ખારાં ઝરણ/4


1

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર?

આભને તાક્યા કરે એકીટશે,
આંખ પણ મૂંઝાય પલકારા વગર.

શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

એક એવી ક્ષણ હવે આપો તરત,
ઊંઘ આવી જાય અંધારાં વગર.

ભીંત પર ચિતરેલ પડછાયો ફક્ત,
હોઈને શું હોઉં હું તારા વગર?

૩૧-૮-૨૦૦૯(હંસાના જન્મદિને)



2

ક્ષણ ઉપર કાયમ તરે છે, જીવ છે,
દેહ માફક ક્યાં મારે છે? જીવ છે.

એ મુસિબતમાં નહીં સાથે રહે,
શ્વાસ અટકે કે સરે છે, જીવ છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંધ, બહેરો, બોબડો છે તે છતાં,
દેહ પર શાસન કરે છે, જીવ છે.

ક્યાંય ઘર કરતો નથી. ‘ઈર્શાદ’ એ,
રોજ એ ફરતો ફરે છે; જીવ છે.

૧-૮-૨૦૦૯



3

કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ,
આભ માથે ઊંચક્યાનું છે સ્મરણ.

રાત પડતાં હુંય અંધારું થયો,
જન્મ પહેલાંના જીવ્યાનું છે સ્મરણ.

હોય તળિયે તો કદાચિત હોય પણ ,
પાણી ખોબામાં ઝીલ્યાનું છે સ્મરણ.

આપનો વહેવાર બદલાઈ ગયો,
બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ.

પાંદડાં ‘ઈર્શાદ’ ફિક્કાં થાય છે,
ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ.

૧૧-૯-૨૦૦૯



4

ચિર પ્રવાસી શ્વાસની શું જાત અલગારી હતી?
આ મળી દુનિયા, પછીથી કેમ સંસારી હતી?

કૈંક વરસોથી નિમંત્રણ આપતો દરિયો મને,
આજ લંગર છોડી નાંખી નાવ હંકારી હતી.

વાયુની પીઠે ચડી ભડભડ સળગતા મહેલથી,
નાસવા માટે મળેલી તું છટકબારી હતી.

આ અહીં આવી ગયો ક્યાં ભીડ ભરચક શહેરમાં?
ગામના નાના તળાવે ડૂબકી મારી હતી.

અંગ આખું ઝેરથી ‘ઈર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઈચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

૧૯-૯-૨૦૦૮



5

એની ગણતરી થાય છે ફરતા ફકીરમાં,
ક્યાંથી મકાન બાંધશો ફરતી જમીનમાં?

ટેકા વગરનું આભ ઝળૂંબે છે શિર ઉપર,
સારું થયું: શ્રદ્ધા લખી : મારા નસીબમાં.

શબ્દો પડે છે કાનમાં : ‘ચાલો, પ્રભુ હવે’,
તું આટલામાં તો નથી મારી નજીકમાં?

જન્નત છે એ તરફ અને તું છે બીજી તરફ,
બન્ને તરફ છે ખિસ્સા : મારા ખમીસમાં.

‘ઈર્શાદ’ છોને દોડે, આ શ્વાસ વેગમાં,
જીતી જવાનું ક્યાં છે કૌવત હરીફમાં.

૩-૧૦-૨૦૦૯



6

તું પ્રથમ એને અહીં સાક્ષાત કર,
એ પછી એના વિશેની વાત કર.

કોઈ પણ ઈચ્છા હજી બાકી ખરી?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

શ્વાસનો આવાસ સૂનો થૈ ગયો,
વાતને જલદી સમજ ને રાત કર.

જીવને ખખડાવ ને એને કહે :
‘દેહની શું કામ તું પંચાત કર?’

સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઈર્શાદ’ ને :
‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’.

૫-૧-૨૦૧૦



7


મન કરો રમમાણ ક્યાં છે?
એક પણ રમખાણ ક્યાં છે?

પાણી પાસે છે ખરાં, પણ,
વાયુ પાસે વ્હાણ ક્યાં છે?

સ્વપ્નની સરહદ હટાવે,
લક્ષ્યવેધી બાણ ક્યાં છે?

કેમ ઊડે છે કબૂતર?
જોઈ લે ભંગાણ ક્યાં છે !

‘જાવ તો સોગંદ છે, હોં’,
એવી ખેંચતાણ ક્યાં છે?

એક પળમાં દેહ છોડું -,
(એવાં) સ્વર્ગનાં ખેંચાણ ક્યાં છે?

જે ગયાં એ તો ગયાં છે,
ક્યાં ગયાં એ જાણ ક્યાં છે?

આ જગતને કોઈનું પણ,
ઠામકું બંધાણ ક્યાં છે?

૨-૧૦-૨૦૦૯



8

કાયમી આ ઘર નથી,
તું સમયથી પર નથી.

કેમ તું અધ્ધર ન જો?
ખોટું ના ક’હે : ડર નથી.

બૂઝવો ફાનસ બધાં,
ક્યાંય પણ ઈશ્વર નથી.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.

બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

બંધ ઘર ખોલાવ નહીં,
કોઈ પણ અંદર નથી.

જો, હુકમ કરતો નહીં,
શ્વાસ છે, નોકર નથી.

૨૯-૩૦/૧૧/૨૦૦૯



9

મને તો હતું કે તું ભૂલી ગઈ,
અચાનક બધી બારી ખૂલી ગઈ.

છબીમાં પુરાયેલું પંખી ઊડ્યું,
જગતભરની ડાળીઓ ઝૂલી ગઈ.

અરે, સ્તબ્ધ જળ કેમનાં ખળભળ્યાં?
ગુના તારાટોળી કબૂલી ગઈ.

ધરા તો ધરા, નભ ને પાતાળમાં,
હવા એકલી ને અટૂલી ગઈ.

ગયા હાથ પગ વીંઝવાના ગયા,
અને લાશ પાણીમાં ફૂલી ગઈ.

પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

ન બોલે, ન ચાલે ઈશારો કરે
‘ગઈ, વલવલંતી એ લૂલી ગઈ.’

'૧૯-૩-૨૦૧૦



10

છે ખરો કે લા-પતા, ભૈ?
મન ગણે તે માન્યતા ભૈ.

આંખ મીંચી યાદ કર તો,
જીવતા ને જાગતા – ભૈ.

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

‘સાંકડું આકાશ બનજો’,
પંખી કેવું માંગતા – ભૈ?

વય વધેલી ઢીંગલીને,
ખૂબ ઊંડે દાટતા, ભૈ.

શું થયું ‘ઈર્શાદ’ તમને?
શ્વાસથી કંટાળતા, ભૈ?

૪-૪-૨૦૧૦



11

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?

સહેજ પણ તેં ખ્યાલ મારો ના કર્યો?
હિંસ્ર વન વચ્ચે હરણ તેં ક્યાં મૂક્યાં?

કાલ સપને કૈં જ ના હું કહી શક્યો,
વાણી વચ્ચે વ્યાકરણ તેં ક્યાં મૂક્યાં?

શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,
બોલને – ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?

૨-૩-૨૦૧૦

(હંસાની મૃત્યુતિથિએ)