ગંધમંજૂષા/રાતની રાહ

રાતની રાહ

આકાશી મેદાનમાં બરછીદાવ રમતો સૂર્ય થાકે છે,
પરસેવો લૂછે છે. ફળફળતી બપોર. પછી
ધીમે ધીમે સાંજ સીઝે છે.
પાછાં ફરે છે પારેવાં ઘરઘરના છજામાં.
પાછા ફરે છે દરેક પગ ઘરમાં.
ઢીલી થાય છે ટાઈની પકડ
ખૂલતા બટન પછી શરીર આવે છે શરીરમાં રહેવા.
હાથ રમે છે શિશુઓ સાથે,
પ્રિયાની ડોકના વળાંક સાથે.
ફરી ફરી એ જ નવીન
આવે છે રાત...

તારી નાભિમાં સંતાઈ રહેલો અંધકાર
બહાર નીકળી આવે છે બધું જ.
અંધકાર ઝમે છે છેક આપણા મૂળ સુધી.
ડૂબે છે વસ્તુઓની તીક્ષ્ણરેખા,
ડૂબે છે દુકાનોનાં પાટિયાં, ગલીઓ, શહેરો.
ડૂબે છે હેડલાઇનો ને હોર્ડિંગો.
ડૂબે છે અનેક નિહારિકાઓ દૂર દૂરના તારાઓ.

અંધકારનો ઓઘ
અંધકારનો મેઘ
ફરી વળે છે બધે જ
બધું જ ડુબાડતો,
ડૂબે છે નામ તારું, નામ મારું
નામ નામમાત્રનું.
ટેરવે ટેરવે ઊગે છે દેહના ઢોળાવ.
સ્તનનું સ્નિગ્ધ વર્તુળ.
તું તો આવીને સમાય કાનની ઉષ્ણ બૂટમાં
પાનીની ઘૂંટીમાં
તું, ના, તે તો હું જ.

કાયાની માટીમાં સ્પર્શનું સ્ફુરણ
ઉર્વર દેહ પાંખો ઉઘાડે, ચોતરફ ઊડઊડ પતંગિયાની
તું કયા કામરુદેશની નારી ?
બનાવી દે છે મને
ઘડીકમાં પશુ
તો ઘડીકમાં શિશુ.

સવારે ફરી પ્રકાશનો પિંડ ઘોળાય.
અંધકાર હળવે હળવે સંકેલી લે અંગો.
પરીઓની પાંખમાંથી ખરેલાં પીંછાં રહી જાય પથારીમાં
બે-ચાર...
ને દિવસના કોશેટામાં ફરી પૂરાઈને આપણે જોઈએ છીએ,
રાતની રાહ...
રાહ અંધકારના સૂર્યની.