ખારાં ઝરણ/ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું

ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું

ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું,
‘આ જીર્ણ ઝાડ આજ પણ પંખી ઉગાડતું’.

કેવું બિચારું બાપડું જૂનું જગત હતું?
મારા ગુનાઓનું જૂનું વાજું વગાડતું.

મારા મરણનાં કારણો શોધ્યાં નહીં જડે,
પાણી ઊંઘાડતું અને પાણી જગાડતું.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું?
‘ઇર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું.

૨-૮-૨૦૦૯