ગંધમંજૂષા/પાર્થેનોનના પથ્થરોને

પાર્થેનોનના પથ્થરોને



મારા અસ્તિત્વને ક્ષણસ્થાયી સ્થાપનારા
હે આદિમ પથ્થરો !
એજીયન સમુદ્રના ભૂરાં ભૂરાં જળને ઝીલતો
ભીનો પવન
ઘડીભર થંભે છે
તમારી પ્રશાંત છાતી પર
-તેના ઉડ્ડયનનું સત્ત્વ પામવા.
પવનના મુખ પર
શ્વેત ફીણની મેખલા પહેરી
નરમ તડકામાં નહાતા એ હરિતદ્વીપોની કથાગાથા.
કેટલીય કાલીઘેલી વાતો
ક્ષણભરની વિશ્રાંતિ –
અને હા, તેમાં જ
તે જીવી જાય છે એક કાળ
પછી તો તેમણે અડબડિયાં ખાઈને આથડ્યા કરવાનું છે
આ આજના એથેન્સમાં
અસંખ્ય આયામોથી
આશ્લેષો એ પવનોને.

તમારા તળિયે ભેજભરી હૂંફમાં ઊગતી લીલનું કે
અંદર સરકીને ગોટમોટ ભરાઈ જતા
ડરપોક જંતુનું ઘર ન હતા કોઈ એક કાળે
નિશાચર સર્પો વીંછીં કે ઘુવડનું
દર ન હતા
પર્યટકોનું વિસ્મય ન હતા.
કોઈ એક કાળે
ઓલિમ્પસના દેવોએ દબદબા સભા ભરી છે અહીં
એક યહૂદી ગુલામે ગ્રીકકન્યાને તેનું પ્રથમ ચુંબન
આપ્યું છે આ પીઠિકા પર - ગ્રીષ્મની કોઈ દીર્ઘ રાત્રિએ.
અહીં જ ક્યાંક
સોક્રેટિસે ક્રિસ્યસને ખભે
હળવો હાથ મૂકીને કહ્યું છે કશુંક.
છાતી ૫૨ આકાશના સત જેવો નીલમણિ પહેરીને
આ સ્થંભને જ અઢેલીને
અહીં ક્યહીં ઊભી હશે ડાયેના.
મિડાસ પથ્થરોને સુવર્ણની આભા અર્પે
પણ ફિડિયાસ અર્પે પ્રાણ.
પક્ષીની છાતીની જેમ ધબકતા પથ્થરો
પથ્થરયુગનું અસ્ત્ર નહીં
ઉગ્ર ટોળાનું શસ્ત્ર નહીં
પણ ?
છત્ર હતા માનવોનું
પણ પછી તો
કયા દેવનો દર્પ
ને કઈ મેડુસાનો દૃષ્ટિપાત
અને તમે
થઈ જાવ છો સાવ કાળાંભઠ્ઠ મૂક-નિષ્પ્રાણ
મધ્યાહ્નની પ્રખરતામાં
તમે થાવ છો તમારા જ પડછાયામાં સ્થિર.

અનેક યુદ્ધોનું તૂર્ય,
યુદ્ધોથી રક્તાંકિત ભૂમિ,
એપોલોની વેદી પર નૈવેદ્ય;
ઓલીવ વૃક્ષોની છાયા
દ્રાક્ષની વાડીઓમાં રમતું જનપદ
પણ ? પછી
ઘટિકાયંત્રની રેતી સ્થિર
સાંજવેળાએ જીર્ણ સ્થંભોના લંબાતા જતા પડછાયા,
વિષણ્ણ વનરાજી પર સૂર્યનો સુવર્ણઢોળ,
ને સૂર્ય ચાલી જાય
લીલા ઢોળાવોની પેલે પાર
જીવનની ઉષ્મા, સંઘર્ષ, આનંદ
કેટકેટલુંય ચાલ્યું ગયું છે જ્યાં.

યુગો યુગોની ગ્રહણરાત્રિઓનો હાહાકાર,
ખંડેરોની જમીન ૫૨
સર્પોની જેમ સરકતી જતી
મૃતાત્માઓની ભૂતાવળ,
ઓચિંતું જ બિહામણું અટ્ટહાસ્ય કરી ભડકાવતું કોઈક;
ખંડિત અંગોને શોધતા ફરતા દેવો,
ખંડિત ચન્દ્રને ચાટ્યા કરતા ખંડેરો,
શાપમુક્ત થઈ ઊડી જવા માગતા સ્થંભો
ને એમ્ફી થિયેટરના ઢોળાવ પર
ટ્રેજડી જોતું એકાંત.

હરણી મૃગશીર્ષ કે કૃત્તિકા
તમને આપે છે આમંત્રણ
કોઈ અજાણ્યા ગ્રહ નક્ષત્ર પર,
કોઈ બીજા જ માનવો વચ્ચે
ઘર બજાર કે ઉંબરો થઈ રહેવા.

પણ ? તે છતાં
આ ગુરુત્વાકર્ષણ જ નહીં
એથીય વિશેષ
કશુંક ગહન,
કશુંક મર્માંતક,
રોકી રાખે છે તમને અહીં
આ ખંડેરોમાં ખંડેર થઈ રહેવા.
પૃથ્વીની છાતી પરનું
ભૂખરું નિષ્પ્રાણ વજન નથી તમે
જ્વાલામુખીની હોલવાયેલી આભા નથી
કે નથી તમે લુપ્તકાળનો સુપ્ત લેખ.
હજીય ધબકતા રહ્યા છે
તમારા ઉચ્છ્વાસમાં પૃથ્વીના આદિકાળના નાભિશ્વાસ
આ વૃક્ષોથીય
ઊંડા ઊતર્યા છે તમારા આશ્લેષી મૂળ.
આમ વાતો કર્યા કરવી તમારી સાથે
તે
મૂર્ખ પ્રલાપ છે
કે આત્મસંભાષણ ?