ખારાં ઝરણ/બારી ખોલી આભ ! નીચે આવને
બારી ખોલી આભ ! નીચે આવને,
સાંકડું બનતું જગત અટકાવને.
સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી?
પુષ્પ સૌ નિર્બંધ બનતાં જાવને.
હું તને શોધી વળ્યો મનમાં બધે,
બહાર છે? તો પાછી ઘરમાં આવને.
જો થયું અંધારું, દેખાતું નથી?
એક દીવો લેખીને પેટાવને.
જીવવાની લત ઘણી મોંઘી પડે,
મૂર્ખ આ ઇર્શાદને સમજાવને.
૨૫-૭-૨૦૦૮