ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર
અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર તેને લગતી પશ્ચાદ્ ભૂમિકા
પ્રસ્તુત અધ્યયનવિષયની સીમારેખા
મારા સંશોધન-અધ્યયનનો વિષય છે : ‘અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિભાઈ દ્વિવેદીનાં વિવેચનાત્મક લખાણોના વિશેષ સંદર્ભે તેની તપાસ.’ અર્થાત્, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આરંભાયેલી અને વિકસતી રહેલી કાવ્યતત્ત્વચર્ચાના વ્યાપક સંદર્ભે ખાસ તો ઉપર દર્શાવેલા, આરંભના તબક્કાના પાંચ મહત્ત્વના વિદ્વાનોની કાવ્યચર્ચાને સમીક્ષામાં લેવાનો આ વિનમ્ર પ્રયત્ન છે. પ્રસ્તુત અધ્યયનવિષયની સીમામર્યાદા નિશ્ચિત કરવામાં ઠીક ઠીક મૂંઝવણ મેં અનુભવી છે, અને છતાં આ વિષયક્ષેત્રની પૂરેપૂરી સંતોષકારક સીમારેખા તો આંકી શકાઈ નથી. પણ પ્રસ્તુત વિષયમાં સ્થાન પામેલા વિદ્વાનોની કાવ્યચર્ચાને ઝીણવટથી અવલોકતાં એ એક આરંભકાળનો તબક્કો રચે છે એમ મને પ્રતીત થયું છે. સમયખંડને લક્ષમાં લઈએ તો ગઈ સદીના ઉત્તરાર્ધ અને આ સદીના પ્રથમ દાયકા સુધીની ઘણીએક મહત્ત્વની ચર્ચા અહીં તપાસમાં આવી જાય છે. નર્મદ, નવલરામ, મણિભાઈ અને સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની કાવ્યચર્ચા આ સમયખંડમાં પૂરેપૂરી આવી જાય છે. રમણભાઈ નીલકંઠની કાવ્યચર્ચાના પાંચેય સંગીન નિબંધો આ ગાળામાં પ્રગટ થયા છે; માત્ર નરસિંહરાવ દિવેટિયાની કાવ્યવિચારણા બીજાત્રીજા દાયકા સુધી વિસ્તરી છે. જોકે કવિતાકળા પરત્વે તેમનો અભિગમ સ્પષ્ટ કરતાં કેટલાંએક મહત્ત્વનાં લખાણો તો પહેલા દાયકા સુધીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. બીજી બાજુ સાક્ષરયુગની સાહિત્યિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓ સાથે ચોક્કસ અનુસંધાન કેળવીને ચાલનારા આ. શ્રી આનંદશંકર ધ્રુવ અને બળવંતરાય ઠાકોર જેવા અગ્રણી વિવેચકોની સાહિત્યચર્ચા વિશેષતઃ આ સદીના નવા સાહિત્યિક પ્રવાહો સાથે નિસ્બત કેળવીને વિકસતી-વિસ્તરતી દેખાય છે. આપણા સાહિત્યવિવેચનના ઇતિહાસમાં જે રીતે તેની ગતિવિધિઓ બદલાતી રહી છે તેને એકદમ સ્વચ્છ સુરેખ તબક્કાઓમાં રેખાંકિત કરવાનું મુશ્કેલ છે, છતાં કાવ્યવિચારના બદલાતા જતા સંદર્ભો, તેની બદલાતી ભૂમિકા અને બદલાતા પ્રશ્નોને લક્ષમાં લઈ તેમાં અમુક મોટાં સ્થિત્યંતરો, ભલે થોડી ધૂંધળી અનિશ્ચિત રેખાઓમાં પણ, આંકી દઈ શકાય એમ છે. ખાસ તો કવિતાનું સ્વરૂપ, તેનાં પ્રયોજનો, કવિની પ્રતિભાનું સ્વરૂપ અને સ્થાન, કવિતાના આકાર રચનારીતિ અને ભાષાને લગતો ખ્યાલ, કવિતા અને સત્ય, કવિતા અને સૌંદર્ય, સમાજ અને સંસ્કૃતિમાં કવિતાનું અર્પણ, મહાન કવિતાની વિભાવના – એવા પાયાના મુદ્દાઓ પરત્વે સમયેસમયે જે મોટા વિચારવળાંકો ઊપસે છે કે જે પ્રશ્નોનો ગણ ઝડપથી બદલાઈ રહે છે ત્યાં સ્થિત્યંતરો આંકી લઈ શકાય. પ્રસ્તુત અધ્યયનમાં જે પાંચ વિદ્વાનોની કાવ્યચર્ચા સમીક્ષામાં લેવાઈ છે તે આપણી કાવ્યચર્ચાના ઉદ્ભવવિકાસમાં આરંભનો તબક્કો રચે છે એમ અગાઉ નિર્દેશ કર્યો છે. આપણે આ અધ્યયનમાં આગળ ઉપર વિસ્તારથી જોઈશું કે આપણું અર્વાચીન કાવ્યવિવેચન – કહો કે સાહિત્યવિવેચન – સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને અંગ્રેજી દ્વારા પાશ્ચાત્ય વિવેચન એ બે અલગ, પરસ્પરથી ભિન્ન, કાવ્યશાસ્ત્રોમાંથી તેમ બંને પરંપરાનાં સાહિત્યમાંથી પ્રેરણા લઈને વિકસતું રહ્યું છે. બંને પરંપરાનાં કાવ્યતત્ત્વોનું સંયોજન કરવાનો એમાં આરંભથી જ પ્રયત્ન રહ્યો છે. પણ આ અધ્યયન સંદર્ભે વિશેષ મહત્ત્વનો મુદ્દો એ છે કે ૧૮૫૧થી ૧૯૧૦ના ગાળામાં આપણા કાવ્યવિચારમાં તત્કાલીન અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વડર્ઝવર્થ, શેલી, કોલરિજ, હેઝલિટ્ જેવાની કવિતા અને કાવ્યવિભાવના સીધી રીતે પ્રેરક અને પ્રભાવક રહી છે. જોકે આ ગાળાની કાવ્યવિચારણાનું ચિત્ર એકદમ સાદું સરળ પણ નથી. નર્મદની કાવ્યચર્ચામાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓનો ઘેરો પ્રભાવ છે. નવલરામની કાવ્યચર્ચામાં પ્રસંગોપાત્ત ઊર્મિકવિતાની વિચારણા મળે છે, પણ મુખ્યત્વે તેઓ વ્યાપક ભૂમિકાએથી કાવ્યવિચાર કરે છે. મહાન પ્રશિષ્ટ સાહિત્ય તેમની દૃષ્ટિમાં રહ્યું છે, અને એરિસ્ટોટલના અનુકરણવાદની ભૂમિકાએથી તેમણે કવિતાની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. રમણભાઈની કાવ્યવિચારણા આરંભમાં રોમેન્ટિક કવિઓ વડર્ઝવર્થ-શેલીને અભિમત કાવ્યવિચારમાંથી મુખ્ય પ્રેરણા લે છે. આરંભમાં તો રોમેન્ટિકોને અભિમત લિરિક સ્વરૂપ તેમને સર્વ કાવ્યજાતિઓમાં ચઢિયાતું લાગ્યું છે. પણ તેમની કાવ્યચર્ચાના છેલ્લા મહત્ત્વપૂર્ણ ‘કાવ્યાનંદ’ નિબંધમાં લિરિકને અતિક્રમી વ્યાપકપણે કવિતાની તત્ત્વચર્ચા કરી છે. નરસિંહરાવમાં પણ લિરિક સ્વરૂપની અસાધારણ પ્રતિષ્ઠા થઈ છે, અને રોમેન્ટિક કવિઓને અભિમત પ્રેરણાના સિદ્ધાંતનું તેમણે ભારે સમર્થન કર્યું છે. મણિભાઈ અને ગોવર્ધનરામની સાહિત્યચર્ચા, અલબત્ત, પ્રશિષ્ટ સાહિત્યમાંથી પ્રેરણા લે છે. એક રીતે આ ગાળાની કાવ્યચર્ચા પશ્ચિમના રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાના સીધા પ્રભાવ નીચે જે રીતે મંથન અનુભવે છે તેનું આ મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે. પશ્ચિમના રોમેન્ટિક કવિઓના કાવ્યવિચારમાં લિરિકની અસાધારણ પ્રાણપ્રતિષ્ઠા થઈ તે સાથે કાવ્યનું સારતત્ત્વ (Essence) નિર્ણિત કરવાને જુદી જ ભૂમિકાએથી શોધ આરંભાઈ. આપણી આરંભકાળની કાવ્યચર્ચામાં લિરિકનું આદર્શ રૂપ પ્રતિષ્ઠિત કરવાના પ્રયત્નો છે. અથવા લિરિક પર નિર્ભર કાવ્યશાસ્ત્ર અને વ્યાપક કવિતાજાતિ પર આધારિત કાવ્યશાસ્ત્ર વચ્ચે ઊભા થતા દૃષ્ટિભેદને લઈ નિરાકરણ શોધવાની મથામણ છે. આ રીતની ભૂમિકા ધ્યાનમાં લઈએ તો આ સદીમાં આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય, રામનારાયણ પાઠક, ડોલરરાય માંકડ અને વિષ્ણુપ્રસાદ આદિ વિવેચકો આરંભના મંથનકાળના પ્રશ્નોને લગભગ અતિક્રમી ગયા દેખાય છે. આ સર્વ વિદ્વાનો લિરિકને આદર્શરૂપ ન લેખવતાં, મહાકાવ્યો અને નાટકો જેવાં દીર્ઘ ફલકનાં સ્વરૂપોને લક્ષમાં લે છે. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓને ધ્યાનમાં રાખી વ્યાપકપણે સાહિત્યચર્ચા કરવાનું બળવાન વલણ પ્રગટ કરે છે. આ અભ્યાસવિષયની સીમારેખાનો બીજી રીતે ય વિચાર કરવાનો આવે છે. અને તે એ રીતે કે આ સદીના પહેલાબીજા દાયકામાં આપણા સર્જનાત્મક સાહિત્યને પ્રેરક, પ્રભાવક અને વિધાયક નવાં પરિબળો સક્રિય બન્યાં છે. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારત આવ્યા અને આપણા રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કર્યો. તે સાથે તેમની આગવી દૃષ્ટિની જીવનવિચારણા અને પ્રશ્નોની છણાવટ શરૂ થઈ. ગાંધીજીએ પ્રસંગે પ્રસંગે સાહિત્ય અને સાહિત્યકાર પાસે પોતાની અપેક્ષાઓ રજૂ કરી. અહીં એ સર્વ મુદ્દાઓની ચર્ચા હાથ ધરીશું નહિ. માત્ર એટલું જ નોંધીશું કે તેમના જીવન- વિચાર સાથે પહેલાબીજા દાયકામાં આપણે ત્યાં રાજકીય-સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ બદલાઈ રહી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા અસ્તિત્વમાં આવી હતી, અને આરંભકાળથી જ પરિષદના પ્રમુખોએ પોતપોતાનાં પ્રમુખીય વ્યાખ્યાનોમાં આપણા સાહિત્યના ઐતિહાસિક અને તાત્ત્વિક મુદ્દાઓની જે છણાવટ કરી એમાં સાહિત્ય સ્વયં એક સાંસ્કૃતિક નિર્માણ હોય એ રીતનો સ્વીકાર હતો. ગાંધીજી અને તેમના અંતેવાસીઓ કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ વગેરેના સાહિત્યવિચારમાં નવા જ આદર્શો રજૂ થયા. સાહિત્યચર્ચાના પ્રશ્નોની એ કારણે માંડણી જ બદલાવા લાગી. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ સદીમાં નવલકથાની સાથે ટૂંકી વાર્તા અને એકાંકી જેવાં સ્વરૂપો ય ખેડાતાં થયાં. માત્ર લિરિક કે માત્ર કવિતાજાતિ નહિ, વ્યાપક કથામૂલક સાહિત્યના પ્રશ્નો પણ વિદ્વાનોએ ચર્ચવા માંડ્યા. આ. આનંદશંકર ધ્રુવ અને બળવંતરાયની સાહિત્યચર્ચાની સમાંતરે ગાંધીજી, મુનશી, કાકાસાહેબ, વિજયરાય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામનારાયણ પાઠક વગેરેની સાહિત્યવિચારણા, દેખીતી રીતે જ, નવી સાહિત્યિક સાંસ્કૃતિક પરિસ્થિતિનો બદલાતો સંદર્ભ ધરાવે છે. આ સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં પ્રસ્તુત અધ્યયન અર્થે સ્વીકારેલી સમયમર્યાદાને એક અલગ તબક્કા તરીકે સ્વીકારવામાં કોઈ ખાસ મુશ્કેલી નથી.
અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર : તેના વ્યાપક સંદર્ભો
આ અધ્યયનમાં મારો મુખ્ય ઉપક્રમ પ્રસ્તુત સમયખંડની આપણી કાવ્યચર્ચાના તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે, પણ એ રીતની કાવ્યચર્ચા કંઈ સર્વથા શૂન્યાવકાશમાં સંભવતી નથી. એમાં સર્જનાત્મક સાહિત્ય અને અન્ય વિદ્યાઓ પ્રેરક અને પ્રભાવક બનતી હોય છે. (અ) આપણી કાવ્યવિચારણાને સ્પષ્ટપણે સમકાલીન કવિતા/સાહિત્યની ગતિવિધિઓ સાથે અમુક અનુબંધ સંભવે છે. વળી સમકાલીન સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓ વિદ્વાનોને પોતાની તાત્ત્વિક ચર્ચા અર્થે પ્રેરણારૂપ બને છે. લિરિક, ખંડકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ જેવાં કાવ્યસ્વરૂપો કે નવલકથા, ટૂંકી વાર્તા, આત્મકથા, નાટક – એકાંકી સમેત, નિબંધ જેવાં ગદ્યસ્વરૂપોની ચર્ચાવિચારણા, દેખીતી રીતે જ, એ સ્વરૂપોના વિકાસ અને પરિવર્તન કે રૂપાંતર સાથે નવી નવી ભૂમિકા પર મંડાતી રહે છે. એ જ રીતે કવિતા કે સાહિત્યનાં બદલાતાં વહેણો પણ નવી રીતે ચર્ચાની માંડણી કરવામાં નિમિત્ત બને છે. નવા નવા સાહિત્યિક વાદો અને આંદોલનો સાથે ય વિશિષ્ટ એવો સાહિત્યવિચાર પ્રતિષ્ઠિત થાય છે. પણ સર્જાતું સાહિત્ય જો કાવ્યવિચાર માટે નિમિત્ત બને છે, તો પ્રતિભાસંપન્ન કવિઓ લેખકોની સાહિત્ય વિશેની વિલક્ષણ સમજ કે વિભાવના નવા પ્રવાહને જન્મ આપે એમ બને. (બ) કાવ્યચર્ચા વારંવાર સમકાલીન સાહિત્યપ્રવાહથી ઊંચે ઊઠી પરંપરામાં સિદ્ધ થયેલી મહાન પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓમાંથી ય પ્રેરણા લે છે. સાક્ષરયુગના આપણા અનેક વિદ્વાનોએ પશ્ચિમનાં અને ભારતનાં મહાકાવ્યો અને નાટકોની મહાન પ્રેરણાદાયી સૃષ્ટિઓ તરફ નજર દોડાવી છે. મહાન સાહિત્યની વિભાવના રચવામાં પરંપરાની મહાન પ્રશિષ્ટ કૃતિઓ વારંવાર પ્રેરણારૂપ બની છે, એ પ્રશિષ્ટ કૃતિઓએ જ મહાન સાહિત્યનું સારસત્ત્વ તારવવામાં તેમ વિવેચન મૂલ્યાંકનનાં કાયમી ધોરણો રચવામાં સહાય કરી છે. (ક) સમકાલીન સાહિત્ય સાથે ગાઢ નિસ્બત ધરાવતો વિદ્વાન પોતાની સાહિત્યિક રુચિ દૃષ્ટિને અનુલક્ષીને કે પોતાની વિદ્યાકીય જરૂરિયાતને વશ થઈને કે વ્યાપકપણે સાહિત્યવિવેચનના પ્રાચીન પ્રેરણાસ્રોતોની તપાસ કરવાના આશયથી વારંવાર કાવ્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના પરંપરાગત વિચારોનો અભ્યાસ કરવા તેમ તેની સમીક્ષા કરવા પ્રેરાય છે. સર્જાતા સાહિત્યના પ્રશ્નો સાથે સ્પષ્ટ અનુબંધ હોય કે ન હોય, કાવ્યશાસ્ત્રના કેટલાક તાત્ત્વિક પ્રશ્નોમાં તેમને માત્ર વિદ્યાકીય રસ હોય એમ બને. (ડ) કાવ્ય/સાહિત્ય સ્વયં રહસ્યમંડિત ચૈતસિક ઘટના છે. કાવ્યસૃષ્ટિનું સ્વરૂપ સમજવાને તેમ તેનું તાત્ત્વિક પ્રતિપાદન કરવાને વિદ્વાનોએ, આથી, તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓની સૂક્ષ્મ વિચારણાઓને ખપમાં લીધી જણાશે. એટલું જ નહિ, ધર્મતત્ત્વવિચાર, સંસ્કૃતિચિંતન કે સમાજચિંતન પણ એમાં અનેક સંદર્ભે કોઈ ને કોઈ રીતે ઉપકારક નીવડ્યું છે. નવલરામની કાવ્યચર્ચામાં અદ્વૈતવાદી વિચારણાનો વિનિયોગ, રમણભાઈ નીલકંઠની કાવ્યચર્ચામાં વિશ્વપ્રકૃતિ (The Nature)નો વિશિષ્ટ ખ્યાલ, આ. આનંદશંકરમાં અદ્વૈત દર્શન, બ. ક. ઠાકોરની સાહિત્યચર્ચામાં ઉત્ક્રાન્તિવાદનું અનુસંધાન, રામનારાયણ પાઠકની કાવ્યચર્ચામાં મનોવિજ્ઞાનને સ્પર્શતી ભૂમિકા વગેરે આ વાતનું સમર્થન કરે છે. (ઈ) દરેક રાષ્ટ્રમાં સૌંદર્યતત્ત્વને લગતી કોઈ ને કોઈ વિલક્ષણ દૃષ્ટિ, તેના સર્જનને અને પ્રજાનાં રસરુચિને, પ્રગટપણે કે પ્રચ્છન્નપણે ઘાટ આપે છે. ચીની કવિતામાં સૌંદર્ય વિશેની જે સંપ્રજ્ઞતા પ્રગટ થઈ છે તે તેમના પુરાણશાસ્ત્ર અને અધ્યાત્મવિચારથી પ્રેરિત છે. ભારતના સાહિત્યમાં તેમ તેની ભિન્ન ભિન્ન લલિતકળાઓમાં રસતત્ત્વના વિકાસની જે અપેક્ષા છે તેમાં આપણી સૌંદર્યચેતનાનો જ વિશિષ્ટ ખ્યાલ છતો થાય છે. ઍરિસ્ટોટલમાં ટ્રૅજડીના સ્વરૂપની ચર્ચામાં કૅથાર્સિસનો જે મહત્ત્વપૂર્ણ ખ્યાલ પડેલો છે તેમાં ગ્રીક પ્રજાની રુચિ પ્રગટ થાય છે. ટૂંકમાં, કાવ્યચર્ચાની બદલાતી ગતિવિધિ પાછળ નિકટની અને દૂરની અનેકવિધ સાહિત્યિક- સાંસ્કૃતિક અને વિવેચનાત્મક ઘટનાઓ નિમિત્ત બને છે. એ તો સુવિદિત છે કે આપણું અર્વાચીન સાહિત્યસર્જન અને આપણું સાહિત્યવિવેચન એ બંને પ્રવૃત્તિઓનો ઉદ્ભવ ગઈ સદીના છઠ્ઠા દાયકામાં થયો. કવિ નર્મદ અને તેમના વિદ્વાન મિત્ર નવલરામની વિવેચનપ્રવૃત્તિ પણ આ ગાળામાં જ આરંભાયેલી છે. જોકે એ બંને સાહિત્યકારોને મુંબઈ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લેવાની તક મળી નહોતી, તો પણ એ સમયના વિદ્યાકીય વાતાવરણમાં સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને અંગ્રેજી દ્વારા પાશ્ચાત્ય વિવેચનની કેટલીક મહત્ત્વપૂર્ણ વિચારણાઓનો તેમણે બંનેએ પરિચય મેળવી લીધો હતો. પણ મુંબઈ યુનિવર્સિટીમાં સાહિત્યનું શિક્ષણ લેનારા આપણા સાક્ષરોની પેઢીએ – સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિભાઈ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, કવિ કાન્ત, બળવંતરાય, ન્હાનાલાલ, આ. આનંદશંકર ધ્રુવ આદિની પેઢીએ બંને પરંપરાની કાવ્યચર્ચાનાં પ્રાણભૂત તત્ત્વોની ઓળખ કરી બંનેનાં ઇષ્ટ તત્ત્વોને સાંકળી શક્ય તેટલો વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના પ્રયત્નો કર્યા. પણ એ વિકાસવિચાર સહેજ પછીથી જોઈશું. અહીં આપણા સાહિત્યની એક ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરી લેવાનું આવશ્યક છે, અને તે એ કે, ગઈ સદીના મધ્ય ભાગમાં આપણા મધ્યકાલીન સાહિત્યનો તબક્કો પૂરો થયો. ઈ.સ. ૧૮૪૫માં કવિ દલપતરામની નવા વિષય અને નવી રીતિની કવિતા ‘બાપાની પીપર’ પ્રગટ થઈ. ઈ.સ. ૧૮૫૧માં અર્વાચીનોમાં આદ્ય લેખાયેલા કવિ નર્મદે નવા જમાનાની માંગ રજૂ કરતાં ‘મંડળી મળવાથી થતા લાભ’ વિષય પર પોતાનું પહેલું ભાષણ રજૂ કર્યું. બીજે વર્ષે, ઈ.સ. ૧૮૫૨માં મધ્યકાળના છેલ્લા તેજસ્વી ભક્તકવિ દયારામનું અવસાન થયું. ઈ.