કોડિયાં/ચિતા
ચિતા
સ્મશાનમાં નિત્ય જતી નિશામાં,
આકશ શી તારક ચૂંદડી ધરી;
નદીતીરે પ્રજ્વલતી ચિતાનાં
પેખી રહું સૌ પ્રતિબિમ્બને ફરી.
હુંયે મહાકાલ તણી પળે કો,
ત્રિખંડના કોઈ અગમ્ય ખંડે,
બળીઝળી ખાખ થઈ ચિતામાં
હસીશ મીઠું પ્રતિબિમ્બ પાથરી.
વિચાર એવો બહુ વાર આવતાં,
જરીય મારો રસ ના કમી થયો;
કરુણ એ સુંદરતા નિહાળતાં,
મૃત્યુ તણો ભાવ મને ગમી ગયો.
પરંતુ આજે થથરાવતો અહા!
વિચાર મારા મનમાં રમી ગયો:
બળી તુંયે ખાખ થશે જ એકદા!
બધી-બધી હંમિતને હરી ગયો.
આકાશ શી નીલ ગભીર આંખો;
ઉષા સમા ઓષ્ઠ સુવર્ણ તારા!
સુનેરી એ કેશકલાપ ઝાંખો,
બળી જશે દેહની તેજધારા?
જીવંત હું આ જગમાં ચિતા શી,
ભમીશ સૂનાં પ્રતિબિમ્બ પાડતી!
28-12-’30