કોડિયાં/પૂર્ણિમા પાંખમાં
પૂણિર્મા પાંખમાં
રચેલ સખી સ્વપ્ન મેં: કદીક પૂણિર્મા પાંખમાં
લપાઈ, ધરી તાલમાં સુદૂર બંદરી સંગીતે
પદેપદ, વળોટવા ચઢણ એ; અને આંખમાં
પ્રતિચ્છવી પ્રકાશવા ઉભય પ્રીતના ઇંગિતે.
ચડી શિખર પેખવા ઉદધિઅંગ પે ઊઠતાં
તરંગ-શત-સ્પંદનો પરશ ચંદ્રના જ્યાં થતા.
અને તુજ કપોતનાય મધુ કૂજનોમાં ભળી
વિવર્તન પ્રસારવા મુજ ઉરે-સરે સાંભળી.
અનુક્ત પછી આપવા પ્રણયકોલ સ્વપ્નું રચ્યું,
અદ્વૈત થઈ, જોમ તો ભવ વિદારવાનું મચ્યું;
ન ધર્મ, નવ મંદિરે, નહીં જ સૂર્યની શાખમાં;
લખ્યા પ્રણયલેખ બેઉ મળી પૂણિર્મા પાંખમાં.
મળ્યાં ઉભય પંખીડાં સખી ! ન માન ભૂલી ગયો!
વૃથા ઉભય બ્હેન વિણ; સખી! કોલ દેવો રહ્યો!
3-3-’34