સ. ૧૧૮૫થી ૧૮૫૨ સુધીના સાડા છ સાત સૈકાના મધ્યકાલીન સાહિત્યનો એ સાથે અંત આવ્યો. આ ગાળામાં જૈન અને જૈનેતર બંને પરંપરામાં ઘણું કરીને ધર્મભાવના નીતિબોધ અને ભક્તિનું સાહિત્ય રચાતું રહ્યું. એ પૈકી જૈન પરંપરામાં મુનિકવિઓએ રાસા ચરિઉ ફાગુ આદિ સ્વરૂપોના ખેડાણની સાથોસાથ ધર્મ, નીતિ, વ્યાકરણ અને અલંકારશાસ્ત્રને લગતું અધ્યયનચિંતન કર્યું છે, એટલે એ પરંપરામાં કાવ્યચિંતન ચાલતું રહ્યું હોય એમ માનવાને કારણ છે. જોકે એ વિશેના ગુજરાતી ગ્રંથનું કોઈ સંપાદન પ્રકાશન હજી સુલભ બન્યું નથી. બીજી બાજુ જૈનેતર પરંપરામાં ધર્મભાવના ભક્તિરસ અને ત્યાગવૈરાગ્યને લગતું ઠીક ઠીક જથ્થામાં સાહિત્ય મળ્યું. પણ એમાંય અલંકારશાસ્ત્રની કોઈ પરંપરા દેખાતી નથી. દુર્ગાશંકર શાસ્ત્રીએ એવું અવલોકન રજૂ કર્યું છે કે જૈનેતર પરંપરામાં પ્રાચીન પ્રેરણા લઈ આખ્યાન જેવું સ્વરૂપ ખેડાયું, પણ સંસ્કૃત પરંપરાની વિદ્યાઓ એમાં ભાગ્યે જ ઊતરી છે. અર્થાત્, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યવિવેચન જેવી કોઈ પ્રવૃત્તિ ચાલી નથી. આ પરિસ્થિતિ લક્ષમાં હોવા છતાં રમણભાઈ નીલકંઠે અખા અને શામળ જેવા કવિઓની રચનામાં વેરવિખેર પડેલી થોડીક પંક્તિઓ – કવિ કવિતા અને ભાષાને લક્ષતી પંક્તિઓ – આધાર તરીકે લઈ મધ્યકાલીન ગુજરાતીમાં યે ‘વિવેચનના અંકુરો’ ખીલ્યા હતા એમ પ્રતિપાદિત કરવાને સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. પણ આ આખાય મુદ્દાની વિસ્તૃત તપાસ બીજા પ્રકરણમાં હાથ ધરવાના છીએ. એટલે અહીં એની ચર્ચામાં ઊતરીશું નહિ. માત્ર એ વાત ભારપૂર્વક દોહરાવીશું કે આપણા વિવેચનનાં સંગીન મંડાણ અર્વાચીન યુગમાં જ થયાં. અને એ વિવેચનમાં માત્ર સમકાલીન ગુજરાતી સાહિત્યની ગતિવિધિઓ જ નહિ, સંસ્કૃતપ્રાકૃત પરંપરાનું સાહિત્ય તેમ જ પાશ્ચાત્ય સાહિત્ય પણ ઓછેવત્તે અંશે પ્રેરણાસ્રોત બને છે. બલકે, પશ્ચિમનાં સાહિત્ય અને વિવેચન જે સાંસ્કૃતિક પરંપરામાંથી પોષણ મેળવી રહ્યાં હતાં તેનોય સૂક્ષ્મ પ્રભાવ પડ્યો. નવી કાવ્યચર્ચાનાં પાયાનાં ગૃહીતોની તપાસ કરતાં, તેમ નવલરામનાં ગ્રંથાવલોકનોમાં પ્રતિષ્ઠિત થતાં રહેલાં નૈતિક અને રસકીય મૂલ્યોની ઓળખ કરતાં, એનો સાચો ખ્યાલ આવશે. ઇંગ્લૅન્ડનાં મહારાણી વિક્ટોરિયાએ ઈ.સ. ૧૮૫૭માં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લીધાં. અને એ જ વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. એ યુનિવર્સિટીમાં પાશ્ચાત્ય કેળવણીના વિષયો શીખવાતા થયા, તો સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન ભારતીય વિદ્યાઓનું અધ્યયન શરૂ થયું. એ બંને પરંપરાઓની પ્રેરણા મળતાં નવજાગરણનો યુગ આપણે ત્યાં આરંભાયો. પણ અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે પશ્ચિમની વિદ્યાઓમાં બૌદ્ધિક અભિગમ અને વૈજ્ઞાનિક શોધપદ્ધતિ પર વિશેષ ઝોક હતો. તેમના જીવનવિચારમાં ઐહિક શ્રેયનું પરમ મૂલ્ય હતું, તો તેમના વિશ્વદર્શનમાં ઇતિહાસવાદ અને વિજ્ઞાનવાદની સ્પષ્ટ પ્રેરણા હતી. ખ્રિસ્તી ધર્મ અને તેમાં અનુસ્યૂત નીતિમત્તા સ્વયં કઠોર સમીક્ષામાંથી પસાર થઈ રહ્યાં હતાં. ફ્રેંચ રાજ્યક્રાંતિ, કાન્ટ હેગલનો ભાવનાવાદ, માર્ક્સ ફ્રોય્ડની મૌલિક વિચારણાઓ, માનવનૃવંશશાસ્ત્ર અને પુરાણશાસ્ત્ર એમ નવી વિચારધારાઓ ત્યાંના જીવનચિંતનમાં નવાનવા પ્રશ્નો ઉપસાવી રહી હતી. એ સાથે પ્લેટો ઍરિસ્ટોટલથી રોમેન્ટિક કવિઓ સુધીની કાવ્યચર્ચા, કાવ્યકળા કે કાવ્યસૌંદર્યની જુદી જ ભાવના પ્રગટ કરતી હતી. અને તેમના કાવ્યચિંતન પાછળ તેમનાં આગવાં દાર્શનિક સાંસ્કૃતિક ગૃહીતો પડ્યાં હતાં. આપણે એ વાત ફરીફરીને નોંધવી જોઈએ કે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસીઓએ પશ્ચિમની જે મહાન પ્રશિષ્ટ કૃતિઓ – હૉમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’, ગ્રીક ટ્રેજડીઓ, દાન્તેનું મહાકાવ્ય ‘ડિવાઈન કૉમેડી’ શેક્સ્પિયરની મહાન ટ્રેજડીઓ ‘હેમ્લેટ’ ‘ઑથેલો’ આદિ, મિલ્ટનનું મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’ કે વડર્ઝવર્થની ગહનગંભીર કાવ્યકૃતિઓ વગેરે – પોતાના અભ્યાસમાં લીધી તે સાથે પાશ્ચાત્ય કાવ્યકળાના આદર્શોનો પરિચય થયો, પણ તે સાથે વળી પશ્ચિમની સંસ્કૃતિનાં સારતત્ત્વોનો ય જીવંત અને સઘન રીતે પરિચય થયો. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વિશ્વપ્રકૃતિનું સ્વરૂપ, માનવીય સંયોગો અને તેની નિયતિ, વિશ્વવાસ્તવ વિશેની સંપ્રજ્ઞતા અને વિશ્વદર્શનની બદલાતી ભૂમિકા – એમ બિલકુલ પાયાના મેટાફિઝીકલ પ્રશ્નોનો ય પરિચય થયો. યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કરનારા તરુણ તેજસ્વી અભ્યાસીઓ, પોતાની સામે ઊઘડતી રહેલી પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે, શક્ય તેટલાં ક્ષેત્રોમાં સમન્વય કરવા પ્રેરાયા. પૂરી ગંભીરતા અને નિષ્ઠાથી પોતાના સમયની રાષ્ટ્રીય સ્થિતિને લક્ષમાં રાખી તેઓ બંનેનાં ઇષ્ટ તત્ત્વોનો સમન્વય કરવાની મથામણમાં પડ્યા. આપણું અર્વાચીન સાહિત્ય અને અર્વાચીન વિવેચન આવા વ્યાપક સમન્વયકાળના સંયોગોમાં ઉદ્ભવ્યું છે. અને અત્યાર સુધી આપણા સાહિત્યમાં પાશ્ચાત્ય અને સંસ્કૃત સાહિત્યનો તેમ તેના વિવેચનનો ચોક્કસ નિર્ણાયક પ્રભાવ પડતો રહ્યો છે. આપણા અર્વાચીન સાહિત્યનો પહેલો યુગ – ઈ.સ. ૧૮૫૧-૧૮૮૫ સંસારસુધારાના યુગ તરીકે જાણીતો રહ્યો છે. પાશ્ચાત્ય સાહિત્ય અને કેળવણીના પ્રભાવ નીચે આ તબક્કામાં સંસારસુધારાની અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભાઈ છે. દલપતરામ, નર્મદ, નવલરામ, નંદશંકર મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ નીલકંઠ, દુર્ગારામ મહેતા આદિ લેખકો પૈકી ઘણાખરા સુધારાપ્રવૃત્તિમાં સીધા સંકળાયેલા હતા. કવિતાની સાથોસાથ નવલકથા નાટક નિબંધ જીવનકથા આત્મકથા જેવા ગદ્યપ્રકારોનું ખેડાણ પણ આરંભાયું. અને આ ગાળામાં જ નર્મદ અને નવલરામ દ્વારા થોડુંક કાવ્યચિંતન શરૂ થયું, અને નવલરામે તો ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ પણ સઘનપણે ચલાવી. નર્મદ તો મધ્યકાલીન કવિઓનું ચરિત્રલેખન, મધ્યકાલીન કૃતિઓનું સંશોધન સંપાદન, કોશ, વ્યાકરણ, જગતનો ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્રવિચાર આદિ અનેક વિદ્યાકીય શાખાઓમાં પ્રારંભિક કાર્ય શરૂ થયું. કવિ દલપતરામ અને કવિ નર્મદ બંને આપણા અર્વાચીન યુગના વૈતાલિકો. એ પૈકી દલપતરામની લેખનપ્રવૃત્તિમાં કાવ્યરચના વિશેષ ધ્યાન રોકી લે છે. નર્મદે કવિતાની સાથોસાથ નિબંધ વિવેચન સંશોધન નાટક કોશ ઇતિહાસ આદિ બીજાં ક્ષેત્રો પણ ખેડયાં છે. જ્યાં સુધી કાવ્યલેખનનો પ્રશ્ન છે, દલપતરામે સંસાર સુધારો કેળવણી નીતિબોધ વિનોદવાર્તા અને પ્રકૃતિચિત્રો – એમ નવા યુગમાં જન્મેલી અનેકવિધ પ્રવૃત્તિઓ અને વિચારોને પોતાની રચનામાં ગૂંથી લેવાની વૃત્તિ રાખી છે. અર્વાચીન યુગના મંડાણ સમયે જનમાનસને સ્પર્શતાં લગભગ બધાં જ વિચારરૂપ આંદોલનો ઝીલવાનો એમાં સંનિષ્ઠ પ્રયાસ છે. આથી ભિન્ન, નર્મદની કવિતામાં એક બળવાન કેન્દ્રવર્તી વલણ તે આત્મલક્ષી સંવેદનાઓ વ્યકત કરવાનું છે. અંગત પ્રણયઝંખના, પ્રકૃતિના સૌંદર્યથી જન્મતી વિભિન્ન ભાવદશાઓ, દેશપ્રેમ, મૃત્યુ અને પરમ તત્ત્વનું ચિંતન – એ સર્વ વિષયોમાં તેના આત્મલક્ષી ભાવો જ રમતા રહ્યા છે. જોકે મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને ‘હિંદુઓની પડતી’ જેવી લાંબી વૃત્તાંતમૂલક કવિતા ય કરી, પણ આપણી અર્વાચીન કવિતાના ઉદ્ભવવિકાસની દૃષ્ટિએ તેણે નિર્માણ કરેલી આત્મલક્ષી ઊર્મિકવિતા વિશેષ નોંધપાત્ર બની રહે છે. માત્ર નવા વિષયો કે નવા વિચારોના સ્વીકાર માત્રનું મહત્ત્વ નથી. જે રીતે કવિની વૈયક્તિક અનુભૂતિના જીવંત અને સઘન સ્પર્શે તેમાં ચમત્કૃતિ સધાઈ છે