ગામવટો/૨૫. વસંતમાં પ્રવાસ


૨૫. વસંતમાં પ્રવાસ

વસંતમાં પ્રવાસ કરું છું, પાંદડાં ખર્યા કરે છે. વૃક્ષો ઉપર વસંત ઊગે એ પહેલાં જ બધું ખરી જાય છે. વૃક્ષો બધાં અંજળ ખંખેરીને ઊભાં રહી જાય છે જાણે કોઈ યોગી! પણ વૃક્ષ તો રોમૅન્ટિક જિંદગીનું પ્રતીક છે. યોગાન્ધત્વ એને ખપે જ નહિ ને! થોડાક દિવસોમાં વળી પાછી ડાળીઓ ફૂલોથી કે ફળ અને કૂંપળોથી ભરાઈ જાય છે... એના અંગે ફૂટેલા આ રોમાંચો વસંતની લિપિ છે! – ને વૃક્ષે વૃક્ષે આ લિપિના લય–મરોડ જુદા જુદા હોવાના. વૃક્ષોમાં મોસમ આવે છે ત્યારે કોઈ એક જ રંગની છાલક નથી વાગતી... રંગોની વણજાર ઠેર ઠેર જુદા જુદા પડાવ કરીને પોતાનો છાક લહેરાવતી હોય છે. પવન પાંદડાં સાથે રમત કરે છે, ખરતાં પાંદડાંને એ ચકરાવે ચઢાવીને જિંદગીનો છેલ્લો પાઠ શીખવે છે? ના, પડ્યા પછીય પાંદડાંને એ જંપવા દેતો નથી. સૂકાં પાંદડાંની નીચે દટાયેલું વૃક્ષનું શબ જોવા પવન જાણે એમને હટાવી જુએ છે. આદિલની ગઝલમાં આવે છે એમ કદાચ સુકાં પાંદડાં હટાવતો પવન વસંતોની કબર જોતો હશે. માણસ પણ ખરી જઈ શકતો હોત, મોસમે મોસમે પોતાના રંગો, વિચારો કે મિથ્યાચારોને ખેરવીને હળવો થઈ શકતો હોત તો જીવન આટલું વિરતિપૂર્ણ ન લાગત. વૃક્ષ થઈને ફળવાનું ફૂલવાનું ને સમૃદ્ધિમાં નમ્ર બનીને નીચે લળવાનું માણસને આવડ્યું હોત તો જીવનમાં આટલી વિષમતાઓ ન હોત! પણ પરમેશ્વર માટે જેમ માણસ બનવું અઘરું છે, (સુ. જો. કહે છે કે એ માટે પરમેશ્વર પાસે આંસુ જોઈએ ને !) એમ માણસ માટે વૃક્ષ બનવું અઘરું છે. વૃક્ષો વિનાની પૃથ્વીની કલ્પના જ મારાથી થઈ શકતી નથી. ને તે છતાં માણસજાતની લાચારી તો જુઓ કે વૃક્ષોની વચ્ચે રહેવા છતાં માણસો વૃક્ષો પાસેથી કશું જ શીખી શકતા નથી. કવિ લાભશંકરે ‘વૃક્ષ’ એકાંકી દ્વારા માણસની સ્વાર્થવૃત્તિ, જડતા અને સંવેદનાના બદલાતાં પરિમાણો બતાવ્યાં છે. જે રીતે માણસને એમણે માણસનો સાચો ચહેરો બતાવ્યો છે, જે રીતે માણસને એમણે યંત્ર–યુગીન સંચેતનાના સંદર્ભમાં પર્દાફાશ કર્યો છે, એ રીતે દાદ દેવા યોગ્ય છે. પણ માણસ તો કોઈ પણ યુગમાં આવો જ નહોતો શું? આપણે ‘માણસ’ તરીકે ઓછી વખત પ્રગટ્યા છીએ ને બહુધા તો આપણી બર્બરતાઓ જ પ્રગટતી રહી છે. બર્બરતા સામેનું આપણું યુદ્ધ ચાલ્યા જ કરે છે ને સંસ્કૃતિઓ એમાંથી જ રચાયા કરે છે, પણ ક્યારેક કોઈ અવસર આપણને આપણી બર્બર વૃત્તિઓને એવી ઉઘાડી કરી આપે છે કે આપણને ખ્યાલ આવે છે કે આપણી આજ સુધીની યાત્રા તે વિકાસયાત્રા નહોતી, પણ ઘાંચીની ઘાણીએ જોડેલા બળદની ગતિ માત્ર હતી. ભૌતિક વિકાસની સાથે માનવતા કે આંતરિક સંચેતનાનો વિકાસ જો ના થાય તો કેટલી પેઢીઓનું જીવન ખોટું સાબિત થાય છે. સંસ્કૃતિ અને સભ્યતા તુંબીમાંના કાંકરા બની રહે એવી સ્થિતિ આવે છે. આજે આપણે એવી કોઈ પળને કાંઠે ઊભા હોઈએ એમ શું નથી લાગતું? ને ત્યારે મને માત્ર પ્રકૃતિ તરફ જ વળવાનું સૂઝે છે, પ્રકૃતિ મારે મન સંજીવની છે, નોળવેલ છે. કોઈ એને રોમેન્ટિક શરણું કહે, તો કોઈ વળી એ શરણામાં મારું જીવન પલાયન જુએ તો જુએય તે! પણ સાચું કહું? મારા લોહીમાં સતત અરણ્ય–તરસ જાગ્યા કરે છે. નિશદિન મારી ભીતરમાં કોઈ અરણ્ય સાદ સંભળાયા કરે છે. અરણ્ય મારું જન્મજાત વળગણ છે. કદાચ માણસ માત્ર માટે આદિમતામાંથી અને અરણ્યરાગમાંથી તદ્દન છૂટવું ઓછેવત્તે અંશે મુશ્કેલ છે, એમ નથી લાગતું તમને? હું જન્મ્યો એ ગામના પાદરેથી પડખેથી બારમાસી નદી મહીસાગર ખળખળ વહ્યા કરે છે, ગામની ત્રણ બાજુએ થોડી ટેકરીઓ, એકાદ ડુંગર અને વૃક્ષો હતાં. વચ્ચે સીમના ઢોળાવો, સપાટ મેદાન ને ટેકરીઓનાં ચઢાણો, ઠે૨ ઠે૨ ઊગી ગયેલાં વૃક્ષો. પંખી–તળાવ, વડ, શિવાલય ને કૂવો હતાં. આજે એ વૃક્ષો ઘટી ગયા છે. મારી જેમ એમનેય ગામ છોડીને ચાલ્યા જવું પડ્યું હશે? બાળપણમાં વૃક્ષોના શીતળ છાંયડાઓ અંગે લપેટીને રખડ્યા/રમ્યા હતા એ વૃક્ષોના ચહેરાઓ મિત્રોના કે સ્વજનોના ચહેરા કરતાં વધારે યાદ છે, તાજા પણ! યંત્રયુગનો શાપ છે–પ્રત્યેક જનને! માણસે કમાવા માટે થઈને બાપની ભૂમિ છોડવી પડે છે, પરાયા મુલ્કોને–કન્યા સાસરિયાંને કરે છે એમ–પોતાના કરવા પડે છે. વતન સતત સાદ પાડતું હોય, રાત્રે એની છાલકો ભીંજવતી હોય તોય જઈ ના શકાય. પેલી શૈશવની સાથી શેરીઓ, ધૂળ, પેલાં ભાઈબંધ વૃક્ષો, મોઈદાંડિયો રમ્યા હતા તે વડ, વૃક્ષે વસ્ત્રો ભેરવી ભૂસકા મારીને નાહ્યા હતા એ તળાવ અને કૂવા, કે જેના પાણીમાં ઉનાળાની આકરી બપોરો ‘આધૂડો કે માધૂડો' રમતાં રમતાં વહાવી દીધી હતી એ મહીસાગર, એનાં બિહાળવાં કોતરોમાં ફરીને