ગામવટો/૧૫. ઘાસ સત્ય જગત મિથ્યા


૧૫. ઘાસ સત્ય જગત મિથ્યા

ઘાસ વિશે તે વળી શું લખવાનું ? – જો તમે આવું કહેતા–માનતા હો તો તમે ભીંત ભૂલો છો. આમ કહેવું સરળ છે પણ ઘાસ વિશે લખવું અઘરું છે. દરેક ચોમાસામાં શાળાઓમાં આપણા સાહેબો વર્ષાઋતુ વિશે નિબંધ લખાવે છે ત્યારે એક વિધાન તો– ભારતવ્યાપી વિધાન હશે એ– ખાસ લખાવે – ‘લીલું લીલું ઘાસ ઊગી આવે છે ને લાગે છે કે ધરતી માતાએ જાણે લીલી લીલી સાડી પહેરી છે!' અરે ! કોઈ તો બદલાવો આ સાડી. વર્ષોથી વપરાઈને ઘસાઈને – જીર્ણજર્જર થઈ ગઈ છે એ...! નિબંધલેખન વ્યક્તિની અને ઘાસ માટીની આંતરસમૃદ્ધિ બતાવે છે. ઘાસ થકવી દે એવી વસ્તુ છે. પજવવામાં ઘાસ પાછું વાળીને જોતું નથી. આમ બિચારું–બાપડું લાગતું ઘાસ ભોળું નથી, મહા ખેપાની છે આ ઘાસ. તમે પસાર થઈ જાવ ને એની નોંધ પણ ના લો તોપણ એ તમારી પાછળ પાછળ આવે છે. સાથે સાથે ચાલે છે, અરે! તમારી આગળ થઈ જાય છે ઘાસ. ચારેતરફ ઘાસનો ઘેરો છે ને વચ્ચે તમે છો. દશે દિશાએ એનો ડેરો છે ને વચ્ચે આપણા રામ! ઘાસ સુંવાળું કૂણું કુમાશવાળું... આંખને ઠારે. રોમાંચ જગવે અંગે અંગે એનો અનાઘ્રાત સ્પર્શ. ઘાસ આપણો પ્રથમ પ્રેમ છે. છેલ્લા પડાવે પણ આપણી સાથે – પાસે – બધે ઘાસ સિવાય કોઈ નથી હોતું. બાજરી–જુવારના પૂળારૂપે ઘાસ આપણી ચિતામાં પોઢવા આવે છે. એના સાથરા પર આપણા મૃતદેહને અતડું નહીં પોતાપણું લાગે છે. ઘાસ તો છે આદિમતાનું આક્રમણ ! માણસ નહોતો ત્યારે પણ ઘાસ હતું, ને માણસ નહીં હોય ત્યારે પણ ઘાસ હશે. આજેય જ્યાં માણસ નથી જઈ વસ્યો ત્યાં ઘાસ જઈ વસ્યું છે. ઘાસનું તો એવું. એને વસતિમાં જરા ઓછું ફાવે, પણ એનાથી એ ભાગતું નથી. વસતિને ખબર પણ ન પડે એમ ઘાસ રાતોરાત ગામના ગોંદરે આવી જાય છે – સીમ ખેતર શેઢા છલકાવતું એ ગામના પાદરે – આવીને અટકી જતું નથી. નેળિયું પકડી એ ફળિયામાં આવે છે. ત્યાંથી ઓટલો કૂદી ઓસરી સુધી પહોંચી જાય છે. અષાઢની અજવાળી રાતો તો વાદળોમાં ઢંકાઈ ગઈ હોય ત્યારે ઓસરી છોડીને ઘાસ આપણા ઓરડામાં આવી પૂગે છે. માતાના જવારારૂપે એને અભરાઈએ, પાણિયારે કે દેવ–ગોખલા પાસે તમે જોયું છે ? એની વિજયપતાકા લહેરાવવાનું એ જરા પણ ચૂકતું નથી. ભાર છે ભૈ ઘાસ તો. અળવીતરું છે આ ઘાસ. ભારે ચંચળ. ઠરવાનું તો એ શીખ્યું જ નથી. આમ લાગે કે બેસી રહ્યું છે ડાહ્યું–ડમરું પાળેલા કૂતરા જેવું પાસે પણે! નારે ના... બહાર નીકળીને જુઓ તો ખબર પડે કે એ તો નીકળી ગયું છે વગડે, વાડે, વાટે... વાગડમાં... ખીણ ઢોળાવે ઢળતું, શૃંગો ચઢતું ઘાસ... ક્યારે