તેનું વિશેષ મૂલ્ય છે. અંગ્રેજ રોમેન્ટિક કવિઓને સંવેદન કે પ્રેરણામૂલક કવિતાની જે અપેક્ષા હતી તે પ્રકારની કવિતા કરવા તરફ તેમની નજર મંડાયેલી છે. આપણે આગળ ઉપર વિસ્તારથી આ વિશે ચર્ચા કરવા ધારી છે, અને ત્યાં એમ જોઈશું કે, નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકના પોતાના નિબંધમાં જે કવિતાની પ્રતિષ્ઠા કરી છે તેમાં એ રોમેન્ટિકોની કાવ્યભાવનાની સીધી પ્રેરણા રહી છે. કવિતાના સ્વરૂપ અને શૈલીની બાબતમાં કવિ દલપતરામ અને કવિ નર્મદમાં જે ફેર દેખાય છે તે ઠીક ઠીક અંશે તેમના માનસભેદને કારણે સંભવ્યો છે એમ કહી શકાય. દલપતરામ અત્યંત સ્વસ્થ ઠરેલ સદાચારવૃત્તિવાળા અને બુદ્ધિચાતુરીમાં રાચનારા કવિ. તો, નર્મદ પ્રાણશક્તિથી છલકાતો, તરવરાટવાળો, લાગણીપટુ, સ્વપ્નસેવી અને અંતર્મુખીવૃત્તિવાળો માનવી. એટલે દલપતરામ બહારના જગતનાં દૃશ્યો અને પ્રવૃત્તિઓનું તટસ્થભાવે અવલોકન કરે, બુદ્ધિચાતુરીથી વસ્તુનું વર્ણન કરે, આકર્ષક કલ્પના (Fancy)ના બુટ્ટા રચે, અને વાચકનું રંજન કરે. નર્મદ પોતાના સંક્ષોભ અને મંથનની ક્ષણે ઊર્મિઓનો સીધો ધોધ વહેતો કરે. પણ આ બંનેની કાવ્યશૈલીઓના મૂળમાં જતાં જણાશે કે બે સર્વથા ભિન્ન કાવ્યશાસ્ત્રોની એમાં પ્રેરણા રહી છે. કવિ દલપતરામની કાવ્યશૈલીમાં ઝડઝમક પ્રાસ શ્લેષ આદિ જે રંજક તત્ત્વો પ્રવેશ્યાં છે તેના મૂળમાં વ્રજના અલંકારશાસ્ત્રની સીધી પ્રેરણા છે, જ્યારે નર્મદની કાવ્યરીતિ પશ્ચિમના રોમેન્ટિક કવિઓથી પ્રેરાયેલી છે. જોકે નર્મદે કાવ્યલેખન શરૂ કર્યું ત્યારે આરંભમાં તો મધ્યકાલીન ગુજરાતીનાં ‘કાફી’ તરીકે ઓળખાતાં પદો તેને પ્રેરણારૂપ બન્યાં હતાં; અને આમ પણ પદ્યબંધ કાવ્યબાની અને વર્ણનરીતિમાં મધ્યકાલીન કવિતાના સંસ્કારો તેની કવિતામાંથી સાવ લુપ્ત થયા નથી. પણ કવિતાની તે જે રીતે વ્યાખ્યા વિચારણા કરવા પ્રેરાયો તેમાં રોમેન્ટિકોને અભિમત ઊર્મિકાવ્ય, ઊર્મિકવિની સંવેદનપટુતા, ભાવાવેશ, ચિત્રાંકન શક્તિ જેવાં લક્ષણો પર વિશેષ ભાર મૂકે છે. નર્મદની કવિતાની નવી ‘સ્કૂલ’ને વધાવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા નવલરામ નર્મદના મિત્ર પણ ખરા, પણ તેમની વિદ્યાકીય સજ્જતા નર્મદથી ઘણી વધુ અને તેમની રસજ્ઞતા ઘણી સૂક્ષ્મ ઉદાર અને પ્રશિષ્ટ સંસ્કારોથી પરિપુષ્ટ હતી. નવલરામે કવિતા નિબંધ નાટક જેવાં સ્વરૂપો ય ખેડ્યાં અને છતાં તેમનું વિશેષ મૂલ્યવાન અર્પણ તે તો આપણા વિવેચનના ક્ષેત્રમાં જ. કવિતાકળાની તેમની ચર્ચા વિચારણા થોડી ત્રૂટક અને કેટલાક સંદર્ભે તો માત્ર ટાંચણસમી જ રહી ગઈ છે. પણ એમાં તેમની મૌલિક દૃષ્ટિ અને તાત્ત્વિક ભૂમિકાએથી ખોજ કરવાની વૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. કવિતાની ચર્ચા, પ્રસંગોપાત્ત, ઊર્મિકવિતાને લક્ષતા છતાં વ્યાપક કવિતાજાતિને આવરી લેવા ચાહે છે. અદ્વૈતવાદી વિચારની તાત્ત્વિક ભૂમિકા પર તેઓ એની માંડણી કરે છે. એરિસ્ટોટલની કાવ્યચર્ચાના કેન્દ્રીય ‘અનુકરણ’ સિદ્ધાંતને પણ પોતાની રીતે તેઓ સાંકળી લે છે. તેમના મત પ્રમાણે કવિતા તે માયાનું અનુકરણરૂપ ચિત્ર છે. મહાકાવ્ય અને નાટક જેવાં દીર્ઘ ફલકનાં સ્વરૂપોમાં માયાનું વધુ પૂર્ણ અને વધુ સર્વગ્રાહી ચિત્રણ સંભવે છે, અને તેથી તે સ્વરૂપની કૃતિઓ વધુ સમૃદ્ધ નીવડી આવવા સંભવ છે, એવી તેમની સમજ રહી છે. નવલરામની ગ્રંથાવલોકનની પ્રવૃત્તિનો ય અહીં ખાસ ઉલ્લેખ કરવાનો રહે છે. એમના સમયમાં પ્રગટ થતાં રહેલાં પુસ્તકો પૈકી કેટલાંક ધ્યાનપાત્ર પુસ્તકોનું તેમણે ગંભીર તટસ્થ અને સુસજ્જ વિવેચનદૃષ્ટિથી તેમ સૂક્ષ્મ મર્મગ્રાહી રસદૃષ્ટિથી અવલોકન કર્યું છે. કવિતા, નાટક, નવલકથા, સંસ્કૃતની અનુવાદિત કૃતિ-એમ ભિન્ન ભિન્ન સ્વરૂપની કૃતિઓનું તેમણે વિવેચન કર્યું છે. પશ્ચિમમાં સારી રીતે વિકસિત થઈ ચૂકેલી કૃતિવિવેચનની પ્રવૃત્તિ એ રીતે નવલરામની ગ્રંથસમીક્ષાઓ સાથે આપણે ત્યાં ય આરંભાઈ અને દૃઢમૂલ થઈ. આ સંદર્ભે નોંધવા જેવી બાબત એ છે કે કૃતિવિવેચનની આ નવી પરંપરા સંસ્કૃત સાહિત્યની ભાષ્યરીતિથી જુદી પદ્ધતિની છે. એનાં લક્ષણો પણ જુદી રીતે ઊપસ્યાં છે. કૃતિની સમીક્ષામાં તેનાં સ્વરૂપગત લક્ષણોની તપાસ, કૃતિના ગુણદોષની ચર્ચા કે રચનારીતિ શૈલીનાં લક્ષણોની નોંધ પણ હોય, પણ સાથોસાથ કર્તાનું માનસ અને તેની રુચિવૃત્તિ, નૈતિક દૃષ્ટિએ કૃતિનો ભાવકના ચિત્ત પર પડતો પ્રભાવ, ભાવકની સુરુચિની કેળવણી, સમાજશ્રેય અને સંસ્કૃતિવિકાસ તેમ જ પરંપરાની ઓળખ કરી તેની વચ્ચે સાહિત્યકૃતિનું સ્થાન - એમ કૃતિ / કર્તા સાથે સંબંધિત અનેક બાહ્ય પરિબળો અને પ્રશ્નોની ય તેઓએ આવશ્યકતા અનુસાર ચર્ચા કરી છે. નર્મદ અને નવલરામની કાવ્યચર્ચામાં મુખ્યત્વે કાવ્યનું સ્વરૂપ અને તેનાં મૂળભૂત પ્રયોજનોની ચર્ચા થઈ છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય કાવ્યચર્ચાના તેમને ઉપલબ્ધ અને તેમને ઇષ્ટ વિચારોનો સમન્વય કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. ભારતીય અલંકારશાસ્ત્રની રસની વિભાવના બંનેની કાવ્યચર્ચામાં કાવ્યના આત્મા લેખે પ્રતિષ્ઠિત થઈ છે. રસપ્રદ મુદ્દો એ છે કે નર્મદના કાવ્યવિચારમાં રોમેન્ટિકોને અભિમત પ્રેરણાના સિદ્ધાંતનું બળવાન સમર્થન હોવાં છતાં પ્રસંગોપાત્ત તેઓ પશ્ચિમના વિવેચનમાં એ સમયે વિવાદનો મુદ્દો બનેલ એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ પણ અછડતો ચર્ચી લે છે. સાક્ષરયુગમાં આપણું સાહિત્ય – સર્જન ચિંતન અને વિવેચન – વિકાસના એક મહત્ત્વના તબક્કામાં પ્રવેશે છે. આ યુગને ગોવર્ધનરામયુગ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે અને તે ઘણી સૂચક બાબત છે. ગોવર્ધનરામની સાક્ષરી પ્રવૃત્તિ અને તેમાંય સાક્ષરી વિચાર વલણો આ યુગના સાહિત્યમાં વ્યાપકરૂપે દેખા દે છે. ગોવર્ધનરામ, મણિભાઈ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, કેશવ ધ્રુવ, બળવંતરાય, આ. આનંદશંકર ધ્રુવ આદિ વિદ્વાનોનું સાક્ષરી ચિંતન આ સમયે વિશેષ ધ્યાન ખેંચે છે. જોકે કવિતા, નાટક, નવલકથા જેવાં સ્વરૂપોનું ય સમૃદ્ધ ખેડાણ આરંભાયું છે. આ સાક્ષરો પૈકી ગોવર્ધનરામ, મણિભાઈ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ, બળવંતરાય ઉપરાંત આ યુગના કવિ કાન્ત, કલાપી, બાલાશંકર કંથારિયા, ન્હાનાલાલ અને ખબરદાર જેવાની કાવ્યપ્રવૃત્તિ પણ એટલી જ મહત્ત્વની છે. ગોવર્ધનરામની મહાન નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪), મણિભાઈની નાટ્યકૃતિ ‘કાન્તા’, રમણભાઈની હાસ્ય કથા ‘ભદ્રંભદ્ર’ અને તેમનું નાટક ‘રાઈનો પર્વત’ જેવી ભિન્ન ભિન્ન સર્જકતાના અણસાર આપતી કૃતિઓ પણ સાક્ષરી માનસની રુચિવૃત્તિથી અંકિત છે. આ ઉપરાંત આ સમયમાં ચિંતનલક્ષી નિબંધોનો વિશાળ ફાલ આપણને પ્રાપ્ત થાય છે. પૂર્વ અને પશ્ચિમની જીવનવિચારણાઓમાંથી શ્રેયસ્કર વિચારોનો સમન્વય કરીને નવા યુગને અનુકૂળ વ્યાપક તત્ત્વચિંતનનો સાક્ષરોનો પુરુષાર્થ અત્યંત મહત્ત્વનો છે. આપણી સાંસ્કૃતિક ચેતનાના હાર્દમાં પડેલો સંઘર્ષ એમાં પ્રતિબિંબિત થાય છે. ગોવર્ધનરામ મણિભાઈ અને આ. આનંદશંકરના ચિંતનલેખો અને નિબંધોમાં ભારતીય દર્શનની સંગીન ભૂમિકા રહી છે. રમણભાઈ અને નરસિંહરાવના ચિંતનમાં પ્રાર્થનાસમાજની વિચારધારાનો આધાર છે તો બળવંતરાયમાં ઉત્ક્રાંતિવાદ તરફ ઝોક છે – ઐતિહાસિક સામાજિક અભિગમ છે. આ યુગમાં જીવનચરિત્ર, રેખાચિત્રો, પ્રવાસકથાઓ, ડાયરી, પત્રો, વિવેચન આદિ સાહિત્યપ્રકારો ય વિપુલ પ્રમાણમાં ખેડાયા