કિન્નરી ૧૯૫૦/બે પછીના બપ્પોરે

બે પછીના બપ્પોરે

બે પછીના બપ્પોરે,
‘આવીશ’ કહી, પ્રિય, આવી નહીં
તું જોવનાઈને જોરે!
બે પછીના બપ્પોરે!

બે પછીના બપ્પોરે,
પળપળ જે આ કાળ જતો વહી,
એને કહ્યું મેં  : ‘થંભી જા અહીં!’
ના બંધાયો દોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,

પગરવ સુણીને જોયું મેં જહીં,
હવા હલેતી લહરાતી લહી,
કોડભરી કલશોરે!
બે પછીના બપ્પોરે!
બે પછીના બપ્પોરે,

મુજ હૃદયેથી લાલી ગ્રહી ગ્રહી,
રંગ ફૂટ્યા અંતે શું રહી રહી,
ત્યાં સંધ્યાની કોરે!
બે પછીના બપ્પોરે!

૧૯૪૯