ગાતાં ઝરણાં/કવન થઇ જાય છે


કવન થઈ જાય છે


કાલ જીવેલું જીવન આજે કવન થઈ જાય છે,
જિંદગીનું એ રીતે હળવું વજન થઈ જાય છે.

આશરે નિઃશ્વાસના કાપી રહ્યો છું જિંદગી,
હું હવા દઉં છું તો નૌકાનું વહન થઈ જાય છે.

તાજથી મુમતાઝના, મારું હૃદય કંઈ કમ નથી,
જીવતી એમાં તમન્નાઓ દફન થઈ જાય છે.

કંટકોના દિલની કોમળ ભાવના, રંગીન આશ;
એના પડખામાં ફળી-ફૂલી સુમન થઈ જાય છે.

આ જવાનીના ગુનાહો કેટલા રંગીન છે !
દિલના પાલવમાં ભરી લેવાનું મન થઈ જાય છે!

માની લીધેલાં દુખો જીવન સહારો થઈ પડ્યાં,
કલ્પનાના કંટકો આજે સુમન થઈ જાય છે.

વિશ્વની રંગીનતા આલેખવા ચાહું ‘ગની’,
પણ અજાણ્યે જિંદગાની પર મનન થઈ જાય છે.

૨૨-૮-૧૯૪૮