ગોધરા છોડીને પહોંચી ગયું ગ્રાસમિયરના પહાડોમાં... વર્ડ્ઝવર્થની કુટીરની કૂખમાં ઘાસ... પન્નાલાલ પટેલના માંડલીવાળા ઘરની અવાવરું પછીતમાં ઊગેલું ઘાસ કોની વાટ જોતું હશે? ઘાસ આમ તો માટી ઓઢીને જંપી રહે છે આઠે પ્રહર... પણ ક્યાંક જળનાં પગલાં સંભળાય કે જાગી ઊઠે... એય રંગીન પ્રકૃતિનું છે. જળઝાંઝરના ખનકારે ખનકારે એ સાબદું થઈ જાય છે... પહેલાં માટીમાં થોડોક ઉત્પાત મચાવે છે પછી માથું ઊંચકે છે... ને બળવો કરીને છવાઈ જાય છે માટી માથે... કણકણમાં! બળવાખોરી પડતી મેલી શાણું શાણું મલક્યા કરતું ઘાસ સવારમાં. આમ એ નિર્વસ્ત્ર... રંગો જ એનાં વસ્ત્રો. પણ પહેરે ત્યારે સૂરજ પહેરે... ઝાકળ મોતી પહેરે... થોડી વાર મહાલે. ઊંચી ડોક કરી. પવનની આંગળી પકડી લળતું–ઢળતું દોડ્યા કરે મેદાનોમાં. ઘાસ આપણને પાસે બોલાવે, પછી સળી ધરે લીલીકચ... આપણે એ સળી ચાવીએ. બસ પછી તો આપણા ભીતરમાં જંગલ કૉળી ઊઠે. ઘાસ આ રીતે ભલભલાને વટલાવી દે છે પોતામાં. સૂરજ જેવો સૂરજ એના ખોળામાં રમવા ઊતરી પડે છે. અંધારાં એની આડશ લૈને સંતાઈ રહે છે... ચાંદો રાતે એને ઓઢાડી દે છે હિમોજ્વલા ચાદ૨. તારાઓ એમાં ચારો ચરવા ઊતરી આવે છે... કેટલાક એમની શ્વેત૨જ છોડીને ચાલ્યા જાય છે પરોઢે. ઘાસને તમે ધિક્કારી શકતા નથી. ઘાસ નેપોલિયન બોર્નાપાટ. ઘાસ ૧૯૪૨. ઘાસ છપ્પનિયો દુકાળ. આપણી જેમ એને પણ વરસાદ વિશે પડ્યા કરે છે ફાળ... ઘાસ કાળનોય કાળ... રાજાઓ જાય છે રાજપાટ જાય છે રૈયત બદલાય છે... એક આ ઘાસ જતું નથી; બદલાતું નથી ઘાસ... ખાલીખમ સૂના મહેલો જોઈને લાગી આવે છે ઘાસને; પછી એ એમાં જઈને વસવા માંડે છે... ઉંબરે–ઓરડે... મોભ મેડીએ... કોટકાંગરે, ભોંયભોંયરે ઘાસ. મુકુટનો પણ હવાલો સંભાળી લે છે એ. ભીંતે ભીંતે એના હાથ સ્પર્શની લીલ છવાઈ જાય... મહેલો–મહોલાતો પર ઘાસનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે... ઘાસ કલગી ફરફર્યા કરે છે કાયમ માટે. વખત પણ એના ચરણમાં શરણ શોધી પોઢી જાય છે થોડીક વાર... માચુપિચુનાં ખંડેરો ઘાસ... ઘાસ પાવાગઢ પોમ્પાઈ... ઘાસ સામા પાંચમ ધરો આઠમ ઘાસ. રાજાએ ખંડણી ભરવી પડે ઘાસને. કવિ કલાપીના લાઠી મહેલે ગઝલો સંભારતું ઘાસ... ચાવંડના ચોતરે કાન્તની વાટ જોતું વિલાય છે ઘાસ... વહાણે વિમાને ચઢી ક્યારે પહોંચી ગયું ઘાસ યુકે. અમિરિકામાં – આફ્રિકન ઘાસ ! સત્તા અને શિસ્તના શોખીનોએ ગોઠવી દીધું છે ઘાસને ઢાળ– ઢોળાવે... બગીચે બીચ પાસે... પણ બળવાખોર ઘાસ ચઢી ગયું સ્કૉટલેન્ડના પહાડો. માળીની કાતરોને કાટ ચઢી