ગાતાં ઝરણાં/બહાનું થઈ ગયું


બહાનું થઈ ગયું


એક વેળા આપને જોયાં બહાનું થઈ ગયું,
મારે માટે આ જગત તસ્વીરખાનું થઈ ગયું.

ભાવનાશાળી હૃદય કારણ વ્યથાનું થઈ ગયું,
મ્હેલમાં વસવાટ, કંટકનું બિછાનું થઈ ગયું.

આપનો નાહકનો મિથ્યા ગર્વ પોષાઈ ગયો,
હાથથી કુદરતને એક સર્જન કળાનું થઈ ગયું.

કોઈને સંધ્યા સમે સત્કારતાં દિલ કહી ઊઠયું :
આગમન શું આજ પશ્ચિમથી ઉષાનું થઈ ગયું!

એ જવાનીના નશાની આંખમાં લાલી હતી,
નામ ત્યાં બદનામ નાહકનું સુરાનું થઈ ગયું.

ભાગ્ય-છાયા પર કિરણ પુરુષાર્થનાં જ્યારે પડ્યાં,
રાતનો અંધાર અજવાળું ઉષાનું થઈ ગયું.

જિંદગી એવા ય શ્વાસો લઈને જીવ્યો છું ‘ગની’,
કૈંક વેળા આ જગત મારા વિનાનું થઈ ગયું.

૩-૧૧-૧૯૫૧