ગંધમંજૂષા/કવિ પત્નીને

કવિ પત્નીને

મેં તને બતાવી છે
ક્રેંકાર કરી ઊડી જતી કુંજડીઓની હાર
દૂર દિગંતના આભાસની પેલીપારના અંધકારમાં ભળી જતી
– જાણે સરકતી જતી જૂઈ ફૂલોની સેર
મેં તને બતાવ્યા છે
સાંકડી શેરીની નાનકડી બારીના ફાંસલા બહાર
રૂપેરી છીપોની જેમ ખૂલતાં નક્ષત્રો
કૃત્તિકા, બાણરજ ને વ્યાધ,
મેં તને બતાવ્યું છે
નીલઆકાશ
જે ભળી જાય છે સમુદ્રના નીલની સાથે.
મેં તને સંભળાવ્યો છે વહેલી સવારે શાકમારકેટની હરરાજીના
કોલાહલમાં ડૂબતો એક એકાકી ટીટોડીનો ઉદાસ અવાજ
લઈ ગયો છું હું તને એ અધોલોકમાં,
એ ઉદ્દંડ શિખરો પર જ્યાં
કામનાનો સૂર્ય પ્રજ્વળે છે તેના સોળમા વરસમાં
જ્યાં અંધકારનો અર્થ છે નરી વાસના.

લઈ ગયો છું હું તને
મરણની સાંકડી અફાટ ગલીઓમાં
જ્યાં કયા કયા કાળનું
શું નું શું રઝળે છે ને રવડે છે અહીંતહીં.
મેં તને આપ્યું છે નાનકડું સુખ
– ઉત્સવદિને રાજાના ભેટ અસબાબના ઐશ્વર્ય વચ્ચે
લજવાઈ રહેલ ક્ષુદ્ર ઉપહાર જેવું નગણ્ય.
મેં તને આપી છે પારાવાર વેદના
તારા આ નાનકડા હૃદયમાં ન સમાઈ શકે તેટલી વિરાટ ભયાવહ.
ચાલતા આ ચાર ચરણનો કોણ તોડે છે લય
બિલોરી આ રંગમહેલની જવનિકા પાછળ કોણ હસે છે મય
સહેજ હસવા ખૂલેલા આ હોઠની કોણ ખૂંચવી લે છે રેખા
સહેજ પણ અવકાશ ન હોય તેવી બિડાયેલી આંગળીઓની
અમથી એવી તિરાડમાંથી
કેમ ફૂંકાવા લાગે છે સુસવાતો પવન
વચ્ચે કોણ મૂકી દે છે યોજનના યોજન ?

આપણી આ યંત્રણા વચ્ચે
કોની ચાલે છે મંત્રણા ?
કોણ છે એ
એ છે કોણ ?

તું કહે છે
‘મને કશી ખબર ન પડે
તમારા અષ્ટમ્ પષ્ટમ્-માં’
તારી વાત સાચી છે
કેટલીક બારીઓ તો બંધ જ સારી.

લસણ મૂકી છમકારો કરી વઘાર તું
ભીંડાના સોડમભર્યા શાકને
પીરસ તું મને પ્રેમથી

સાડલાનો છેડો આડો રાખી ધવરાવ તું મારા બાળકને
અગાસીના કૂંડાનીય કાળજીથી પાણી પા તું જળની ઝારીથી
મધરાતે છણકો કરી ઝૂંટવી લે મારી ચોપડીને
આ લે
ઝૂંટવી લે મારી પેન
ભલે આ કવિતા અધૂરી રહે.