છે. સાક્ષરયુગમાં ગુજરાતી કવિતાની ગતિવિધિ ઘણી સંકુલ રહી છે. આગલા યુગમાં ભાખારીતિને અનુસરતી દલપતરામની કવિતા અને અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કવિતાને અનુસરતી નર્મદની કવિતા એ બેના પ્રેરણાસ્રોતો ભિન્ન છે એમ આપણે અગાઉ સંકેત કર્યો છે. અને એ સંદર્ભે આપણે અહીં એમ સૂચવીશું કે દલપતકાવ્યના રસિકોની સંખ્યા મોટી હતી, જ્યારે નર્મદકાવ્યના શ્રોતાઓ ઓછી સંખ્યામાં હતા. અને એમ પણ નોંધીશું કે દલપતકાવ્યને અનુસરતા કવિઓ અને રસિકોનો એક વર્ગ તો સાક્ષરયુગમાં ય ટકી રહ્યો હતો. પણ સાક્ષરયુગની કવિતા પૂર્વપશ્ચિમની મહાન કવિતાના સંસ્કાર પામી વધુ ને વધુ રસલક્ષી બનતી રહી. આ પેઢીના ઘણાખરા કવિઓ મુંબઈ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લઈને બહાર આવ્યા હતા. યુનિવર્સિટીના વર્ગોમાં અંગ્રેજી, સંસ્કૃત/ફારસી કવિતા અને તેના કાવ્યશાસ્ત્રનો તેમને માર્મિક પરિચય થયો હતો. એમાં અંગ્રેજ રોમેન્ટિકોનાં ઊર્મિકાવ્યો અને તેનું કાવ્યશાસ્ત્ર પણ તેમનો એક મોટો પ્રેરણાસ્રોત બની રહ્યો. એ ખરું કે આ પેઢીના કવિઓએ ઊર્મિકાવ્યની સાથોસાથ દીર્ઘ રચનાઓ માટે ય મથામણ કરી હતી. કાન્તે નિર્માણ કરેલું ખંડકાવ્ય, ગોવર્ધનરામની વિલક્ષણ વૃત્તાંતમૂલક રચના ‘સ્નેહમુદ્રા’, કલાપી અને નરસિંહરાવનાં ખંડકાવ્યો, નરસિંહરાવનું કરુણપ્રશસ્તિકાવ્ય ‘સ્મરણસંહિતા’ કવિ કાન્તની રચના ‘સૌંદર્યલહરી’, ન્હાનાલાલનું ‘વસંતોત્સવ’, બળવંતરાયનું ‘આરોહણ’ આ પ્રકારની દીર્ઘકવિતાના આકારો અને શૈલીઓમાં ઘણું વૈવિધ્ય છે. પણ, આ યુગના કવિઓની પ્રબળ સર્જકતા વધુ તો ઊર્મિકવિતા રૂપે છતી થઈ. નરસિંહરાવની ઊર્મિકવિતાની મુખ્ય પ્રેરણા અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વડર્ઝવર્થ શેલી આદિની પ્રકૃતિકવિતા રહી છે. વડર્ઝવર્થ શેલી જેવા કવિઓએ પ્રકૃતિપદાર્થો દૃશ્યો કે સત્ત્વોમાં વારંવાર સાક્ષાત્કારની કોટિના અનુભવો કર્યા, અને એવા અલૌકિક અનુભવોને ઊર્મિકાવ્યરૂપે તેમણે રજૂ કર્યા. નરસિંહરાવે એ કવિતામાંથી પ્રેરણા લઈ પ્રકૃતિ વિષયક ઊર્મિકાવ્યો રચ્યાં. જોકે વડર્ઝવર્થ શેલીની કવિતાની ઉત્કટતા અને સમાધિદશા તેમની ઊર્મિકવિતામાં બહુ ઓછી વાર જોવા મળ્યાં. પણ રસપ્રદ બાબત એ છે કે તેમણે ખેડેલી ઊર્મિકવિતા, વિષયવસ્તુ અને નિરૂપણરીતિની બાબતમાં તેમના અનેક સમકાલીન અને અનુગામી કવિઓ માટે પ્રેરણારૂપ બની રહી. આ ગાળામાં કવિ કાન્ત કલાપી ન્હાનાલાલ અને બળવંતરાય જેવા પ્રતિભાશાળી કવિઓએ જે કાવ્યલેખન કર્યું તેમાં ઊર્મિકવિતા વધુ કળાત્મક સમૃદ્ધિ સાથે ખેડાયેલી છે. સાક્ષરયુગમાં આપણું સાહિત્યવિવેચન સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન – મોટું નવપ્રસ્થાન આદરે છે. આ સમયના સાક્ષરો અને વિવેચકો મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી દ્વારા પશ્ચિમની તેમ સંસ્કૃત પરંપરાની પ્રશિષ્ટ કવિતાનો એકસાથે પરિચય પામ્યા છે, તેમ જ બંને પરંપરાની કળાવિચારણા અને કાવ્યશાસ્ત્રનો અમુક અભ્યાસ તેમણે કર્યો છે. એ રીતે વિશાળ સાહિત્ય અને કાવ્યશાસ્ત્રનો સઘન અભ્યાસ કરીને તેઓ કાવ્યતત્ત્વચર્ચા કરવા પ્રેરાયા છે. કાવ્યકળાનાં મૂળભૂત તત્ત્વોની ઓળખમાં તેમની અભ્યાસી તરીકેની મોટી સજ્જતા અને પર્યેષક દૃષ્ટિ ઉપકારક બની છે. કાવ્યચર્ચાના દરેક મુદ્દાની તેઓ વિસ્તૃત અને વ્યવસ્થિત છણાવટ કરવા ચાહે છે. અનેક પ્રસંગે બીજા અભ્યાસીઓની ચર્ચામાં વિવાદાસ્પદ લાગતા મુદ્દાની આમૂલ ફેરતપાસ કરવાનું વલણ તેમણે દાખવ્યું છે. અહીં આપણે એ વાતનો નિર્દેશ કરી લઈશું કે મણિભાઈ અને ગોવર્ધનરામની કાવ્યચર્ચા વિશેષતઃ પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યમાંથી પ્રેરણા લઈને ચાલી છે. પણ આ ગાળામાં રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અંગ્રેજ રોમાન્ટિક કવિઓની કાવ્યભાવનાને પાયામાં રાખીને ચાલે છે. જરા જુદી રીતે કહું તો રોમેન્ટિકોને અભિમત લિરિકના આદર્શને કેન્દ્રમાં રાખીને તેઓ ચર્ચા આરંભે છે. રમણભાઈ નીલકંઠની કાવ્યચર્ચા મુખ્યત્વે ‘કવિતા અને સાહિત્ય’ -૧માં ગ્રંથસ્થ પાંચ મોટા અભ્યાસલેખોમાં સમાઈ જાય છે. કવિતાનું સ્વરૂપ, તેનાં પ્રયોજનો, કાવ્યજન્મમાં પ્રેરણા અને કવિકર્મનું સ્થાન, છંદ પ્રાસ અને કવિત્વરીતિ, વૃત્તિમય ભાવાભાસ અને કાવ્યાનંદ જેવા મૂળભૂત પ્રશ્નો લઈને વ્યવસ્થિત ક્રમમાં તેમણે સમગ્ર કાવ્યચર્ચા વિકસાવી છે. પહેલા વિસ્તૃત લેખમાં વડર્ઝવર્થ શેલી અને કોલેરિજમાંથી પ્રેરણા લઈ કાવ્યસ્વરૂપની જે ચર્ચા તેઓ કરે છે તેમાં કવિતાના સ્વયંભૂ ઉદ્ભવ અને કવિચિત્તની અંતઃપ્રેરણાનો અપૂર્વ મહિમા થયો છે. સાચી કવિતા લિરિકરૂપે જ અવતરે એમ તેમને અભિપ્રેત છે. જોકે શેઇક્સ્પિયરનાં નાટકોની શક્તિ અને સમૃદ્ધિ તેમની એ મૂળ ભૂમિકાને પડકારે છે. વર્ડ્ઝવર્થ એ કવિઓનો કવિ અને શેઇક્સ્પિયર એ જનસમૂહનો કવિ એવા ખ્યાલની પ્રતિષ્ઠા કરતાં તેઓ લિરિકની ઉત્કૃષ્ટતાને આગળ ધરે છે. જોકે મહાકાવ્ય નાટક જેવી દીર્ઘ રચનાઓ તેમને ફરીફરીને પોતાની મૂળ ભૂમિકા ચકાસી જોવા પ્રેરે છે. એ પ્રયત્નમાં એરિસ્ટોટલનો અનુકરણવાદ અને બેકનનો કલ્પનાવાદ એ બે સિદ્ધાંતોને રચનારીતિના ખ્યાલમાં તેઓ સમન્વિત કરવા ચાહે છે. પણ એથીય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત તે કવિત્વરીતિ અને કાવ્યાનંદ જેવા મુદ્દાઓની ચર્ચામાં ભારતીય કાવ્યવિચાર અને પાશ્ચાત્ય કાવ્યવિચારને સાંકળવાની અને તેમાંથી વધુ વ્યાપક સિદ્ધાંત તારવવાની તેમની પ્રવૃત્તિ છે. નરસિંહરાવની કાવ્યવિચારણામાં પણ અંગ્રેજ રોમેન્ટિકોને અભિમત ઊર્મિકાવ્યની વિશેષ પ્રતિષ્ઠા થઈ છે. કાવ્યના ઉદ્ભવમાં મુખ્યત્વે પ્રેરણા જ કામ કરે છે, અને ઊર્મિકવિતા અને સંગીતનો યોગ થતાં પરમ આનંદની સમાધિદશા પ્રાપ્ત થાય છે એમ તેઓ કહે છે. એટલે જ કવિતા અને સંગીતના સૂક્ષ્મ આંતરસંબંધની તેઓ બે ત્રણ લેખોમાં સઘન અભ્યાસપૂર્વકની તાત્ત્વિક ચર્ચા કરે છે. ભારતીય કાવ્યવિચારનો રસસિદ્ધાંત, અલબત્ત, તેમની વિચારણાના પાયામાં છે. બળવંતરાયની કાવ્યચર્ચામાં ‘વિચારપ્રધાન કવિતા’નો વિશિષ્ટ ખ્યાલ ઊપસ્યો છે. કલાપીની કેટલીય રચનાઓમાં અતિઊર્મિલતાનો આવેશ હતો, તો ન્હાનાલાલની અસંખ્ય રચનાઓમાં વાયવ્ય કલ્પનાચિત્રો અને ભાવનાની રંગીન ધૂંધળી ઝાંય વરતાતાં હતાં. વિચારપ્રધાન કવિતાના આદર્શમાં એ પ્રકારના ઉન્મેષો સામે પ્રતિકાર હતો. કાવ્યરચનામાં પ્રસંગ પાત્ર કે બનાવના નિરૂપણમાં બિનઅંગત નક્કર અને સ્પર્શક્ષમ વિગતોનો મહિમા હતો. નોંધવા જેવું છે કે બળવંતરાયે એક અભ્યાસી વિવેચક તરીકેની પોતાની કારકિર્દીના આરંભમાં ‘લિરિક’ શીર્ષકનું સરસ પુસ્તક લખ્યું હતું. જોકે પછીની કાવ્યચર્ચામાં સંસ્કૃત ગુજરાતી અને અંગ્રેજીની જુદા જુદા સ્વરૂપની કૃતિઓ લઈ ચર્ચા કરી છે. આ. આનંદશંકર ધ્રુવનું વિવેચનસાહિત્ય ઘણું વિશાળ અને સમૃદ્ધ છે. કાવ્યતત્ત્વચર્ચાની સાથોસાથ ગ્રંથવિવેચનો, ગ્રંથકારને શ્રદ્ધાંજલિઓ, સાહિત્યપ્રવાહોનાં અવલોકનો એમ અનેકવિધ વિવેચનાત્મક લખાણો તેઓ પ્રગટ કરતા રહ્યા છે. તેમના સમગ્ર ચિંતન વિવેચનમાં સાહિત્ય ધર્મ કેળવણી અને તત્ત્વદર્શનને લગતા મુદ્દાઓ સ્પર્શાતા રહ્યા છે. સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્યની મહાન પ્રશિષ્ટ કૃતિઓથી તેમની રુચિ ઉદાર અને સૂક્ષ્મ બની છે, અને તેમના સાહિત્યવિવેચનને તેમની સંગીન સાક્ષરતાનો આધાર મળ્યો છે. કવિતાવિચારની ભૂમિકામાં તેમને ઇષ્ટ અદ્વૈતદર્શનનો સ્વીકાર થયો છે. અને વિવેચનની