જોયેલાં એ શિયાળવાં, એમના દર, ઘૂવડ–ચીબરી, ઊંડી જગ્યાએ શાંતિ ઓઢીને ઘોરતો અંધકાર – આ બધું જ સ્મૃતિમંજૂષામાં જણસની જેમ સચવાઈ રહ્યું છે, ને જ્યારે જ્યારે પ્રવાસ કરું છું, ગાડી–ગામડામાંથી–અરણ્યો કે સીમમાંથી ગુજરતી હોય છે, ત્યારે પેલી મંજૂષા ખોલી ખોલીને દરેક વસ બહાર આવીને મને ઘેરી લે છે, હું વિવશ થઈને વહ્યો જાઉં છું – વરસો પાછળ. પ્રત્યેક પ્રવાસ મને મારા વ્યતીત સાથે જોડે છે ને મારી સંચેતનામાં નવો સંચાર થાય છે. વિગત ઘણી વાર મારે માટે જડીબુટ્ટી બની જાય છે. અનાગતની પ્રતીક્ષામાં જીવનારા લોકો હોય છે, સાંપ્રતને ભોગવી લેનારાય ઓછા નથી હોતા. પણ હું તો સતત વ્યતીતને વાગોળ્યા કરું છું. ગામડે, મારા આંગણામાં લીમડા નીચે ધરાઈને બેઠેલાં ભેંસ–બળદ વાગોળે છે, એમ હું વાગોળું છું વ્યતીતને. ને વ્યતીત તો અસંખ્ય પહેલ પાડેલો હીરો છે, મારી સાંપ્રત નદી પણ વ્યતીતના દરિયામાં ઠલવાયા કરે છે ને એ દરિયામાં બારે માસ ભરતી રહે છે. વર્તમાનમાં જ્યારે જ્યારે ઓટનો અનુભવ થાય છે ત્યારે પેલો દરિયો ઘૂઘવી ઘૂઘવીને મને સ્વસ્થ થવા, શાંત થવા સમજાવ્યા કરે છે. હું તો વહી ગયેલા સમયનો પુત્ર છું. અનાગત ઉપર મારી મુદ્રા અંકિત કરવા નીકળ્યો છું. મારો ઈડરિયો દેશ, એનો નર્યો પહાડી વેશ! અરણ્યોમાં વૃક્ષા ઉપર વસંત આવે છે એના વાવડ મને સીમનાં વૃક્ષો અને ટહુકતાં પંખીઓ આપી જાય છે. ને નીકળી પડું છું, બસની બારીએ બેઠો બેઠો, જોતો જોતો ખોવાઈ જાઉં છું. ક્ષિતિજોને પાંખ વીંઝીને પહોળી કરવાનું બળ મળે છે મને. કાબૂમાં નથી રહેતો, કાયા છોડીને દોડ્યા કરું છું વૃક્ષે–વૃક્ષે હાંફતો કાંપતો મહીસાગરને મળી આવું છું. આ નજીક ને પેલા દૂર શીમળા ખીલ્યા છે! એમની પત્રહીન રાખોડી ડાળીઓ ઉપર લાલમલાલ ફૂલો ! ના, ના, કન્યાએ કંકુની થાળીમાં હાથ ઝબોળીને મારી દ્વારસાખે મારેલા થાપાઓ છે એ તો! શીમળો મારું ઘર, ફૂલો મારી બહેનની રાતી ચટ્ટાક હથેળીઓ છે! વાતાવરણની પ્રફુલ્લતાને રેશમી કરી નાખતો શીમળો મારી નસોનું રૂધિર થઈને વહ્યો છે – શૈશવથી. હોળી આવવાની હોય એની જાણ અમને શીમળો કરતો, કેલેન્ડર તો શહેરી સંસ્કૃતિની દેણગી છે, બાળપણમાં (ને મારે ગામડે તો આજેય) તો વૃક્ષો જ અમારી ડાયરી હતાં. ઋતુઓનાં નામ ન