કોડિયાં/સત્યાગ્રહ
સત્યાગ્રહ
સત્યાગ્રહ-સંગ્રામ જુદા છે,
સત્ય, પ્રેમ જેનાં હથિયાર;
જુઠ્ઠાને સાચો કરી સ્થાપે,
કોણ જીતે, ને કોની હાર?
પક્ષ બેઉ કરતો કલ્યાણ!
અદ્ભુત છે બાપુનું બાણ!
ગુલામ પડતો નથી એકલો,
પડતો જુલ્મી તેની સાથે;
ઉગારવા જુલ્મીને સારુ,
ઉગારવા પોતાની જાત —
સત્યાગ્રહનાં શરસંધાન!
અદ્ભુત છે બાપુનું બાણ!
શત્રુનેયે પ્રેમ કરીને,
ઇચ્છીને બન્નેનું હિત;
સત્ય તણો આગ્રહ ધરવાનો,
હિત એ જ છે સાચી જીત.
સર્વ પરે છે તેની આણ!
અદ્ભુત છે બાપુનું બાણ!
‘હરિનો મારગ છે શૂરાનો!’
પ્રીતમે એ ભાખેલું સાચ;
સત્યાગ્રહ સૈનિક શૂરાના,
માથું જાતાં મીઠી વાચ.
અસત્યના પિગળા’વા પ્હાણ!
અદ્ભુત છે બાપુનું બાણ!
12-8-’28