ખારાં ઝરણ/હે નમાયા શ્વાસ! પૂછી લે તરત

હે નમાયા શ્વાસ! પૂછી લે તરત

હે નમાયા શ્વાસ! પૂછી લે તરત,
જીવવાની શી શી રાખી છે શરત.

દેહ જો ના હોત તારું થાત શું?
જીવ, મારા જીવ, ક્યાં ફરતો ફરત?

હુંય સમજું છું મરણ વિચ્છેદ છે,
હુંય મારી બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત?

સાંજના અંધારથી શું બ્હી ગયો?
રાતનું આકાશ તારાથી ભરત.
૧-૭-૨૦૦૮