ખારાં ઝરણ/એમ તો જીવાય છે તારા વગર
એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર?
આભને તાક્યા કરે એકીટશે,
આંખ પણ મૂંઝાય પલકારા વગર.
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.
એક એવી ક્ષણ હવે આપો તરત,
ઊંઘ આવી જાય અંધારાં વગર.
ભીંત પર ચિતરેલ પડછાયો ફક્ત,
હોઈને શું હોઉં હું તારા વગર?
૩૧-૮-૨૦૦૯(હંસાના જન્મદિને)