ખારાં ઝરણ/આગ રંગે જાંબલી છે

આગ રંગે જાંબલી છે

આગ રંગે જાંબલી છે,
સત્યની ધૂણી ધખી છે.

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.

પુષ્પથી અત્તર થયો છું,
તું મને નક્કી મળી છે.

જો નહીં, તું સ્પર્શ એને
એ હવા પહેરી ઊભી છે.

એમણે આપેલ વીંટી,
મન, હજી તેં સાચવી છે?

જીવને જાકારો દે છે,
દેહની દાદાગીરી છે.

પૂછ જે ‘ઇર્શાદ’ને કે
શ્વાસની સિલક ગણી છે?

૩૧-૧-૨૦૦૯