આવડે, પણ વૃક્ષો જ એની વધામણી ખાતાં! શીમળો પત્રહીન થઈ જાય ને એને કેરી આકારની કળીઓ બેસે, પંખીઓના કલરવ વધતા જાય અને અમે હોળી માટે ઢોલનગારું તૈયાર કરાવવાની ચિંતામાં પડી જતા. ધીમે ધીમે શીમળો રાતું રાતું ઊઘડવા માંડે ને અઠવાડિયામાં તો ઘમ્મરઘટ્ટ થઈ જાય, અમે સવારે દાતણ મોંમાં મૂકીને છાબડીટોપલી લઈને શીમળે પહોંચી જતાં, ફૂલો વીણી વીણીને એના હારડા બનાવતાં ને હોળીએ ચઢાવવા માટે એનો સંગ્રહ કરતાં. ફૂલોનો મિષ્ટ ગર્ભ ખાવા આવતાં કાબરનાં ટોળાંથી શીમળો ભરાઈ જતો. કાબરની પ્રસન્નતા ને એની સામૂહિક અભિવ્યક્તિનો નાદ–લય હજુય ફાગણની સવારે કાન માંડું તો સાંભળી શકું. શીમળો જોતાં જ મારા કાન ભીંજાઈ જાય છે ને આંખ અંજાઈ જાય છે. દાદીમા કહેતાં કે શીમળાનાં ફૂલોમાં તો ભગવાનની પગલીઓ હોય છે. અમે એના પુંકેસરની દીવીઓ જોતા ને અંદરની મીજને ચાખી લેતા હતા. ઈડરથી વતન જતાં માર્ગ ઉપર આંતરે આંતરે શીમળા અને કેસૂડા વાસંતીલયમાં લહેરાતા જોયા કરું છું. તડકાની છાતી પર કોઈએ છૂંદેલાં આ બન્ને પ્રકારનાં વૃક્ષો મારી નજરને નવરી પડવા દેતાં નથી. વસંતમાં મને વતન જવાનું ગમે છે. એના કારણમાંય વૃક્ષો જ છે. પણ કેસૂડા જોવા હું ફાગણની મધ્યમાં સારણેશ્વર જ પહોંચી જાઉં છું... કેસરિયાળાં કેસૂડાં પી પીને બેહોશ થઈ જાઉં છું ને મહીસાગરની યાદ આપતી હરણવાવને કાંઠે કણજીની છાયામાં જળને ઓઢીને બપોર ખુટાડું છું... સાંજનો તડકો પહાડોમાં ફરફરી ઊઠે છે. જળ જાગે છે ને ખીણોમાં જીવન સંચાર થાય છે. ત્યારે ફરીથી હું કેસૂડાં અને શીમળાને જોતો જોતો, એમાં ખોવાયેલી મારી જાતને એકઠી કરવા મથતો પાછો વળું છું, ને કેટલાંય અનામી વૃક્ષોના વેલાઓ કે છોડનાં ફૂલો પણ મને હાથ પકડીને થોડી વાર રોકી લે છે. રાત્રે અરણ્ય લઈને ઘેરે આવું છું. મનમાં આગ આગ જેવું બળ્યા કરે છે. મોડી રાતે સળગતો દવ જોઉં છું, ના, ના, દિવસે જોયેલાં પેલાં ફૂલોનો ઝળહળ પ્રકાશ છે, એ તો ! ફૂલોના અજવાળે જોઉં છું તો સમજાતું નથી કે હું પહાડોમાં છું કે પહાડો મારામાં છે! આ ભ્રાંતિમાં મારું નિદ્રાસુખ લંબાય છે! સવાર ફૂલ જેવું ઊઘડે છે, ત્યારે હું હવા જેવું જાગી ઊઠું છું. દોડતી બસમાંથી જોયા કરું છું આંબાઓ. મ્હોરેલા આંબાઓની ગણતરી કરું