. જેમ્સ જોય્સે ‘યુલિસિસ’માં જે કહ્યું તે એણે જે રીતે કહ્યું તે રીતે ન કહ્યું હોત તો ન કહેવાયું હોત. આ સંવિધાનની અનેકવિધ શક્યતા હોય છે, ને આ જ કારણે નવું સંવિધાન નવા રહસ્યને પ્રકટ કરતું રહે છે. મને લાગે છે કે સંસારમાં જોવા મળતી ઘટનાઓ કે રોજ બ રોજ થતા અનુભવોને નવો વસ્તુસન્દર્ભ રચી અનેક પ્રકારના સંવિધાન દ્વારા નવે નવે રૂપે પ્રકટ કરવાનું સર્જનકર્મ આપણી નવલકથામાં ગેરહાજર છે, કારણ કે આપણી નવલકથામાં સર્જક જ ગેરહાજર રહે છે. એ કૃતિની રચનાનો દોર એના વાચકવર્ગની રુચિના લઘુતમ દૃઢભાજક રૂપ એકાદ પાત્રને સોંપીને હાથ ધોઈ નાંખે છે. આથી જ તો ફરી ફરી આપણે કથાની ઉઘરાણી કરવા ઇતિહાસની દૂઝણી ગાય પાસે જતાં થાક્યા નહિ, સત્યઘટનાત્મક કથાઓ લખી, સમાજસેવાના પવિત્ર આશયથી અમુક જાતિ કે કોમના જીવનનાં સુખદુ:ખને વાચા આપી, અથવા તો સન્તોએ પ્રેરેલી કોઈ ભાવના ઉછીની લઈને કામ ચલાવ્યું, પણ યોજક તો સદાય દુર્લભ રહ્યો!

ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રની નિષ્ક્રિયતા આપણી નવલકથાના નાયકોને વારસામાં મળી. નવલકથાનો નાયક જે ભાવનાનું આલમ્બન બને તેને અનુરૂપ એના વ્યક્તિત્વનું કાઠું ઘડતાં આપણને આવડ્યું નહિ. આથી અર્ધું આપણે ‘ભવ્ય’ વર્ણનોથી પતાવ્યું ને અર્ધું સ્વપ્નાવસ્થામાંના કે બેભાન અવસ્થામાંના પ્રલાપ દ્વારા થતા ભાવનાના શુકપાઠી ઉચ્ચારણથી પતાવ્યું. બને તેટલો કાકતાલીય ઘટનાઓનો આશ્રય લીધો. નવલકથાની સૃષ્ટિમાં બહારથી આયાત કરીને ઘણું ઘણું ભર્યું પણ એ સૃષ્ટિની આબોહવામાંથી બહુ ઓછું નિપજાવી શક્યા. આ કારણે કાર્ય માત્ર ઐતિહાસિક પાત્રો જ કરી શક્યાં કારણ કે ઇતિહાસ એમની પાસે કાર્ય કરાવી ચૂક્યો હતો! એમનાં કાર્યોય આપણને એમનાં અંતસ્તલમાં ઊંડે લઈ જઈ શક્યાં નહીં, ઘણી વાર તો દોડભાગ અને ધમાચકડીથી આગળ જઈ શક્યાં નહીં. સામાજિક નવલકથાઓ આપણા સમાજજીવનની વિગત આપતા ઇતિહાસ રૂપ બની રહી. અઢીસો વરસ પછી, જો ત્યાં સુધી એ સચવાઈ રહેશે તો, કોઈ ધૂળધોયા સંશોધકને આપણા સમાજજીવન વિશે એ માહિતી પૂરી પાડી શકશે ખરી! પણ્ડિતયુગથી જ આપણે ભાવનાગ્રસ્ત બનેલા. નવલકથામાં ભાવના જન્મે તેને બદલે નવલકથાનો નાયક ભાવનાનો ઝંડો ઝાલીને બીજાં પાત્રોને સરઘસ આકારે લઈ જાય એવું થયું. ભાવનાને રચનાની પહેલાં સ્વીકારી લીધેલી હોવાથી સંઘર્ષ તરકીબ રૂપે જ રજૂ થયો. એનું ધારક બળ નવલસૃષ્ટિમાં વરતાયું નહિ. પાત્રોનું વ્યક્તિત્વ સરજાય એને માટેનું ખપપૂરતું વજન લેખક ઉપજાવી શક્યો નહીં. ગુરુત્વાકર્ષણનું બળ આપણને ખેંચે છે, ને એની સામે આપણે સમતુલા જાળવીને ટકી રહીએ છીએ. માટે આપણને આપણા આગવા વજનનું ભાન થાય છે. નવલસૃષ્ટિમાં લેખક આવી રચના કરી શક્યો નહિ, આવા વજનની ખોટ એને ભાવનાનાં પોટલાં ખડકીને ટાળવાનો પ્રયત્ન કર્યો! આપણા નૈતિક અભિગ્રહોએ સંવેદનાના ક્ષેત્રની સીમાને સંકીર્ણ કરી દીધી, ને કળામાં આસ્વાદ તે લાગણીનો નહીં પણ લાગણીને નિમિત્તે થતાં નવાં રૂપોનો હોય છે, એ વાતનું વિસ્મરણ થવાથી લાગણીની ઉચ્ચાવચતાને આધારે કૃતિની ઉચ્ચાવચતા નક્કી કરવાનાં ખોટાં ધોરણોને પણ કામે લગાડ્યાં.

