ગંધમંજૂષા/કર્ણ

કર્ણ


હું કોણ ?
હું કર્ણ !
પણ કોણ કર્ણ !
સૂતપુત્ર કે સૂર્યપુત્ર ?
રાધાપુત્ર કે કુંતાપુત્ર ?
એક અકળ પ્રહેલિકા હતું
એક રહસ્યમય આવેષ્ટનની અંદર જ
ઘૂંટાતું રહ્યું જે સતત
દિવસોને ઉદ્વિગ્ન
અને રાત્રિઓને અનિંદ્ર રાખતું જે રહસ્ય
આજે બન્યું છે સ્પષ્ટ - નિર્મમ.

પિતા સૂર્ય અજવાળે ઉજાળે બધું જ
વનશ્રી, ઘેરી ઉપત્યકાઓ,
ઉજાળે ક્યારેક તો અંધારી ગુફાના અવાવરું ખૂણાને પણ.
તો મને જ કાં પ્રજાને અંધકારમાં !
પિતા પૂષન્ પોષે સમસ્ત ઉદ્ભિજ્જ પ્રાણીજ સૃષ્ટિને
તો મને જ કાં શોષે આખુંય જીવન !
ક્યારેક તો નાના થઈ રમવા આવે
નાના સરખા ખાબોચિયામાં,
લખલખતો તડકો બની વેરાય વિસ્તીર્ણ મેદાનોમાં,
ઝિલાય જરી અમથી ઝાકળમાં,
રક્તિમ આભા બની અવતરે કોઈ ખોબો ભરી અંજલિમાં
તો મારાથી જ કેમ રહ્યાં યોજન યોજન જન્મ દૂર ?
બૃહદ્ આ વિશ્વમાં
સહુ ગ્રસ્ત છે નાનાવિધ પ્રશ્નોથી.
પણ ‘હું કોણ’નો ઉત્તર
આપી શકે છે કોણ ?
વરસોથી સૂતો હું
પક્ષ્મસૂક્ષ્મ પ્રશ્નશય્યા ૫૨
અનેક વાર પ્રશ્નપીડા દાહક થઈ ઊઠી છે અચાનક
પણ એથીય દાહક એથીય વેધક તો છે
આ નિર્મમ સત્ય
- હું કોઈ નિર્જન નદીને કાંઠે
કોઈ સાંધ્યવેળાએ પિતા અધિરથને
પેટીમાં તરતો મળેલો - તરછોડાયેલો.
આજેય તણાઉં છું કાયાકાષ્ઠની મંજૂષામાં
એક અનાથ બાળક લઈને. -

જેનું એક એક અંગ જાય છે ગળતું
તે જ હું છું અંગદેશનો રાજવી.
શાસન ચાલે યોજનો-યોજન સુધી
અનેક નરશ્રેષ્ઠ રૃપાલો ૫૨,
શાસન ચાલે અંગદેશના શ્મશ્રુવાન યુયુત્સુ યોદ્ધાઓ પર
પણ
શાસન ન ચાલે મારું જ મારા પર.

કાયાના કિલ્લામાં અંગઅંગ પોકારે છે બંડ
ફાટફાટ આ જીવનમાં
અંદરથી તો પામ્યો છું અફાટ અવકાશ.
હું રિક્ત
એકાંતથી સિક્ત

પિતા સૂર્યના પ્રકાશે ઝળહળે છે મારો મુગુટ
પણ
આ સેનાપતિપદના રક્તતિલક સાથે
લલાટ પર જાણે ધારણ કરું છું
એક અદૃશ્ય કાલિમા.
દુંદુભિઓ, રણભેરીઓ વાગે છે બહાર
શંખકુહરમાંથી ગોરંભાઈને ઊઠે છે ભીષણ ધ્વનિ બહાર,
બહાર ઘોષ છે, ઉદ્ઘોષ છે મારા નામનો.
કોઈ દિગ્વિજયી રાજાની શિબિકાની જેમ જ
બધાં ઊંચકે છે મારા નામને
તો મને જ કેમ સંભળાયા કરે છે ઉલૂકનો અમંગળ અવાજ
દિશાઓ કેમ દીસે છે દારુણ ?
ભીતર શું કોર્યા કરે છે સતત
જંઘાના મૂળનાય મૂળ સુધી ?

હું ફેંકું તીરો, તોમરો, શક્તિઓ સહસ્ર,
ઊંચકું દસેય દિગ્ગજોને એક બાવડે,
બાંધું આઠ આઠ અશ્વોને એક સાથે.
પણ બાંધી ન શક્યો એ કામિનીને એક દઢ આશ્લેષમાં.

લાંઘી શકાય દુર્લંઘ્ય પર્વતો,
ઓળંગી શકાય સાતસાત સમુદ્રો
અગ્નિઝરતી ચમરબંધીઓની આણ
પણ ઓળંગી ન શકાયું
કામિનીના સ્તનનું મહાવર્તુળ,
તેની પૃથુલ જંઘાની એક દીર્ઘચાપ.
ઊતરી શકાય ઊંડે
અતલ વિતલ પાતાલના તલમાં
પણ ઊતરી ન શક્યો
કૃષ્ણાની એક નાનીશી આંખમાં
ને કરીકરીનેય
શું કરી શકે
આ બલિષ્ઠ બાહુઓનું બળ ?

