ગાતાં ઝરણાં/સાચો કવિ
જેના વિચારોની દુનિયા નવી,
તેને હું માનીશ સાચો કવિ.
શુષ્ક જીવનમાં આનંદ આણી શકે,
જોઈ મુખ, વાત અંતરની જાણી શકે;
વ્હેણ જેને સમયનાં ન તાણી શકે,
સત્ય શોધે અને જે રહે વર્ણવી,
તેને હું માનીશ સાચો કવિ.
જેની દાસી બનીને રહે કલ્પના,
જેની દૃષ્ટિને શોધ્યા કરે પ્રેરણા;
હો અચળ જેના સિધ્ધાંત પર્વત સમા,
ધ્યેય રાખે જે મરતાં સુધી જાળવી,
તેને હું માનીશ સાચો કવિ.
એક વિશાળ આત્મ-ઓજસ હો જેની કને,
જેને પગલે નૃતન એક કેડી બને;
જાય બંધાઈ જે પ્રેમનાં બંધને,
પરની દાઝે રહે જેનું હૈયું દ્રવી,
તેને હું માનીશ સાચો કવિ.
છે ખરા અર્થમાં તે કવિતા ‘ગની’,
જે રહે એક આદર્શ ગાથા બની;
ભાવના જેમાં હો વિશ્વબંધુત્વની,
લેખિની જેની સર્જે નવો માનવી,
તેને હું માનીશ સચો કવિ.
૨૯-૯-૧૯૪૫