કોડિયાં/શેતૂર અને પોપટ
શેતૂર અને પોપટ
પોપટ પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.
ઘરઆંગણામાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ;
હાથ ફેરવી પંપાળે એ પછવાડેની વાડ.
ઉનાળો આવે ના’વે ત્યાં માણેકનો ભંડાર
લાલંલાલ ગુલાબી માલે શેતૂરનો અંબાર.
એવે ટાણે લીલાલીલા કીલકીલ કરતા હાશ!
પોપટ આવે નીલ ઘટાની વધારવા લીલાશ;
પરોઢ, સાંજે શોર મચાવે, તોડે ફળ ને પાન
તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન.
કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન
પોપટ ના’વે, ઊડી ગયા એ આપ્યા વિણ એંધાણ.
એક દફા ઓચિંતા મળતાં છેડી એણે વાત:
આપો શેતૂર રોજરોજ તો આવું દિન ને રાત!
ભૂલી ગયો હું બ્રહ્મા બનવું, મારી શું તાકાત?
— સમજાવું શેણે લાચારી? મનડું થયું મહાત.
શબ્દ વિના સંવેદન ઊંડું, એથી ગહન કરુણ
શબ્દકોશ જે પરિસ્થિતિનાં ચૂકવી શકે ન ઋણ.
પોપટે પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.
4-5-’53