ગયો છે... હવે તો ફર્યા કરે છે – ગ્રાસકટર ઘે૨ ઘે૨! તોય ગાંઠતું નથી ઘાસ... ચરિયાણોમાં ચરતાં ઘેટાં, ગાય, ઘોડાં! રૂપ બદલીને પહોંચી જાય ઘાસ રસોડે રસોડે... કોળિયે કોળિયે... યાને કે ગ્રાસે ગ્રાસે ઘાસ! ધીમેધીમે ગ્રસે ઘાસ બધાને... મારા ગામનો ગોવાળ ધણ ચારવા જાય છે – ગોરાં લોક કમાવા ચાય છે ત્યારે વાદળવાળી ભીની સાંજે ઊતરતા અંધારે કૂતરો ચરિયાણોમાંથી ગાય ઘેટાં વાળી લાવીને પૂરી દે છે યાર્ડમાં! ઘાસ હારી જતું નથી, એ બીજા દિવસની રાહ જુએ છે. રાહ જોવડાવે આપણને સૂરજ આથમવા સુધી. અનેકાનેક જાતેભાતે ગંધે રંગે ઘાસ હોય છે હવાની જેમ અત્રતત્ર સર્વત્ર, ઘાસ દેશમાં દેશાવરમાં. માણસો બદલાય છે પણ એ બદલાતું નથી... સુકાઈ જાય છે તોય મેદાન છોડતું નથી ઘાસ... જળમાં ડૂબી જાય પણ ડગતું નથી એ. ઘાસ હઠીલું હીટલરી... આખી પૃથ્વી એના હિટલિસ્ટમાં... એ આટાપાટા રમાડે ને ભૂલવી દે આપણને યાતના કે ઓથાર.. કેવું તો દયાળું છે ઘાસ! ઇતિહાસનું આશક... ભૂગોળનું ભોગી... જ્ઞાની ગણિતનું... આપણા અધ્યાપક સાહેબો ક્લાસરૂમમાં કાપતા હતા એ તો ગદ્ય ઘાસ... ગોવર્ધનરામનાં ગોદામોવાળું! આ તો વર્ગખંડની બહાર રહેતું પિરિયડ છોડીને મલકાતું–મહાલતું... પદ્ય જેવું...! ઘણાં જઈને બેસે છે આ ઘાસના ખોળામાં... આસ્થા સાથે આળોટે માતાનાં ચરણોમાં એમ વિશ્વાસે વિરમી જાય ઘાસ ભેળાં ઘાસ થઈ લોકો... વરધરીના ઘાસની વાગડમાં વાસ... સાપુતારાનાં ઘાસ કાંઈ ઝેરી નથી કે નથી કાબરચીતરાં... એ રાતાંપીળાં થાય એ તો વડીલભાવે. ઘાસના પ્રકારો કે પેટા પ્રકારો વિશે પરીક્ષામાં પ્રશ્નો નથી પુછાતા એટલું માફ... બાકી એમાંય છે ગંધીલી જાતો... કાંટાવાળાં કુળ ને સત્ત્વશીલ મૂળ. ઘેટાઘાસ ઘોડાઘાસ... ભોળાભાઈ પટેલ લખે છે અસમની સરહદે હાથિયું ઘાસ. હા, હાથી ઢંકાઈ જાય ઘાસમાં... વાંસદામાં વાંસની સ્પર્ધા કરતું ઘાસ છેવટે આડોડાઈ કર્યા વિના આડું પડી જાય છે આરામ કરવા. બકરી ખાય ને બદળ ન ખાય. બળદ ખાય એ ભેંસને ન પણ ભાવે... સસલાં તો સળી મળે ને રાજી. ઓરિસ્સાનાં ઘાસિયાં ઘરોમાં ઘાસ શણગાર છે. આદિવાસીઓ ઘાસને પહેરે ઓઢે પાથરે... ખેડૂત ઘાસને પૈસા ગણી વાપરે. ઘાસ અંધારું–અજવાળું... ઘાસ ખેતર ખળું... સાંજનું વાળુ – તાળાં તોડતું ઘાસ... માટીની વાણી બોલતું ઘાસ... ઘાસ ઘર પાસેની સોઈ... ઘાસ સૈકાઓ ! આસપાસ આકાશમાં ઘાસ... કવિ ભાસ તો ક્યારનાય ઘાસ થઈ ગયા. પણ કાદંબરી વંચાય–વિવેચાય છે આજે પણ ઘાસની જેમ... ઘાસ પૃથ્વી ઘાસગ્રહો... ઘાસ બ્રહ્મ...! ઘાસ સત્યમ્ જગત મિથ્યા !

તા. ૨૩–૭–૯૪