ગંધમંજૂષા/સ્મૃતિનાશા

સ્મૃતિનાશા


સ્મૃતિથીય વિશેષ વિસ્તીર્ણ
વિસ્મૃતિનો પ્રદેશ.
જ્યાં
બધું જ આ પૃથ્વીનું લય પામે છે
વિલય પામવા.
લય પામે છે એ મહાલયો
એ મહાકાંતા૨નો હૂહૂકાર કરતો પવન.
વિસ્તીર્ણ ઘાસલ મેદાનો,
જન અરણ્યનો કોલાહલ
અનેક નગરો પર તોળાયેલી
અનેક સાંજોની ઉદાસી,
બોદા ખંડિયેરો, ભયાવહ હવેલીઓ
એકાકી પરસાળો,
ઝાંખા રાજમુગુટો
અધખૂલી બારીમાંથી જોયેલું
એ શ્યામ મુખ
કે જેના પર હારી જવાના હતાં
હસ્તિનાપુરનું ઘુત
– એ જન્મોજન્મની સંચિત આકાંક્ષા, વેદના.
પણ એ બધું જ–
બધું જ ફરી જન્મ લે છે કોઈના મનમાં
કોણ જાણે કઈ માટી જળ ને આકાશ શોધીને
ફરી જન્મે છે
અનંત સમુદ્રના અનંત મોજાંની જેમ.
દરેક વેદના
નવી વેદનાને જગ્યા કરી આપે છે.
તમે ધડાક કરતી બારી બંધ કરી દો છો
જ્યાંથી પૃથ્વી પરનું લાગે છે
પૃથ્વી પારનું
આ જન્મનું બધું
પુનર્જન્મ જેવું
અસીમ વેદના લઈને વાય છે પવન
– એક દીર્ઘ નિઃશ્વાસ.
અને, તમે
ચાહવા લાગો છો લીથીના જળ*ને
જે તમને સ્થાપે છે
તમારા ધ્રૂજતા પાયામાં
જે છે પવિત્ર
ગંગા, સિંધુ કે નાઈલના જળથી વિશેષ

  • લીથીનું જળ

માત્ર
લીથી*નું જળ.