ગાતાં ઝરણાં/વારતા આવી...
હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી!
કાંઈ સ્વપ્નસ્થનાં બીડાએલાં નયનો જુએ ક્યાંથી!
કે એક્ બેચેનની આંખોને અડવા ઊંઘ ના આવી.
સ્મરણ–પુસ્તક અચાનક બંધ તેઓએ કરી દીધું,
લખેલી લોહીથી જ્યારે અમારી વારતા આવી.
ન કંટાળી જશો જીવન-સભાના પ્રિય શ્રોતાઓ!
ઊઠી જાઉં છું હું પોતે, કથા પૂરી થવા આવી.
સિતમનાં વાદળોએ એનું રૂપાંતર કરી દીધું,
દુઆ આકાશમાં જે ગઈ બનીને આપદા આવી.
મહોબ્બતની મહામૂલી મળી સોગાદ બંનેને,
હૃદયને જખ્મ–દીધા, મારે ભાગે વેદના આવી.
જીવન-રજની હૃદયપટ પર હજી અંધાર રહેવા દે
મધુરું સ્વપ્ન તોડી નાખશે મારું, ઉષા આવી.
‘ગની’, હું કેટલો છું ક્રૂર એ આજે જ સમજાયું,
કે દુનિયાનાં દુખો જોયાં અને નિજ પર દયા આવી.
૫-૧૧-૧૯૪૭