ગાતાં ઝરણાં/મેઘાણી


મેઘાણી!


અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!

હવે હે, મોરલા ! તારો અષાઢી કંઠ ક્યાં મળશે?
કવનનાં વૃક્ષ પર ખાલી છે તારી ડાળ, મેઘાણી!

સ્મરણમાં નિત નવા લેબાશમાં હું જોઉં છું તુજને,
કદી સાફો કદી વાંકડિયા તારા વાળ, મેઘાણી!

કદી અંધારમાં ‘ઈન્સાનિયતના દીવડા’ આપ્યા,
કદી ‘ધરતીનું ધાવણ’ દઈ ઉછેર્યાં બાળ, મેઘાણી!

વગાડી તેં નજાક્તથી કદી ‘ટાગોરની વીણા’
સરળતાથી સુણાવ્યા ચારણોના ઢાળ, મેઘાણી!

અચાનક તેં સભામાંથી ઊઠીને ચાલવા માંડ્યું,
બધા શ્રોતાઓને હૈયે પડી ગઈ ફાળ, મેઘાણી!

૩-૫-૧૯૪૭