ગાતાં ઝરણાં/જખ્મો હસી રહ્યા છે


જખ્મો હસી રહ્યા છે


વરસે છે મેઘ, પુષ્પો રંગત ધરી રહ્યાં છે,
આંખે રડી રહી છે જખ્મો હસી રહ્યા છે.

હું નિજને ખોઈ સઘળું પામી ગયો પ્રણયમાં,
લોકો મને તમારો કહી ઓળખી રહ્યા છે.

હર દ્રશ્યમાં તમોને અદૃશ્ય જોઉં છું હું,
હર સાદમાં તમારા પડઘા પડી રહ્યા છે.

છે મારી કલ્પનાની સાથે વિચાર તારા,
જાણે પથિકની પાછળ રસ્તા પડી રહ્યા છે.

શંકાને સાથે લીધી છે તેં જીવન-સફરમાં,
પગ તેથી ઓ મુસાફર ! પાછા પડી રહ્યા છે.

ટાઢા દિલે સભામાં બેસી શક્યો ન દીપક,
સંતાપવા પતંગો ટોળે મળી રહ્યા છે.

છે કામમાં, ‘ગની’ને બોલાવશો ન કોઈ,
ચીરાએલા હૃદયને બખીયા ભરી રહ્યા છે.

૧૧-૧૧-૧૯૪૫