ગંધમંજૂષા/શરદના આ શ્રાદ્ધ દિવસોમાં

શરદના આ શ્રાદ્ધ દિવસોમાં


શરદના આ શ્રાદ્ધ દિવસોમાં
કોઈ કર્ણમૂળમાં રહી રહીને કહી જાય છે સાવ જનાન્તિક
‘આપણી નિયતિમાં મૃત્યુ જ નિશ્ચિત છે
અને એ મનસ્વી છે સાવ તેના સ્થળકાળમાં.'
હાશ !
એથી અફર બીજું કશું જ વરદાન નથી

આવા જ કોઈ એક દિવસે
શરદનાં શસ્ય-ક્ષેત્રોની શ્યામલતા છોડી
આ સોનલ તડકાનું ગીત ભૂલી જઈ
ગંધવતી તૃણવતી પૃથ્વીની માયા ખંખેરી
એ બધાં ચાલ્યા ગયાં છે
ગોલોકના નિબિડ અંધકારમાં
સોયના નાકામાં તરસ થઈ બેઠાં છે
પ્રેતયોનિમાં રઝળે છે અહીંતહીં
ભૂતભડકો થઈ ભટકે છે સીમમાં
ને
કોઈ એકલદોકલને ભડકાવે છે.
સામે છાપરા પર છાંટોક દૂધ ને બટકુંક ભાખરી માટે
મોં વકાસતા કૂતરાઓ વચ્ચે
કાગડાઓની ઝપાઝપી
કાગવાસના આહ્વાને મારા પિતૃઓ ઝાંઉઝાંઉ કરતાં ઊતરે છે
કેટલાક તો હજી હમણાં જ ચૂંથીને આવ્યા છે ?
જડબાના પોલાણમાં સડે છે સ્કંધ જંઘાનું માંસ
હાથમાં છે મદભરી કાયાનો જુગુપ્સિત સ્પર્શ
પે...લો દૂર વીજળીના તાર પર બેઠેલો કાગડો
મારા પ્રપિતામહ હશે
કમળ તોડતાં ગામના તળાવમાં મગર તાણી ગયેલી
પેલી બારીમાંથી કોઈના ઘરના અંતરંગમાં ડોકિયાં કરતો કાગડો
તે કદાચ
અમારા કુટુંબનાં બાળવિધવા ફૈબા હશે.
ક્યારેક છાનોમાનો કપાળ પર ચાંલ્લો કરી જોતા.

કોઈ દરિયો ખેડતા દેવ થયેલા
કોઈ ધીંગાણે ચડી પાળિયો થયેલા
કોઈને મરકીએ તેડાવેલા
મરણના એ બધાં પાળેલાં

કઈ બુભુક્ષા
કઈ લાલસા
કઈ ઘુમાયા કરતી ઇચ્છાઓ
ભારેખમ શિલાની જેમ તળિયે બેસેલી વિફળ કામનાઓ
પેઢી દર પેઢી
મારા લુપ્ત સુપ્ત પિતૃઓને હડબડાવીને લલચાવે છે
ખેંચીને ઢસડી લાવે છે
કાયાના કિલ્લામાં પૂરી દે છે
બાંધી દે છે મેરુદંડના યૂપની સાથે
લપેટે છે નસનાડીને ચીંથરે
ભરે છે મેદમાંસ ને મજ્જાનું
ભરભર ભૂસું મજાનું
ને
એમાં ફૂંકે છે ઘુમાતો ધૂંધવાતો પ્રાણ
વિરાટના એ યજ્ઞમાં
શોકના ઉદ્ગાન સાથે હોમે છે ક્ષણક્ષણ
પણ પછી એ જ
કાગડિયો રઘવાટ
ઝાંઉ ઝાંઉ ઝાવાં
હજી તો શીરવાસી છું હું
પણ
વાસી છે આ શરીર
ને એથીય વાસી છે આ ભવભવની ભૂખ
હે મારી અનુગામી પેઢીઓ
મને
અમને
મૃતકોને નિવાપાંજલિ આપજો
જાહ્નવીજળનું આચમન
સાવ સાચા ઘીનો દીવો
બને તો ત્રિવેણીમાં ફૂલ
અને જોજો રખે ભૂલતાં કાશી ગયાનું શ્રાદ્ધ
એવી કોઈ નથી કામના
ક્ષીણપુણ્ય થઈને આવ્યો છું
તોય
હવે કોઈ કામના નથી પુણ્યસંચયની
પાપપુણ્યની તુલા ૫૨ એક દિવસે
બેઠી હતી એક અમથી માખી
ને ધબ્બ કરતું જ નમી ગયું હતું પલ્લું.

પુણ્યનાશા છે જીવનની સ્રોતસ્વિની
ને
પાપનાશા છે મરણની પ્રવહમાન ધારા
વૈતરણીની આ પાર કે પેલે પાર
એવા ભેદનીય પાર
હે અવગતિ પામેલ મારા પિતૃઓ
ગર્ભના ગોદામમાં જ સડી ગયેલી મારી પેઢી
‘પું’ નામના નરકમાંથી હું તમને તારું છું
સદ્ગતિ પામો
મોક્ષ પામો
નિર્વાણ પામો
યક્ષપ્રિયાની અલકાપુરીની પેલે પાર
જ્યાં નથી વ્યથા માયા સંઘર્ષ
નથી શબ્દ એકે આ પૃથ્વી પરનો
કેવળ
ઉડ્ડયનનો આનંદ
સર સર સર્યાં મેદાનો
સર્યાં શિખરો પછી શિખરો. હરિત ઉપત્યકાઓ.
હવે
નર્યા નીલા અવકાશમાં રક્તા ઝાંય
વર્તુળો પછી મહા વર્તુળો
પરિભ્રમણપથો દીર્ઘચાપો
નક્ષત્રનાં ઝુમ્મરો, પ્રકાશની પ્રલંબ પરસાળો, વિશ્રુતિ તેજપુંજો
તેજની શતશત સલાકાઓ
મહાઘુમ્મટોની મૃવક્ર રેખાઓ
મૌનનો ઘોષ પ્રતિઘોષ
રણન પ્રતિરણન અનુરણન મૌનનું
પણ
કઈ અણજાણ ક્ષણે
થૂ...ક કરીને કોઈ ફેંદી દે છે ઠળિયાની જેમ
ઉશેટી નાખે છે ચોખાની ફોતરીની જેમ
લોફરની જેમ મને હડસેલે છે મારામાં
ને રહે છે એ જ
ફરી ફરી એ જ
તેલના ભાવમાં ગબડતો ગગડતો
રોજિંદો હું,
લે તીખા આ તડકામાં
હુંય ક્યાં ચડી ગયો આડવાતે
હજી તો પંચિયું પે'રી ધાબે વાસ નાખવાની છે
દૂધપાક પૂરી ને વડાં ઝાપટવાનાં છે
ને
૯.૪૨ની બસ પકડવાની છે.