ખારાં ઝરણ/દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે

દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે


દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે,
ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે.

અંત વેળાની આ એકલતા સઘન,
તું કહે છે કે ઘણાં ચોપાસ છે.

ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ,
રોજની ટકટક, સમયનો ત્રાસ છે.

સ્પર્શતામાં લોહીના ટશિયા ફૂટે,
આ હથેળીમાં ઊગેલું ઘાસ છે.

મોકળું મન રાખ, માડી સરસતી!
આ ચિનુ મોદી તમારો દાસ છે.

૨૨-૧૦-૨૦૦૭