ગાતાં ઝરણાં/બહારો જોઈએ


બહારો જોઈએ


સાથે કંઈ એ રીત જીવનભર તમારો જોઈએ,
આગ ૫ર આઠે પ્રહર વ્યાકુળ પારો જોઈએ.

જિંદગી પર જોઈતા સઘળા પ્રહારો જોઈએ,
જીવવા માટે મને કંઈ તો સહારો જોઈએ.

ચાહું છું દુખ-દર્દ દુનિયાનાં બધાં ભૂલી જવા,
મારી એકલતાને બસ તારા વિચારો જોઈએ.

કહી રહી છે પાનખરની હર અદા ઉપવન મહીં :
આમ બરબાદી સહે, જેને બહારો જોઈએ.

ઈશ્કને હર બિંદુમાં તોફાનની છે ઝંખના,
બુદ્ધિને પ્રત્યેક મોજાં પર કિનારો જોઈએ.

આપને ત્યારે જ સૂરજના પ્રતિસ્પર્ધી ગણું,
મારી સંધ્યાઓ બનાવી દો સવારો, જોઈએ :

પાનખરને પણ ઘડીભર થઈ જવું પડશે વસંત.
સિમિત કરતાં આ૫ ઉપવનમાં પધારો, જોઈએ!

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મહેમાનને માટે ઉતારો જોઈએ.

૧૨-૫-૧૯૫૧