કોડિયાં/ઊડતા શ્યામાને

ઊડતા શ્યામાને


ઊડતાં આવી માળો બાંધ્યો
          માધવીમંડપ મારે.
વર્ષાનાં વાદળ વિખરતાં,
          ઊડી ક્યાંક પધારે:
          તું ઊડ્યો એથી ઝંખું શ્યામા!
          સ્મરતો અંતર-તારે...

હિમાદ્રિના સપ્તશૃંગમાં
          સાગની સાત ઘટા રે.
દેવદારુની વૃક્ષરાજિમાં
          દૂઝે ચાંદની ધારે:
          એમાં માળો તારો નિત્યનિત્યનો,
          શ્યામી નિત્ય સમારે...

જાણુંજાણું ઊડતા શ્યામા!
મુજ ડાળે ના નિત્ય વિસામા!
તોય સ્મરું તું ઊડ્યો એથી,
          અંતરને એકતારે...

માધવીએ મુજ માળો બાંધ્યો,
          ઊડતા શ્યામા! આવી.
સાંભળ ઊડતી સ્મૃતિ!
          થંભ જરી!
પંખીડું કોઈ આવીઆવી
          ઝાડ-ઝાંખરાં વિસ્તારે,
          મુજ અંતરની મોઝારે.

          જાણું એ પહેલાં તો એણે,
          ઉર-સંગીતનાં વેણેવેણે
          બાંધ્યો અંતરમાં માળો,
          અશ્રુ-અમૃત-તારે...

તને માધવીમંડપ આપ્યો,
          અંતરમાળો ના રે,
નિત્યનિત્યના વાસ કરીને
          કોઈ દ્રવે છે:
તુજને કેમ કરીને ધરવો?
          એ ખાલી થાય ન ક્યારે...
          તોય સ્મરું હું ઊડતા શ્યામા!
          સ્મૃતિના સૂના તારે....
મેળ આપણો નિત્ય તણો ના,
          પળનો એ પલકારો;
અચળ ચળકતો ધ્રુવતારો ના,
          પણ એ ખરતો તારો.
મહાકાવ્યને ધોધે નહિ તો
          ઊર્મિગીતની ધારે;
તું ઊડ્યો તેથી સ્મરતો, શ્યામા!
          કોઈ વસંત-સવારે....!

8-4-’32