નારીનાં જ બે રૂપ
પામીએ જેમાં આપણે આપણું સ્વરૂપ :
જનની અને માનુની.
હું એથી વંચિત
જન્મોજન્મનું આ જ મારું સંચિત.
હું કુંઠાથી ભરીભરી એ નારી કુંતીનું કરુણાંત કુતૂહલ
તેના યૌવનના ઉંબરની પહેલી ઠેસ.
નિરાધાર જન્મ્યો.
રાજ્યને પડછાયે ઊછર્યો - પામ્યો ભર્ત્સના
રાજ્યરૂપે પામ્યો એક દયનીય ભિક્ષા
વિદ્યારૂપે પામ્યો શાપ.

પૃષ્ઠ એક ફરી ગયું હોત તો,
તો હું હોત...
હું હોત હસ્તિનાપુરનો રાજ્યારૂઢ રાજ્યની
કામિનીનો જ્યેષ્ઠ પતિ,
પણ કઈ સત્તા
કયું અનુશાસન રોકી રહ્યું મને ?
ને કહી દીધું કુંતીને
જેની છાતીમાં સુકાયું છે પહેલા ધાવણનું દૂધ,
પણ જેની આંખમાં ક્યારેય નથી સુકાયું એક આંસુ ?
હું જેના ફંગોળાતા જીવનનું નીરમ
ને કુંતીને નિર્મમ થઈને કહી દીધું
જાઓ મા
હવે જાઓ
હવે તો બધું જ ઉચ્છિષ્ટ
આ કાયા
ગર્ભની સહસ્ર આંગળીઓથી ઘડી તેં,
રક્તથી સીંચી તેં,
પોષી જેને રાધાએ,
કેળવી જે કાયાને મેં,
ચાહી જેને વલ્લભાએ,
હવે તેમાં કોઈનોય નહીં ભાગ.
બધો ભાગ હવે...
હું મહારથી અતિરથી
પણ અધિરથનો પુત્ર અર્ધરથી.
ભીષ્મનાં વેણ ખૂંચે છે શલ્યની જેમ
ને શલ્યનાં વેણ જાણે બાણ.
મારા કર્ણ-મધ્યે હતું કવચ,
ને કવચકુંડળની વચ્ચે કવચ પહેરીને બેઠું હતું જીવન – આશ્વસ્ત
જેનું મેં દાન કર્યું છે
એક બ્રાહ્મણના - મીંઢા મૃત્યુના - ક્ષુદ્ર ભિક્ષાપાત્રમાં.
નિસ્તેજ આ સેનાપતિપદના મુકુટનો ચળકાટ.
વિ૨સ આ જીવન.
રંગરાગ રતિરંજનની સ્મૃતિ નહીં,
વિરતિનો જ છેલ્લો સ્વાદ.

સમુદ્ર રત્નહીન,
લુપ્ત જ્યોતિ આકાશની,
પૃથ્વી વિગતયૌવના.
આજે કોઈ નથી રોષ.
ન મા કુંતી પર,
ન દ્રોણ ૫૨,
ન મરણાસન્ન ભીષ્મ પર, ન કૃષ્ણ પર
કે
ને સ્વયં મારા પર.

કંપે છે ગાત્ર
અંતે આ જ છે માત્ર.
ચાલે શોધ જીવનની જીવનભર
ને અંતે સારવવા મથો તો સરકીને સરી જાય સર્પની જેમ.

પાર્થથીય પ્રખર પ્રતિસ્પર્ધી સાથે
લડતો રહ્યો છું અહર્નિશ.
આજે
અઢાર અક્ષૌહિણી સેના મારી અંદર આ તરફ
અઢાર અક્ષૌહિણી સેના મારી અંદર તે તરફ
પણ હવે એ પરમવિષ્ટિકારે માંડી છે
મારી સાથે જ વિષ્ટિ.

જન્મમરણ
જયપરાજય
માનઅપમાનની બહાર એક બિન્દુ ૫૨
ક્ષણાર્ધ માટે પણ ટક્યો છે પગ.
જે ક્ષણમાં પામ્યો છું બધું યુગપત.
શું વરદાન શું શાપ
તું મને ગમે તે આપ.
અંગદેશ નહીં,
હસ્તિનાપુર નહીં,
દ્યાવાપૃથ્વીનું સામ્રાજ્ય નહીં,
એક વિશાળ
વિશાળથીય વિશાળતર સામ્રાજ્ય છે ભીતર.
જ્યાં કોઈ નથી કરતું રાજ્યાભિષેક
જ્યાં કોઈ નથી કરતું પદચ્યુત.
ભલે સરી જવા દો સર્વ વિદ્યા
– તે તો અવિદ્યા
ભલે ગળવા દો રથનું ચક્ર ભૂમિમાં,
ડૂબી જવા દો પૃથ્વી મારી આંખમાં,
ડૂબી જવા દો નદીતટે ઊગેલાં પ્રભાતો,
હસ્તિનાપુરના પ્રાસાદો,
કામિનીની કાયાના કિલ્લાઓ,
સ્તનના ખંડેરો.

મસ્તક પરનો મણિ લઈ
નાગરાજ રહેવા જાય જેમ અધોલોકમાં
તેમ સરી જવા દો મને એ સામ્રાજ્યનો રાજવી થઈ રહેવા.
પિતા સૂર્ય !
રહેવા દો મને અંધકારના ગર્ભમાં જ.