ગંધમંજૂષા/નર્મદાના તટપ્રદેશમાં

નર્મદાના તટપ્રદેશમાં



અહીં આપણી વાણી છે મૌન
ને મૌન છે
આ તટપ્રદેશની વાણી.
અહીં સ્થળ નથી
નથી કાળ
અહીં તો છે માત્ર જળ.
અમરકંટકના ધરામાંથી
લઘુસ્વપ્નની જેમ ઉદ્ભવી છે જે,
ધૂંવાધારની ધૂસરતામાં
ગોપવી રાખ્યું છે જેણે તેનું પ્રગાઢ રૂપ,
હરણફાળની બલિષ્ઠ કરાડોમાં કોઈ
લાજુલ તન્વીની જેમ
છાનું છાનું ઘૂઘવ્યા કર્યું છે જેણે,
ભેડાઘાટનાં આરસ શિલ્પો સાથે
જેણે વિશ્રંભ વાતો
કર્યા કરી છે અવિરત,
સાત સાત પર્વત
ને
સાત સાત ખીણની
એકલતા કરી પાર
સાંજના ઉદાસ અરણ્યની છાતીમાં
અશ્રુની એક રજતરેખ બની
સરક્યા કરી છે જે;
વૃક્ષ આગિયા ને મૃગની
વાતોમાં ભળીભળીનેય
જે અળગી રહી છે સતત,
તે
ઊતરી છે અહીં આ મેદાનમાં.
જળના મુખ પર
વનાંચલની વાતો,
કાંતાર શિલ્પોની કથા,
અનેક પ્રણયની ગાથા.
અહીં જળમાં
અર્જુન-શાલની મંજરીનો સહસ્ત્રપુટ,
જરૂલ જાંબુવનોનો જાંબુડિયો પાશ,
પીળચટા વાઘની પટાદાર ત્રાડનો રંગ,
અહીંથી હવામાં
ભૃગુરૂઆશ્રમના યજ્ઞની
દ્યુતાહુતિની ગંધ
અગ્નિશિખાની આછી આંચ.

અહીં જળ પખાળે છે
આપણાં ચરણ.
જળ પલાળે છે આપણો અવાજ.
આપણા કોલાહલના
એક એક કંકર અહીં પામે છે
શંકરનું રૂપ.
અહીં જળના ગીત સાથે
ભળી જાય છે નાવિકનું ગાન.
ફરફરતા શઢની તિર્યક બિંબરેખાઓ
ફરી ફરી નાચતી ભળી જાય છે જળમાં.
અહીં નદી
કોઈ પ્રગલ્ભ નારી બની
હળવે હળવે
ઊતરે છે ઊંડે ઊંડે
આપણી છીછરી છાતીમાં
ને
તેના જળપાશમાં કરી દે છે
બધું જ જળવત્
જળલીન.
અને આપણે પામીએ છીએ કશુંક
જે ક્યારેય નથી પામ્યા
ન કશું અગ્નિમાં
ન કશું વાયુમાં
ન કોઈ સ્થળમાં
તે માત્ર આ જળમાં.