ખારાં ઝરણ/મને તો હતું કે તું ભૂલી ગઈ

મને તો હતું કે તું ભૂલી ગઈ

મને તો હતું કે તું ભૂલી ગઈ,
અચાનક બધી બારી ખૂલી ગઈ.

છબીમાં પુરાયેલું પંખી ઊડ્યું,
જગતભરની ડાળીઓ ઝૂલી ગઈ.

અરે, સ્તબ્ધ જળ કેમનાં ખળભળ્યાં?
ગુના તારાટોળી કબૂલી ગઈ.

ધરા તો ધરા, નભ ને પાતાળમાં,
હવા એકલી ને અટૂલી ગઈ.

ગયા હાથ પગ વીંઝવાના ગયા,
અને લાશ પાણીમાં ફૂલી ગઈ.

પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

ન બોલે, ન ચાલે ઈશારો કરે
‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’


'૧૯-૩-૨૦૧૦