ખારાં ઝરણ/રણઝણ રણકતા કાન છે
રણઝણ રણકતા કાન છે,
વૃક્ષો ઉપર ક્યાં પાન છે?
સૂરજ ઉઘાડે બારણું :
ઘરમાં ઘણા મહેમાન છે.
તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીને વાન છે.
બિંબાય જળમાં આભથી,
ક્યાં ચંદ્ર કમ શેતાન છે?
જોયું ન જોયું થાય છે?
એ ક્યારનો બેભાન છે.
જે જે હતું ભરચક બધું,
તું છે છતાં વેરાન છે.
આ પ્રેમ બીજું કંઈ નથી,
‘ઇર્શાદ’ કાચું ધાન છે.
૨-૪-૨૦૦૮