હવે રહી નાવીન્યની વાત. સાચા સર્જકની તો દરેક કૃતિ નવી જ હોય છે, કારણ કે અન્યનું કે પોતાનું અનુકરણ એના સર્જનને વિઘાતક નીવડે તે એ જાણતો હોય છે. જો કશુંક નવું સિદ્ધ થતું ન હોય તો એ રચનાની નિરર્થક પુનરાવૃત્તિ કરવાની બાલિશતા શા સારુ કરે? પણ આપણે ત્યાં નવીનતા એટલે રચનાપ્રકાર કે સંવિધાનની નવીનતા નહિ પણ વિષયની નવીનતા. આથી કોઈ બંદર પરની ગોદીમાં ચાલતી દાણચોરી અને એવા બીજા ગુનાઓની વાત કરે કે કોઈ વધુ પ્રગલ્ભ બનીને મિત્રપત્ની સાથેના અવૈધ સમ્બન્ધની કામુકતાને અતિરંજિત કરીને આલેખે તો કેવળ વિષયના નાવીન્યને જ કારણે આપણું વિવેચન એને થાબડવા તૈયાર થઈ જાય. ગ્રામીણ જીવનનું આલેખન એક જમાનામાં નવો વિષય હતો, હવે નવીનતા રહી નથી. આ પ્રકારની નવીનતા માટેનાં વલખાં પાછળ કોઈ સાહિત્યિક સૂઝ કામ કરતી નહિ હોવાથી નવલકથા સાહિત્યસ્વરૂપના વિકાસમાં એ પરિણામકારી નીવડતી નથી. વિષયનું નાવીન્ય જ જો મહત્ત્વનું લેખાતું હોય તો શૅક્સપિયર તો બિચારો ક્યારનો મરી પરવાર્યો હોત!

આપણી નવલકથા નિ:સત્ત્વ છે કારણ કે એમાં નવલકથાકાર જ સર્જક તરીકે ગેરહાજર છે. આ હકીકતની ઉગ્ર પ્રતીતિ હજુ આપણા કથાસાહિત્યના વિવેચનને થઈ લાગતી નથી. વિવેચનનો પક્ષપાત જેટલો કવિતા પ્રત્યે છે તેટલો કથાસાહિત્ય પ્રત્યે નથી. વિવેચનની આવી સજાગતાનો અભાવ પણ નવલકથાના વિકાસને નડ્યો છે. ‘સરસ્વતીચંદ્ર’નુંય સમ ખાવા જેવું વિવેચન અદ્યાપિપર્યન્ત ક્યાં છે વારુ? ને એ ગ્રન્થ વર્ષોથી આપણા અધ્યાપકો સ્નાતકો અને અનુસ્નાતકોને શીખવતા આવ્યા છે!

દરેક સાહિત્યસ્વરૂપના વિકાસક્રમમાં એક સ્થિત્યન્તર એવું આવે છે કે જ્યારે એમ લાગવા માંડે છે કે હવે એ સ્વરૂપની નવી શક્યતાઓને પ્રગટ કરવાને કોઈ નવી પ્રતિભાનો ઉદય થવો જોઈએ. વિવેચન સજાગ નથી હોતું તો આ જરા મોડું વરતાય છે એટલું જ. નવી દિશામાં પહેલી પગલી પાડનારને ઘણું ખરું, એ સાહિત્યસ્વરૂપનાં લક્ષણો વિશેની પ્રચલિત માન્યતાને આઘાત આપીને જ આગળ વધવાનું રહે છે. આવી વેળાએ સ્થિતિચુસ્તો ‘આ નવલકથા જ નથી’ એમ કહીને જ એ નવીનને વધાવવાના. આદરની આ ભાષા તો તૈયાર છે, માત્ર એ નવીનના ઉદયની જ આપણે રાહ જોઈ રહ્યા છીએ.