ખારાં ઝરણ/રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?

સહેજ પણ તેં ખ્યાલ મારો ના કર્યો?
હિંસ્ર વન વચ્ચે હરણ તેં ક્યાં મૂક્યાં?

કાલ સપને કૈં જ ના હું કહી શક્યો,
વાણી વચ્ચે વ્યાકરણ તેં ક્યાં મૂક્યાં?

શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,
બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?


૨-૩-૨૦૧૦

(હંસાની મૃત્યુતિથિએ)