ગાતાં ઝરણાં/સિતારાનાં સુમન


સિતારાનાં સુમન


કોઈને અર્ધ્ય ધરવાને સિતારાનાં સુમન લઈ લે!
વિહરતી કલ્પના, થોડું ધરા માટે ગગન લઈ લે!

તમન્ના હોય દરિયો પી જવાની તો ફળી જાશે,
જરા દૃષ્ટિને સાગરમાં ઝબોળી આચમન લઈ લે!

વિચારો આપના છે ક્ષેત્ર મારી કલ્પનાઓનું,
ગગન અવકાશ આપી દે, વિહંગો ઉડ્ડયન લઈ લે.

થતાં ચાલ્યાં જગે સૌ રૂપવન્તાં દૂર સદ્ગુણથી,
હવે ઉપવનમહીં ૫ણ સ્થાન કંટકનું સુમન લઈ લે!

હૃદય! જો હેડકી આવી, ફરી એ યાદ આવ્યાં છે,
મનોમન વાત કર, પુનઃ આવવા માટે વચન લઈ લે.

હસે છે પુષ્પ કિન્તુ, છે કળી ખામોશ એ રીતે :
વિનાકારણ અબોલા જે રીતે કોઈ સ્વજન લઈ લે.

છુપાયેલા કણેકણમાં અહીં છે મારા સિજદાઓ,
ઉપાડી ધરતીને આકાશમાં સઘળાં નમન લઈ લે!

વળી છે આજ જંગલની તરફ દીવાનગી મારી,
ખભે નિજ્જર્જરીત પાલવને ઓ વેરાન વન લઈ લે!

ગઈ છે જિંદગાનીનાં અતલ ઊંડાણમાં દૃષ્ટિ,
‘ગની’, આજે કવન માટે વિષય કોઈ ગહન લઈ લે.

૩-૭-૧૯૫૩