ગામવટો/૧૪. પોયણે મઢી ચાંદની


૧૪. પોયણે મઢી ચાંદની

ઝાકળભીની સવારોમાં છતછાપરાંય ભીંજાયેલાં રહે છે. ખેતરોનું ઘાસ જ નહીં રસ્તા ઉપરની ધૂળ સુધ્ધાં ભીની થઈ જાય છે. તૃણ આ ઋતુમાં સોનાસળી બની જાય છે. શેઢાઓ ઉપરના ઘાસમાં તોળાઈ રહેલાં અઢળક ઝાકળબિન્દુઓ સવાર થતાં જ સોનારૂપાની ઘૂઘરીઓ થઈને બની ઊઠે છે –આંખો આવી ક્ષણોમાં જોવા સાથે સાંભળવાનું કાર્ય પણ કરતી હોવાની મને પ્રતીતિ થાય છે. હજી સીમમાં હરિયાળી છે, વાડવેલા પણ પક્વ લીલાશે ઘેઘૂર લાગે છે. મકાઈ લણાઈ જતાં તુવર અને કપાસના લીલાછમ છોડની હારમાળાઓ ખૂલી આવે છે. એ હારોમાં નજ૨ સામા શેઢાઓ સુધી દોડી જાય છે. મોંસૂઝણા પછીનું અજવાળું ગભરું સસલા જેવું ધીમે ધીમે પ્રગટ થાય છે, ઊભું રહીને દિશાઓ સૂંઘે છે ને પાછું આગળ વધે છે. પીઠીવરણો પ્રભાતી તડકો ખેતરો ઉપર ઢોળાય છે... સીમ પાછી એનાં વસ્ત્રો પહેરી લે છે. એના લાંબાચોરસ આકારો શિસ્ત ઓઢી લે છે. બાજરો લણાય છે ને ડાંગર ક્યારીઓમાં પક્વતાની ચાડી ખાતી પીળાશ પેઠી છે. ડાંગરની કંટીઓ હજુ હળુ રણકે છે – એનો અવાજ મનના કાને ઝિલાય છે. સીમની જુદી જ સુગંધ આ ઋતુમાં જીવને તરબતર કરી મૂકે છે. ષોડષી કાયામાંથી ફો૨તી સૌરભનો અનુભવ કરાવતા કાશના ઊંચા ઘાસને લાંબી કલગી જેવાં સફેદ ફૂલો આવ્યાં છે. આખું કાશવન એ ફૂલો સાથે પવનમાં લળે છે ને માથું ઊંચકે છે... જાણે કોઈ સરોવરનાં પાણીમાં લહરો ઊઠે છે. ચાંદની રાતોમાં કાશફૂલો ખરે જ જળાભાસ રચે છે. શરદનો આ વૈભવ બીજી ઋતુઓ પાસે નથી. લાંબડા નામના ઘાસને માથે લાંબાં અને ટોચે રાતાં–જાંબલી ટોપીવાળાં ફૂલો લચી આવે છે. પવનમાં એ છોડને ઝૂલતા જોઈએ ત્યારે આપણેય મનોમન ડોલી ઊઠીએ છીએ. ખરી સુગંધી તો શાળાનાં ક્ષેત્રોની. બાસમતી અને કૃષ્ણકમોદની માઈલો સુધી વિસ્તરેલી ક્યારીઓમાંથી સાંજે–સવારે પસાર થવાનું સુખ મળે છે ત્યારે છાતી પર સૌરભથી છલોછલ હોય છે. જુદા જુદા ઘાસની જુદી જુદી સુગંધ લીધાનું યાદ છે. ગંધીલું નામના ઘાસની ગંધ જ ગંધાતા કાળા નાના જીવડા જેવી. તુલસીથીય વધુ ફોરતા બાવચીના છોડ પણ શરદમાં મહેકી ઊઠે છે... ભૂમહું પણ મીઠી સુગંધ છોડતું રહે છે. પાકેલા બાજરી–મકાઈના ગઠ્ઠાદાર છોડ પણ મીઠી ગંધથી પાસે બોલાવે છે, ક્યારેક એનાં રાડાં કાપીને શેરડીની જેમ ચૂસ્યાં છે ને એના મદમાં, શીંગડાં ઉછાળી દોડતા માટીની ભેખડો સામે બાઝતા વછેરાની જેમ દોડ્યા છીએ ટેકરીઓમાં. શરદની ચાંદની રાતોમાં રણકતી સીમને સાંભળ્યા કરી છે – શેઢે બેસીને સુવર્ણ ઘરેણાંથી લદાયેલી નવી આણાત થાકથી લોથપોથ જંપી જાય એમ ઊંઘતી આસોની સીમને જોઈ હતી. હાથ લંબાવીને આજે એને જગાડવાનું મન થઈ આવે છે. જીવને શિયાળવાંની લાળી સાંભળવી છે. મનને, સીમ વગડાનો એ ભય, ડિલને રૂંવે રૂંવે ફરીથી અનુભવવો છે... એ અદ્ભુતની સૃષ્ટિ અને ભયજન્ય અંધારું ઘણાં દૂર રહી ગયાં છે – કદાચ હું એને માટે લાયક નથી રહ્યો. મારી વિદગ્ધતાએ મને જૂઠો પાડી દીધો છે. ઇન્દ્રિયોમાં હજી તરસ જાગે છે પણ પેલો બેચેન કરી મૂકતો અજંપ તરફડાટ ક્યાં છે હવે ? હવે તો શહેરોએ ઘેરી લીધો છે મને. ભૌતિકતા એની માયાજાળ પાથર્યા કરે છે, જોકે હું એમાં ઝાઝો બંધાયો નથી, તો એનાથી સાવ બચી શક્યો છું એવુંય નથી. શહેરીકરણ અને યંત્રીકરણે જીવનને એવો ભરડો લીધો છે કે કેટલીક વસ્તુઓથી અળગા રહેવાનું દોહ્યલું બની જાય છે. કબૂલવું જોઈએ કે એમાં આપણી નબળાઈઓ પણ જવાબદાર છે. નહીં તો મહાત્મા ગાંધીએ કેટલું ઓછું સાધન રાખીને જીવી જાણ્યું હતું... ને રવિશંકર મહારાજ તો એમનાથીય આગળ. એક ટંક રોટલો કે મગ–ચોખા રાંધી લેવાના. પાણી પણ ગણીને બે વખત પીવાનું, પગમાં જૂતાંય જરૂરી નહીં ને ખપ પડતાં બેત્રણ લોટાથી સ્નાન કરીને ચોખ્ખા રહેતા– તનનાય ચોખ્ખા અને મનના તો સાવ નિર્મળ. સંતો તો આવા હોય! પણ આપણે સંત થઈ શકતા નથી. પ્રકૃતિનાં આકર્ષણો, એના વૈભવો પર્યાપ્ત ગણાવાં જોઈએ. મારા જેવાને તો એનું તીવ્રતમ ખેંચાણ પણ છે, ને તોય હજી સંમોહનો છૂટતાં નથી... સ્મરણોથીય ભીના થઈ જવાય છે. માયા તે આનું નામ! મારામાં ગામ હજી અકબંધ છે. હજીય પંદર દિવસ, મહિનો થાય છે ને કોઈક ગામડે ઊપડું છું. ના જવાય તો મન ભાંગી પડે છે – ‘પ્રાણ પછાડા નાખે છે.’ એ ધૂળિયા મારગ, સીમ કેડીઓ, શેઢા ખેતરો, વગડા સીમાડા, નદી–ટેકરી–તળાવ–કોતર–વૃક્ષોના વિસામા મને બોલાવ્યા કરે છે. માટીનાં ઘર–ખોરડાં, ડેલીઓ ને વાડાઓ, ઘાસનાં કૂંધવાં ને શેરી–ફળિયાં, નેળિયાં ને ત્રિભેટા, કૂવાકાંઠો ને આરાઓવારા, પડસાળો ને ચોપાડો, ઓસરીઓ અને રાંધણિયાં અધમધરાતે મારામાં બેઠાં થઈ જાય છે. મારું મન ઝૂરવા માંડે છે. ગઈકાલે પ્રવાસને પ્રારંભ પરોઢ વેળાની ગ્રામીણ સીમ જોતો હતો. હજી વૃક્ષો જાગ્યાં નહોતાં, પવનને પાંખો મળી નહોતી. આખી સીમ ઝાકળવંતી હતી, બારીમાંથી હાથ લંબાવું તો શેઢા–ખેતરોને અડી શકું એટલું પાસે હતું પરોઢનું અજવાળું. ધુમ્મસ ચારેકોર છવાતું જતું હતું, નહેરના પાણીમાં કશાના નિશ્વાસો ઢબૂરાયેલા હોય ને અચાનક મોકળાશ મળતાં છૂટતા હોય એમ રહી રહીને વરાળ ગોટા ઊઠતા હતા. ચારે તરફ બધુંય ઝાકળ ઝાકળ હતું... વૃક્ષોનાં પાંદડાંય ટપકતાં હોવાનો અહેસાસ થઈ જતો'તો. વૃક્ષોની હાર વચ્ચે ખેતરોના ચહેરાઓ હવે ચોખ્ખા કળાતા હતા. ક્ષણ વાર તો મન ઊતરીને ચાલવા માંડ્યું સીમમાં, ભીની માટી મહેકતી હતી, ઘાસ સાથે થતો પરોઢીજળનો સ્પર્શ રોમાંચ જગવતો હતો. પાસેના ઘરનાં નેવાં શરદજળથી સિક્ત હતાં. સડકની બંને ધારે પોયણાં ઊઘડ્યાં હતાં– રાત્રિની ચાંદની એનાં શ્વેતપત્રોમાં હજીય ચમકચમક થતી હતી. બસની ગતિ અને ધુમ્મસ બેઉ વધ્યાં ત્યારે મને સીમ વધારે ધૂંધળી લાગેલી– મારી આવતીકાલની કશી એંધાણી ખોઈ બેઠો હોઉં એમ હું ક્ષણેક કંપી ઊઠેલો. તાજાં રોપાયેલાં ખેતરોમાં કેળ રોપાયેલી હતી કે તમાકુ ઊછરેલી હતી? કેવી દ્વિધા છે આ ખેડૂતપુત્રની? સીમ છૂટી અને વેરાન મલક, પછી શરૂ થયો હતો ખારોપાટ. આજે સવારે ભાવનગરના ગૌરીશંકર સરોવર પાસેના વિક્ટોરિયા પાર્કમાં ચાલતો હતો. અજ્ઞાત જડીબુટ્ટીઓ જ હશે – એવા વેલાઓ વૃક્ષોને – બાવળ બાંટવાંનો વળગી પડ્યા હતા. વનરાજીનું આ સ્થળ નથી, અહીં તો કાંટાળી સૃષ્ટિ બચી ગઈ છે. કદાચ, સરસ્વતીચન્દ્ર અંધારી રાતે આ જ વનમાં એકલો પડી ગયો હતો. પેલો મોટો સાપ, ડરામણો અંધકાર, ચિત્રવિચિત્ર અવાજોની દુનિયા– બધું મને દેખાઈ રહેલું. એકદા ગોવર્ધનરામનાં પગલાંથી આ ભૂમિ ચંપાઈ હશે. સો વર્ષે એ માટીનો એકાદ કણ પણ ભાગ્યે જ મારા માટે બચ્યો હોય... પાસેના બોરતળાવને જોઉં છું... એવી જ ચાંદની રાતો છે, પણ તળાવ અડધું તો ખાલીખમ છે... પેલી ટેકરીઓ દૂર પડી ગઈ છે – કાકાસાહેબે કહેલું તેમ હવે એ ચાંદની રાતોમાં વસ્ત્રો ઉતારીને તળાવમાં નહાવા પડતી નથી. પાળી ચણાઈ ગઈ છે, કઠેડાનાં બંધનો આવી ગયાં છે. મંદિરોનાં પરિસરોમાં પ્રજાની દાંભિકતાનું પ્રદર્શન પામી શકું છું... ચાંદની રાતોમાં હવે કોઈકની લાશ તળાવે તર્યા કરે છે... આ એ જ સુવર્ણપુર છે શું? – જ્યાં ગૃહત્યાગ કરીને નવીનચન્દ્ર નામ ધરીને સરસ્વતીચન્દ્ર આવી ચઢ્યો હતો?! એ તળાવ હવે નથી, છે માત્ર યંત્રો–વાહનોની ભરમાર... મૂખદત્તવાળું એ મંદિર છે પણ પેલી શાંતિ નથી રહી – નિભૃત જીવન નથી રહ્યું... આપણી ભદ્રા નદી ખરેખર પશ્ચિમ સાગ૨માં ભળીને ખારી ઉસ થઈ ચૂકી છે. નડિયાદનાં વિદ્યાધામોમાં ચોરી વકરતાં એ હવે ‘સાક્ષર નગરી' મટી ગયું છે... ને સંસ્કારનગરી ભાવનગર? કદાચ બધું ઘસાતું ચાલ્યું છે અહીં પણ! સંસ્કારના થોડાક પડછાયા બચ્યા છે... બાકી તો એય આ વિક્ટોરિયા પાર્કની જેમ કાંટાળી કંથેરોમાં પગદંડીઓ શોધ્યા કરે છે – જીર્ણશીર્ણ! ને હું આ શરદના તાપમાં પ્રકૃતિ ત્યજીને વિકૃતિને પંથે પળતા જીવનને ઉદાસ થઈને જોયા કરું છું... નિઃસહાય...

તા. ૨૫/૨૬–૯–૯૬