છું – ભૂલી જવા માટે. જે નથી ખીલ્યા એ આંબાઓની સૂનમૂનતા મને ઉદાસ કરી મૂકે છે. ખીલેલા આંબાઓની ડાળીઓને હસ્તરૂપે પ્રમાણું છું, જેની આંગળીએ આંગળીએ તેજ છે, પૃથ્વીના પેટાળની આગનું. મંજરીઓના રંગોય કેટકેટલી જાતના છે. પીળો–પણ પીળો એટલે ? અનેક પરિણામો રચતો પીળો રંગ. કથ્થાઈ, જાંબલી, અરુણ કે ભૂખરોય ખરો. મને આમ્રમંજરીના રંગો અને એની મહેક પણ બાળક બનાવી દે છે. નરી મુગ્ધતાથી હું એ જોઉં ને મારાં ખેતરોમાં ઊભેલા આંબાઓ પણ ફળ્યા હશેની કલ્પનાથી રોમાંચિત થાઉં છું. મહોરેલા આંબાની છાયા નીચે ઊભો હોઉં છું. ત્યારે એ છાયામાં બેજીવી નારીની પ્રસન્નતાનો સ્પર્શ થાય છે, નવોઢા પ્રથમ ગર્ભ ધારતી હશે ત્યારે આંબાની પ્રથમ મંજરીથી થતા રોમાંચ જેવો જ રોમાંચ અનુભવતી હશે ને! આંબો કન્યા સાથે સામ્ય ધરાવે છે. ઉંમરમાં આવતી કન્યાના ઉરોજનો વિકાસ આમ્રમંજરી પછી આકારિત થતી કેરીની જેમ જ... ને સાખનો સમય પક્વતાની ચાડી ખાતો ઊભો રહી જાય છે–દેહની ડાળે ડાળે. આંબો મને વધારે ગમ્યો છે, કેમ કે એ શૈશવથી જ સાથે રહ્યો છે. આંબા ખૂટતા જ નથી આંખમાં, ને બસ તો દોડી રહી છે. વસંત પ્રારંભાય છે ત્યારે બધે પડાવ તો પાનખરનો જ હોય છે. એટલે વસંતનો મુખ્ય રંગ વન ભરીને દેખાયા જ કરે છે. એ તો પીળો જ. ક્યાંક લીલાં પાંદડાંમાં તરુવરો હોય, કૂંપળોય હોય, કેટલાંક વૃક્ષો પાનખરને દાદ દેતાં નથી ને આમ જંગલ કાબરચીતરું લાગે, સીમ પણ. ઘઉંનાં ખેતરો પીળચટાં, નિર્જીવ કપાસ કાળો–ભૂરો ને ઊગતી બાજરીનો લીલો રંગ પાછોતરા ઘઉંમાં લીલા પીળાની સંધિ, ક્યાંક લીલો રજકો કે બીજું ઘાસ–સીમ પર રંગવતી જ લાગે છે, ચોમાસાનો એકધાર્યો લીલો પડાવ અહીં નથી હોતો. સીમનો કેનવાસ રંગોથી અનેક આકૃતિઓ રચી દે છે. ને વૃક્ષો ઉપર ફૂલોના રંગો, નીચે શીતળતા પહેરીને બેઠેલી શાંતિ! બે ઘડી ઊંઘી જવાનું મન થાય. કોઈક ગામ કે કોઈક ખેતરમાં મકાન દેખાય, ને એનીય મન નોંધ લે છે. બાળકો છાંયડામાં લખોટીઓ રમતાં હોય, ધણ જળ પીને કણજી છાંયે જંપી ગયું હોય, દૂરના પહાડો જ્વાલામાં સળગતા હોય એમ લાગે, આછો ધુમાડો, વાદળી રંગ, પથ્થરોનો રંગ કાળો ને મરુણ. સાંજે કળ વળી હોય એમ બધું બેઠું થાય ને પછી દીવો ઓઢીને વાગોળે, અંધકાર. બાકી બધું જ આથમી જાય અગોચરમાં.