ખારાં ઝરણ/પહોંચવાનું ગેબી અણસારા સુધી
પહોંચવાનું ગેબી અણસારા સુધી,
આવવું સહેલું નથી મારા સુધી.
શોધવો છે એ તો નક્કી વાત છે,
હાથ લંબાવીશ અંધારાં સુધી.
મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?
વીજળીના એક ઝબકારા સુધી.
તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,
તું ધસી ક્યાં જાય અંગારા સુધી?
આંખ સામે કૈંક રસ્તાઓ હતા,
એક રસ્તો જાય છે તારા સુધી.
૧૦-૮-૨૦૦૭