ખારાં ઝરણ/ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી

ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી

ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી?
આ મળી દુનિયા, પછીથી કેમ સંસારી હતી?

કૈંક વરસોથી નિમંત્રણ આપતો દરિયો મને,
આજ લંગર છોડી નાંખી નાવ હંકારી હતી.

વાયુની પીઠે ચડી ભડભડ સળગતા મહેલથી,
નાસવા માટે મળેલી તું છટકબારી હતી.

આ અહીં આવી ગયો ક્યાં ભીડ ભરચક શહેરમાં?
ગામના નાના તળાવે ડૂબકી મારી હતી.

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.


૧૯-૯-૨૦૦૮