ભિન્ન ભિન્ન પરંપરાની કાવ્યચર્ચાને કોઈ વ્યાપક અને સર્વગ્રાહી ભૂમિકાએ સમન્વિત કરવાનો તેમનો મોટો પુરુષાર્થ રહ્યો છે. કવિતાનું સ્વરૂપ, પ્રયોજન, કવિચિત્તના વ્યાપારો અને કવિતાનું બંધારણ જેવા પાયાના મુદ્દાઓની વિચારણામાં ભારતીય આચાર્યો અને પશ્ચિમના પ્લેટો એરિસ્ટોટલ ક્રોચે કોલિંગવુડના વિચારોને તેઓ સાંકળતા રહ્યા છે. કવિતા આત્માની કળા છે – એવી સૌથી વ્યાપક સમન્વિત ભૂમિકાએથી તેઓ ભિન્ન ભિન્ન મતભેદોનું નિરસન કરી આપવા ચાહે છે. સાક્ષરયુગમાં કૃતિવિવેચનની પ્રવૃત્તિ ઘણી ઝડપથી ફૂલીફાલી છે. લગભગ બધા જ સાક્ષરોએ એમાં અર્પણ કર્યું છે. પણ એમાં મણિલાલ, નરસિંહરાવ, બળવંતરાય અને આ. આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોની કૃતિવિવેચનાનો જથ્થો જ ખાસ્સો મોટો છે. પ્રાચીન / મધ્યકાલીન અને અર્વાચીન કવિતા, વિવિધ કાવ્યસ્વરૂપોની તત્ત્વચર્ચા અને તેનાં ઉદ્ભવવિકાસ, નવલકથા નાટક જીવનચરિત્ર નિબંધ આદિ ગદ્યસ્વરૂપોનું વિવેચન – આમ અનેક દિશામાં એ પ્રવૃત્તિ વિકસતી રહી છે. પણ આ જાતનાં વિવેચનો છતાં કાવ્યવિચારની મુખ્ય પ્રેરણા તો કાવ્યજાતિ જ રહી છે. ગદ્યપદ્ય સર્વ સાહિત્યમાં કવિતા જ પરમ પ્રાપ્તિ છે, અને સાહિત્યનાં તત્ત્વોની સાચી ઓળખ અર્થે કવિતાને જ દૃષ્ટિફલકમાં રાખવી જોઈએ એવી સમજ ત્યારે પ્રવર્તતી રહી છે. પણ એ કારણે નાટક નવલકથા ટૂંકી વાર્તા નિબંધ જીવનકથા આત્મકથા વગેરે સ્વરૂપોના કેટલાક આગવા વિશિષ્ટ પ્રશ્નો એમાં ઉપેક્ષિત રહી જવા પામ્યા છે. આપણા સાહિત્યના ઇતિહાસમાં ઈ.સ. ૧૯૧૫થી ૧૯૪૮નો ગાળો ‘ગાંધીયુગ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. સાક્ષરયુગના કેટલાક સર્જકો વિવેચકોની પ્રવૃત્તિ, જોકે, આ સદીના ત્રીજાચોથા દાયકા સુધી જારી રહી દેખાશે. રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોરની સાહિત્યિક પ્રવૃત્તિઓ એનાં નિદર્શનો સમી છે. પણ મહત્ત્વની બાબત એ છે કે ગાંધીયુગમાં ગતિશીલ થયેલાં નવાં પ્રેરક અને પ્રભાવક બળોથી રચાવા લાગેલા નવા સાહિત્યના પ્રવાહો નીચે એ સાક્ષરોની પ્રવૃત્તિ હવે કંઈક ગૌણ બની જતી જણાશે. બલકે, નવા સાહિત્યિક પ્રવાહો અને તેની સાથે અનુસંધાન જાળવતું વિવેચન કંઈક જુદા જ સાહિત્યિક સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે વિકસતાં દેખાય છે. ઈ.સ. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારતમાં પોતાનું જીવનકાર્ય આગળ ધપાવવા આવી પહોંચ્યા. ભારતની આમ જનતાને ઓળખવાને, તેમના મૂળભૂત પ્રશ્નો સમજવાને, અને આપણી રાષ્ટ્રીય ગતિવિધિઓનો તાગ લેવાને આરંભનાં કેટલાંક વર્ષો તો તેમણે જુદા જુદા પ્રાંતોમાં પ્રવાસમાં ગાળ્યાં. પોતાની ક્રાન્તદૃષ્ટિથી તેઓ એમ જોઈ શક્યા કે ભારત માટે માત્ર રાજકીય સ્વતંત્રતાનો કોઈ જ અર્થ નથી. આ દેશની પ્રજાને અજ્ઞાન ગરીબી શોષણ અને અંધશ્રદ્ધાઓથી પણ મુક્ત કરવાની રહેશે. આ પૂર્વે ‘હિંદ સ્વરાજ’ નામે પુસ્તિકામાં ભારતની પ્રજા માટે સાચા સ્વરાજની કલ્પના તેમણે રજૂ કરી હતી. પ્રશ્નોનો પ્રશ્ન ભારતીય સમાજ અને સંસ્કૃતિનું પાયામાંથી નવનિર્માણ કરવાનો છે, અને નવા સમાજની રચનામાં ગ્રામજીવનનું સ્વાવલંબન તે માટે અનિવાર્ય છે એમ તેમણે દર્શાવ્યું. સ્વાતંત્ર્યના આંદોલનમાં ખાદી ઉદ્યોગ, ગ્રામકારીગરી અને કૃષિકાર્ય જેવા આર્થિક સ્વાવલંબનના કાર્યક્રમો ઘડી કાઢ્યા. તે સાથે અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રભાષા હિંદીનો પ્રસાર અને રાષ્ટ્રીય કેળવણી જેવી રાષ્ટ્રઘડતરની પ્રવૃત્તિઓ પણ વિકસાવી. અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ તેમના જીવનકાર્યને આગળ ધપાવવાને સ્થપાયેલી. અને ગુજરાતના રાજકીય જીવનમાં તેમ સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવાહોમાં એ સંસ્થાઓ ઘણી પ્રભાવક રહી છે. ગુજરાતમાં ગાંધીજીના જીવનવિચાર અને રચનાત્મક કાર્યક્રમોને સ્વીકારીને ચાલતી રાષ્ટ્રીય શિક્ષણની બીજી અનેક શાળાઓ અસ્તિત્વમાં આવી. હકીકતમાં, ગાંધીજી અને તેમના અનુયાયી કાર્યકરો દ્વારા ભારતના પ્રાંતેપ્રાંતમાં આવી સંસ્થાઓ ઊભી થઈ. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેની ગાંધીજીની લડત આધ્યાત્મિક નૈતિક સિદ્ધાંતો પર મંડાયેલી હતી. આ પ્રાચીન દેશમાં લાંબા સમયના ચિંતનમંથનને અંતે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અસંગ્રહ એ, પાંચ મહાવ્રતો દૃઢમૂલ થયાં હતાં. ગાંધીજીએ નવી સમાજરચના અર્થે એ મહાવ્રતો અપનાવી લીધાં. વળી રાષ્ટ્રીય મુક્તિની લડતમાં પણ એ મહાવ્રતોને તેમણે જોડી દીધાં. ભારતભરના દરિદ્રનારાયણોનું હિત તેમને હૈયે વસ્યું હતું, અને એ સહાનુકંપાથી તેઓ પોતાની જીવનસાધના વધુ ને વધુ ઉગ્ર બનાવતા ગયા. કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાના તેઓ માર્ગદર્શક અને સૂત્રધાર પણ બન્યા, પણ તેમનું જીવનમંથન એ સંસ્થાના કાર્યક્રમમાં સીમિત થયું નહોતું. પોતાના સાથી કાર્યકરોને પોતાના જીવનમાં આદરેલા સત્યના પ્રયોગોનો ખ્યાલ આપવાને તેમણે આત્મકથા લખી. પણ તે સિવાય ધર્મ કેળવણી નારીઉત્કર્ષ હરિજનોધ્ધાર સમાજરચના આરોગ્ય આદિ જીવનના લગભગ બધા જ વિષયો પર તેમણે ચિંતન કર્યું. નિબંધો લેખો ભાષણો પત્રો કટારલેખો એમ વિવિધ રીતે એમના વિચારો વ્યક્ત થયા છે. ગાંધીજીના જીવનચિંતનમાં ઘણીયે વાર તેમની સામે ઉપસ્થિત થયેલા જટિલ વ્યવહારુ પ્રશ્નો અને પરિસ્થિતિઓ નિમિત્ત રહ્યાં છે. માત્ર સાક્ષરી એષણાથી કે વિદ્યાકીય પ્રયોજનથી તેમણે ભાગ્યે જ કશું લખ્યું હશે. એમાં તેમનું કઠોર આત્મચિંતન અને તેમની ગહનગૂઢ આંતરસૂઝ પ્રગટ થતાં રહ્યાં છે. દરેક સામાજિક ધાર્મિક આર્થિક અને સાંસ્કૃતિક પ્રશ્નને તેઓ ચોક્કસ રાષ્ટ્રીય શ્રેયાશ્રેયના વિશાળ સંદર્ભમાં જુએ તપાસે છે. પ્રાચીન ધર્મગ્રંથો અને આચાર્યોના વિચારો પણ પોતાના અંતઃકરણની કસોટી પર ખરા ઊતરે તો જ તે તેમને સ્વીકાર્ય બને છે. અને, ગાંધીજીના જીવનચિંતનમાં હિંદુધર્મદર્શન, જૈનદર્શન, બૌદ્ધદર્શન, ખ્રિસ્તીધર્મની ભાવનાઓ અને ઇસ્લામનાં મૂળ તત્ત્વો-એ સર્વ સૂક્ષ્મ રસાયન રૂપે પ્રવેશ્યાં છે. શ્રીમદ્ ગીતાનું જીવનદર્શન, અલબત્ત, તેમની જીવનસાધનાનું મુખ્ય પ્રેરણાબળ રહ્યું છે. તેમણે જે કર્મમાર્ગ સ્વીકાર્યો હતો તેનો મુખ્ય આધાર એ જીવનદર્શન રહ્યો છે. અહીં નોંધવા જેવું છે કે ગાંધીજીએ ધર્મભાવનાનું વિશુદ્ધ અને બુદ્ધિગમ્ય રૂપ સ્પષ્ટ કરી આપ્યું. એમાં સામાજિક નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની અસાધારણ પ્રતિષ્ઠા થઈ છે. ગાંધીજીના જીવનકાર્ય અને જીવનવિચારના પ્રસાર અર્થે આમ તો દેશભરમાંથી અસંખ્ય કાર્યકરો અને સ્વયંસેવકો બહાર આવ્યા. પણ અહીં એ સૌની પ્રવૃત્તિઓની વાત કરવાનું જરૂરી નથી. માત્ર ગુજરાતમાં તેમના કેટલાક અંતેવાસીઓ અને અનુયાયીઓનો જ નિર્દેશ કરીશું. કેમ કે એમાંના કેટલાક ચિંતનપરાયણ અને વિદ્યાપ્રેમી કાર્યકરોએ ગાંધીજીની વિચારણાઓનું સતત વિવરણ કરી લોકો સુધી પહોંચાડવાનું વિરલ કર્તવ્ય બજાવ્યું છે. ગાંધીમંડળના લેખકો-ચિંતકોમાં, વિશેષતઃ કાકાસાહેબ કાલેલકર, મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા ભાવે, સ્વામી આનંદ, નરહરિ પરીખ, સંત કેદારનાથ, મગનભાઈ દેસાઈ, જુગતરામ દવે, નાનાભાઈ ભટ્ટ વગેરેનું લેખનકાર્ય ઘણું મહત્ત્વપૂર્ણ છે. આ લેખકો દ્વારા જીવનચિંતનનું સાહિત્ય તો મળ્યું જ, પણ લેખો, વ્યાખ્યાનો, પત્રો, ડાયરીઓ, પ્રવાસકથાઓ, વ્યક્તિચિત્રો વગેરે પ્રકારનું સાહિત્ય પણ વિપુલ જથ્થામાં મળ્યું. એમાં ગાંધીજીએ ખેડેલી સાદી કરકસરયુક્ત અર્થલક્ષી અને અંતરના સત્યનો રણકો ઝીલતી સચ્ચાઈવાળી ગદ્યશૈલીનો વ્યાપક પ્રયોગ છે જ, પણ કાકાસાહેબ મહાદેવભાઈ સ્વામી આનંદ જેવા લેખકો કેટલાક સંદર્ભે રમણીય શૈલી સિદ્ધ કરવાનું વલણ દાખવે છે. ગાંધીજીએ ખેડેલી ગદ્યશૈલીથી એનું પોત ભિન્ન છે. એમાં તેમના વિશાળ અભ્યાસના વિશિષ્ટ સંસ્કારો બેઠા છે. પણ આવી ભિન્ન રીતિઓવાળું તેમનું ગદ્યસાહિત્ય આપણા સાહિત્યની એક અનોખી ઘટના છે. આપણી પ્રાચીન ધર્મ અને નીતિ વિષયક વિચારણા એમાં સહજ બુદ્ધિગમ્ય અને પ્રાસાદિક ગદ્યમાં રજૂ થઈ છે. ગૂઢ રહસ્યવાદ પૌરાણિકતા કે અજ્ઞેયવાદથી અળગા રહી વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રોના પ્રશ્નોની અહીં તર્કકઠોર ભાષામાં રજૂઆત છે. આધુનિક જીવનવ્યવસ્થાને અનુરૂપ એમાં પ્રાચીન દર્શનનું નવું અર્થઘટન છે, પણ તેમાં નૈતિકતાના મુદ્દા પર બધો ભાર છે. પણ ગાંધીજી અને તેમના અનુયાયીઓ દ્વારા નિર્માણ થયેલું સાહિત્ય માત્ર તેમાંના ચિંતનવિશેષને કારણે કે તેમની સાદી ગદ્યશૈલીને કારણે જ નહિ, તેમના ચિંતનમાં રજૂ થતી વિલક્ષણ સાહિત્યભાવનાને કારણે પણ એટલું જ ધ્યાનપાત્ર છે. એ ખરું કે સાહિત્યકળાની વ્યવસ્થિત ચર્ચાવિચારણા કરવામાં તો કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા જેવા કોઈ કોઈ ચિંતકે જ રસ લીધો છે, પણ ગાંધીજી મહાદેવભાઈ સ્વામી આનંદ કે વિનોબા જેવાઓ પ્રસંગેપ્રસંગે કોઈ લેખ વ્યાખ્યાન પત્ર કે ડાયરીમાં આ વિશે પોતાનું દૃષ્ટિબિંદુ મૂકતા રહ્યા છે. તેમની સૌની વિચારણામાં એ રીતે સાહિત્યકળાને લગતો વિશિષ્ટ ખ્યાલ ઊપસતો રહ્યો છે. આપણે જોઈશું કે લલિત સાહિત્યના ક્ષેત્રે મહત્ત્વનું અર્પણ કરનારા સર્જકોમાંથી મુનશી ધૂમકેતુ રમણલાલ દેસાઈ વગેરેની સાહિત્યવિભાવના ક્યાંક મૂળથી જુદી પડે છે. ઉમાશંકર સુંદરમ્ રામનારાયણ પાઠક જેવા વિદ્વાનો એ બંને વિચારસરણીઓ વચ્ચેથી માર્ગ કરવા ચાહે છે. આપણે એ વાત ભારપૂર્વક નોંધવાની રહે છે કે ગાંધીજીના જીવનદર્શનમાં લોકકલ્યાણ અન લોકસેવા સર્વોચ્ચ સ્થાને રહ્યાં છે. એનો અર્થ એ નહિ કે સાહિત્ય સંગીત ચિત્ર શિલ્પ આદિ કળાઓમાં તેમને કોઈ રુચિ જ નહોતી. તેમનાં વિશાળ લખાણોમાં, પ્રસંગે પ્રસંગે તેમના વાચનમાં આવેલી સાહિત્યકૃતિઓ નોંધાયેલી છે, તેમાંથી તેમની વિશિષ્ટ રુચિ અને સૂઝનો સુખદ વિસ્મયકારી પરિચય મળી રહે છે. પણ મહત્ત્વની વાત તો એ છે કે સાહિત્યિક રસરુચિમાં મુક્તપણે વિહરવાનો તેમને અવકાશ નહોતો, અને તેમનાં રસરુચિ તેમનાં કેટલાંક નૈતિક સામાજિક વલણોથી ચોક્કસ દિશામાં ખીલ્યાં હતાં. વર્ધા આશ્રમમાં નિવાસ દરમ્યાન એક મુલાકાતીને તેમણે એમ કહેલું કે ઉત્તમ રીતે જીવવું એ જ સાચી કળા છે. વળી બીજા સંદર્ભમાં તેમણે એમ કહેલું કે માનવસર્જિત કળાઓ કરતાં આ વિશ્વસર્જકનું સર્જન અનેકગણું ચઢિયાતું છે. પણ, આથી ભિન્ન, ૧૯૩૬માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેમણે જે ઉદ્દેશપૂર્વક વક્તવ્ય રજૂ કર્યું તેમાં સાહિત્યકાર પાસેની તેમની અપેક્ષા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કોશ ખેંચતા કોશિયાને કે ખેતમજૂરને ય સમજાય તેવું સાહિત્ય જ તેમને મન સાચું સાહિત્ય લેખાય. અને એ અધિવેશનમાં હાજર રહેલા સાહિત્યકારોને એ પ્રકારનું સાહિત્ય રચવા તેમણે આહવાન કર્યું. ગાંધીજીના આ વક્તવ્યમાં આપણા દેશના જનસામાન્યના શ્રેયની ચિંતા અને નિસ્બત હતી જ, પણ એ સાથે સાહિત્યકાર ચોક્કસ સામાજિક નૈતિક ઉદ્દેશથી લખે એમ પણ તેમને અભિમત હતું. પશ્ચિમમાં ગઈ સદીના કેટલાક ચિંતકોએ – ટોલ્સ્ટોય એમાંના એક છે – કળા માત્ર વસ્તુસંક્રમણ છે એવો જે સિદ્ધાંત રજૂ કરેલો તેમાંથી આ વિચારણાને બળ મળ્યું હોવાનો સંભવ છે. ટોલ્સ્ટોયે તો સાચી કળા ખ્રિસ્તી ધર્મના બે પરમ આદર્શો – પ્રેમ અને ભ્રાતૃભાવ – ખિલવવામાં ઉપકારક થાય એવી અપેક્ષા પણ મૂકી હતી. એટલું જ નહિ, કળાસર્જનમાં ગમે તેવી લાગણીઓ નહિ, વ્યક્તિની નીતિભાવનાને પોષે એવી સ્વાસ્થ્યપૂર્ણ લાગણીઓ જ રજૂ થવી જોઈએ એમ કહ્યું હતું. એ તો સુવિદિત છે કે ગાંધીજી અને તેમના અનુયાયીઓ મહાત્મા ટોલ્સ્ટોય માટે ઊંડો આદર ધરાવતા હતા. એ સમયગાળામાં ટોલ્સ્ટોયના કળાવિચારનો સમર્થ ગ્રંથ ‘કળા એટલે શું?’ ગુજરાતીમાં અનુવાદરૂપે પ્રકાશિત થયો હતો. ગાંધીજી અને તેમના અનુયાયીઓની સાહિત્ય વિષયક દૃષ્ટિમાં સાહિત્ય એ જીવનસાધનાનું જીવનશ્રેયનું સાધન માત્ર છે. સમગ્ર સમાજની નીતિમત્તા અને આચારવિચાર કેળવવામાં જ તેની સાચી ઉપયોગિતા રહેલી છે. કાકાસાહેબ કાલેલકરનું વ્યક્તિત્વ, અલબત્ત, નિરાળું છે. ટાગોરની સૌંદર્યદૃષ્ટિ અને ગાંધીજીની લોકશ્રેયની ભાવના એ બંને તેમના લેખનમાં પ્રેરણારૂપ રહ્યાં છે. એક ચિંતક અને સર્જક તરીકે તેમની કળાદૃષ્ટિની સૂક્ષ્મતા અને તેમની વિદ્યાકીય સજ્જતાનો વારંવાર સુભગ યોગ થતો રહ્યો દેખાય છે. જોકે સહેજ નિકટતાથી અવલોકન કરનારને જણાશે કે તેમની સાહિત્યભાવના કંઈ ગાંધીજીથી ઘણી જુદી નથી. પ્રજાનાં તનમન અને આત્માને પોષે, તેમને પરાક્રમ અને પુરુષાર્થ કરવા પ્રેરે એવા સત્ત્વશીલ સાહિત્યની તેમણે હિમાયત કરી; પ્રજાના અંતરમાં નિર્મળ સાત્ત્વિક અને નિરામય લાગણીઓ જગાડે તેવા સાહિત્ય માટે તેમણે હિમાયત કરી. અંતે તો જીવનદેવતાની જ ઉપાસના કરવાની છે, એ વાત તેમણે ભારપૂર્વક કહી. મહાદેવભાઈ દેસાઈ, કિશોરલાલ, વિનોબા અને સ્વામી આનંદ જેવા ચિંતકોએ લાગણીઓના વિલાસ અને નૈતિકતાનો હ્રાસ જેમાં છતો થાય તેવા સાહિત્યનો અસ્વીકાર કર્યો. ગાંધીજી અને તેમના માર્ગના ચિંતકોની આ પ્રકારની સાહિત્યચર્ચા અને તેમની રુચિવૃત્તિ આપણા આ સમયના સાહિત્યવિવેચન પર કેટલોક સીધો અને પ્રગટપણે, તો કેટલોક સૂક્ષ્મ પ્રચ્છન્નપણે પ્રભાવ પાડે છે. સિદ્ધાંતચર્ચાઓમાં સાહિત્યનું પ્રયોજન, સાહિત્યકારનું શીલ, સાહિત્યની ભાવકો પર પડતી અસર, સાહિત્યકારનું સામાજિક ઉત્તરદાયિત્વ, સાહિત્યકળામાં આવશ્યક સંક્રમણશીલતા, ભાષાશૈલી જેવા મુદ્દાઓની ગાંધીજીએ પ્રબોધેલા નવા વિચારો અને નવાં મૂલ્યોના સંદર્ભે, ચર્ચાઓ આરંભાઈ. રામનારાયણ પાઠક અને ઉમાશંકરના વિવેચનમાં ગાંધી પ્રભાવ સ્પષ્ટ રીતે વરતાઈ આવે છે. વિષ્ણુપ્રસાદ દ્વિવેદી જેવા રંગરાગી વૃત્તિના ચિંતક પણ સાહિત્યની સંક્રમણશીલતાના વિચારને પોતાની ભૂમિકામાં સ્વીકારી લે છે. પણ આથી વિશેષ કૃતિવિવેચનમાં નૈતિક પ્રભાવનો મુદ્દો પણ આપણા વિવેચનમાં ઓછેવત્તે અંશે નિર્ણાયક બની રહે છે. કનૈયાલાલ મુનશીએ નીતિ તો કળાની વિષકન્યા છે એવું પ્રતિપાદન કર્યા પછી એની પ્રતિક્રિયારૂપે એ સમયના અનેક વિવેચકોએ એ પ્રશ્નની ઝીણવટભરી ચર્ચાઓ કરી છે. આ. આનંદશંકર ધ્રુવ, રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી વગેરે સૌ અગ્રણી વિદ્વાનોએ સાહિત્યકળાના પ્રશ્નો અંગે જે ચર્ચાઓ કરી તેમાં પ્રગટપણે અને સ્પષ્ટરૂપમાં કળા અને નીતિના સંબંધના મુદ્દાને ય તેઓ ચર્ચતા રહ્યા છે. અહીં એમ નોંધવું જોઈએ કે ગાંધીવિચારના પ્રભાવ ઉપરાંત આપણા સર્જન-વિવેચન પર બીજી કેટલીક વિચારણાઓ અને આંદોલનોની પણ ઓછીવત્તી અસર પડી છે. એ પૈકી કવિવર ટાગોરના સાહિત્યમાં રજૂ થતું માનવદર્શન અને તેની સાથે સંપૃક્ત તેમના સૌંદર્યવાદની ય આપણે ત્યાં અસર પડી છે. ગાંધીજીની વિચારણામાં માનવીના નૈતિક આધ્યાત્મિક વિકાસ પર જ સર્વ ધ્યાન કેન્દ્રિત થયું હતું : સૌંદર્યવાદની તેમાં ઝાઝી પ્રતિષ્ઠા નહોતી. જોકે ગાંધીમંડળના જ લેખકોમાં કાકાસાહેબ કાલેલકર અને મહાદેવભાઈ દેસાઈ રવીન્દ્રનાથની સૌંદર્ય દૃષ્ટિથી પ્રભાવિત થયા હતા. પણ એ સિવાય ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ શ્રીધરાણી પ્રહ્લાદ રાજેન્દ્ર શાહ આદિ સાહિત્યકારોમાં પણ રવીન્દ્રનાથનાં દર્શનચિંતન અને તેમના કાવ્યસૌંદર્યની કોઈ ને કોઈ પ્રેરણા જોઈ શકાશે. આ ગાળામાં રશિયન ક્રાંતિ અને તેની સાથે જોડાયેલી સામ્યવાદ અને પ્રગતિવાદ જેવી વિચારધારાઓ પણ સીમિત રૂપમાં આપણા સર્જાતા સાહિત્યને અને કંઈક અંશે આપણા વિવેચનને ય પ્રભાવિત કરી ગઈ છે. ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સુંદરમ્ બકુલેશ જયંત ખત્રી ભોગીલાલ ગાંધી જેવા લેખકોમાં એ વિચારધારાની અમુક અસરો જોઈ શકાશે. પણ જે સમયખંડને આપણે ગાંધીયુગ તરીકે ઓળખાવીએ છીએ તેમાં ગાંધીજી અને તેમના અનુયાયી ચિંતકોના લેખનકાર્યની સાથોસાથ લલિત સાહિત્યમાં ય અવનવા પ્રવાહો વહેતા રહ્યા છે. જોકે એ સર્વ પ્રવાહોનું વિગતે વર્ણન કરવાને અહીં અવકાશ નથી. પણ આપણા વિવેચનમાં બદલાતા જતા સર્જનલક્ષી સંદર્ભોને અનુલક્ષીને કેટલાંક મહત્ત્વપૂર્ણ અવલોકનો સંક્ષેપમાં નોંધીશું. (૧) સાક્ષરયુગમાં કાન્ત કલાપી નરસિંહરાવ બ. ક. ઠાકોર અને ન્હાનાલાલ આદિ કવિઓએ ખેડેલી ઊર્મિકવિતા ગાંધીદર્શન અને બીજાં પરિબળોના પ્રભાવ નીચે નવસંસ્કરણ પામે છે. રાષ્ટ્રભાવના, દલિતપીડિતો પ્રત્યે અનુકંપા, વિશ્વશાંતિ, માનવપ્રેમ, સેવા સ્વાર્પણ અને આત્મબલિદાન, ત્યાગ અને સાહસ, સર્વ બંધનોમાંથી મુક્તિ, અંધકારમાંથી પ્રકાશલોકમાં જવાની ઝંખના – એમ ગાંધીદર્શન અને અન્ય વિચારધારાઓના પ્રભાવ નીચે નવી ઊર્મિકવિતાની વિષયવસ્તુ બદલાઈ ગઈ. પ્રકૃતિપ્રેમ, અંગત પ્રણયઝંખના, અધ્યાત્મ ઝંખના જેવી કવિની અંગત અનુભૂતિઓમાં ય આ વિચારધારા અને એમાં ઊપસતાં મૂલ્યોનું અનુસંધાન થતું રહ્યું. કવિતાની પ્રેરણારૂપ વિષય ગમે તે હો, કવિની ચિંતનપ્રક્રિયા એની સાથે જોડાયેલી રહે છે. એવી ઘણીએક રચનાઓ વિશેષ રીતે નૈતિક શ્રેયનો રણકો જગાડે છે. બ.ક.ઠા.ને અભિમત વિચારપ્રધાન કવિતાની ભાવનાનું આ ઊર્મિકાવ્યના પ્રવાહને મોટું બળ મળ્યું છે. સૉનેટ પ્રકાર ઊર્મિકાવ્યની જ એક વિશિષ્ટ સંરચનાવાળી કાવ્યરચના હોઈને તેમાં આ જ વલણો વધુ એકાગ્ર રૂપે જોવા મળે છે. કાન્તે ખેડેલા ખંડકાવ્યનું રહસ્ય નિરાળું રહ્યું છે : એની રચનારીતિ અને પદ્યબંધ નિરાળાં છે : પણ તેથીય મહત્ત્વની વાત એ છે કે આ સ્વરૂપમાં પુરાણ/દંતકથા કે એવાં જ રહસ્યમંડિત ઐતિહાસિક વૃત્તાંતોનો આધાર લેવાયો છે. છતાં એમાંનાં કેટલાંક ખંડકાવ્યોમાં નવાં મૂલ્યો સાકાર કરવાના પ્રયત્નો થયા છે. આ સદીના આરંભના બેત્રણ દાયકાઓ સુધી ન્હાનાલાલની કવિતાનો ઘેરો પ્રભાવ આપણી કવિતા પર પડતો રહ્યો છે. બળવંતરાયની કાવ્યલેખનની પ્રવૃત્તિ તો આ સદીના આખા ય પૂર્વાર્ધ પર પ્રભાવ પાડતી રહી છે. તરુણ પેઢીના કવિઓમાં ઉમાશંકર સુંદરમ્ સ્નેહરશ્મિ મેઘાણી મનસુખલાલ ઝવેરી બેટાઈ માણેક ચંદ્રવદન મહેતા રામનારાયણ પાઠક શ્રીધરાણી વગેરેનું કાવ્યલેખન આ સમયનાં નવાં વિચારવલણો ઝીલતું હોઈ એક વિશેષ તબક્કો રચે છે. (૨) ગાંધીયુગમાં નવલકથા વાર્તા જેવું સાહિત્ય, એકાંકી અને અનેકાંકી નાટક, અને જીવનચરિત્ર આત્મકથા પ્રવાસકથા નિબંધ અને પત્ર જેવાં ગદ્યસ્વરૂપો આ સમયનાં પરિબળો નીચે જુદી જુદી રીતે ખેડાતાં રહ્યાં છે. આ સદીના બીજા દાયકામાં મુનશીએ સામાજિક અને ઐતિહાસિક વૃત્તાંતો લઈ, અને પાછળથી પૌરાણિક વસ્તુ લઈ, અનેક નવલકથાઓ રચી. એ જ રીતે રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય જેવા લેખકોએ પણ ભિન્ન ભિન્ન વિષયવસ્તુઓ લઈ નવલકથાઓ રચી. આ પૈકી મુનશી રમણલાલ અને મેઘાણીએ પોતાની સામાજિક કથાઓમાં નવી વિચારણાઓ નવા સમયપ્રવાહો કે નવી સમસ્યાઓ રજૂ કરવાનું વલણ દાખવ્યું છે. પણ સામાજિક યથાર્થની પકડ એમાં બહુ ઓછી વાર જોવા મળે છે. રસિક કથા કહેવાની વૃત્તિ ખરી, પણ સંસારસુધારાની પ્રવૃત્તિના પરિણામરૂપે કોઈ આદર્શ સમાજની કલ્પના એમાં પ્રવર્તતી રહી છે કે ભાવનાના ઘેરા રંગો આલેખાયા છે કે શુભમંગળમાં શ્રદ્ધાનો આધાર લઈ સુખપ્રધાન ચિત્રો રજૂ થયાં છે. ચોથા દાયકાના અંત ભાગમાં પન્નાલાલ પેટલીકર અને મડિયા જેવા લેખકોએ પોતપોતાના અનુભવમાં આવેલા તળ ગ્રામજીવનની નવલકથાઓ લખવી શરૂ કરી. એ લેખકોમાં યે સૂક્ષ્મ પ્રચ્છન્નપણે રંગરાગી વૃત્તિ કામ કરતી રહી છે. જોકે કેટલાક સંદર્ભે કઠોર ગ્રામજીવનની વાસ્તવિકતાનું વેધક ચિત્રણ તેઓ કરી શક્યા છે. ટૂંકી વાર્તા તો આ સદીના આરંભકાળમાં ખેડાતી થઈ. પહેલા બે દાયકા દરમ્યાન ધનસુખલાલ, મુનશી અને મલયાનિલે આ સ્વરૂપ ખેડવાના પ્રયત્નો કર્યા. આ તબક્કે હજી એ ઘડતરદશામાં જ રહ્યું છે. ત્રીજાચોથા દાયકામાં ધૂમકેતુ દ્વિરેફ ઉમાશંકર સુંદરમ્ સ્નેહરશ્મિ મેઘાણી બ્રોકર વગેરે લેખકોએ આ સ્વરૂપને ઘણું સમૃદ્ધ રીતે ખેડ્યું. એ પૈકી દ્વિરેફ ઉમાશંકર સુંદરમ્ મેઘાણી આદિની વાર્તાઓ સમાજજીવનની કઠોરકારમી વાસ્તવિકતાઓને સમર્થરૂપે નિરૂપે છે. ચોથાપાંચમા દાયકામાં પન્નાલાલ પેટલીકર મડિયા બકુલેશ જયંત ખત્રી જયંતિ દલાલ વગેરે લેખકો ગ્રામીણ જીવનની તેમ શહેરી જીવનની વિષયવસ્તુ લઈ વાર્તાઓ રચવા પ્રેરાયા છે. મુનશી, રમણલાલ, ચંદ્રવદન મહેતા વગેરે લેખકોએ જુદી જુદી રીતિનાં દીર્ઘ નાટકો લખ્યાં. એ પૈકી ચંદ્રવદનની નાટ્યક્ષેત્રની પ્રવૃત્તિઓ વિશેષ ધ્યાનપાત્ર છે. પરસ્પરથી સર્વથા ભિન્ન નાટ્યવિષયોની પસંદગી તો ખરી જ, પણ નાટકની રચના અર્થે પરંપરાગત શૈલીઓ અને પદ્ધતિઓની સાથોસાથ તેમાં પ્રયોગો કરવાની વૃત્તિ પણ આપણું ધ્યાન રોકે છે. જોકે આવા કેટલાક લેખકોના નાટ્યલેખન છતાં એની કોઈ આગવી પરંપરા આપણે ત્યાં રચાવા પામી નથી. એકાંકી સ્વરૂપમાં ચંદ્રવદન, યશવંત પંડ્યા, પ્રાણજીવન પાઠક, ઉમાશંકર, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ આદિ લેખકોની પ્રવૃત્તિ ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં ઈશાન ગુજરાતના ગ્રામીણ સમાજના કરુણ વિષમ સંયોગોમાંથી એકાંકીને અનુકૂળ વસ્તુ શોધી લીધું. એમાં પ્રાદેશિક બોલીનો અસાધારણ સામર્થ્યથી ઉપયોગ થયો છે. જયંતિ દલાલે એકાંકીની રચનામાં અનેકવિધ પ્રયોગો કર્યા. (૩) આ ગાળામાં આત્મકથા, ચરિત્રકથા, નિબંધ, પ્રવાસકથા, ડાયરી, પત્ર જેવાં વિભિન્ન ગદ્યસ્વરૂપો વિભિન્ન શૈલીએ ખેડાતાં રહ્યાં. આત્મકથાના ક્ષેત્રે ગાંધીજીની કૃતિ ‘સત્યના પ્રયોગો’ માત્ર ગુજરાતી કે ભારતીય સાહિત્યના સ્તરે જ નહિ, વિશ્વસાહિત્યમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી શકી. એક મહાત્માની જીવનસાધનાનું – સત્યશોધનું – એમાં સૌથી પ્રામાણિક ચિત્રણ આપણને પ્રાપ્ત થાય છે. આ ગાળામાં સાક્ષરયુગના નિબંધો સાથે સાતત્ય જાળવતા નિબંધોનું સ્વરૂપ ખેડાતું રહ્યું છે. જોકે વિચારસામગ્રી અને ગદ્યશૈલીના સ્તરેથી એમાં ચોખ્ખો બદલાવ આવ્યો છે. પણ વધુ રસપ્રદ બાબત તો એ છે કે બિનંગત અને ગંભીર સ્તરની વિચારણાવાળા નિબંધોના વિસ્તાર વચ્ચેથી હળવી રગના, હાસ્યવિનોદથી મંડિત કે નિબંધકારના અંગત જીવનના અનુભવોથી મંડિત નિબંધોનો પ્રવાહ ફૂટી નીકળ્યો. વળી લલિત મનોહર ગદ્યની છટાવાળા રસલક્ષી નિબંધોય પ્રગટ થયા. કાકાસાહેબના પ્રકૃતિદર્શનના તેમ આકાશદર્શનના નિબંધો એમાં સૌથી વધુ ધ્યાનપાત્ર છે. આ સદીના પહેલાબીજા દાયકામાં જ આપણે ત્યાં સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે, આમ, અનેક દિશામાં નવા ઉન્મેષો અને નવા પ્રવાહો જન્મે છે. તે સાથે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરા વધુ ને વધુ ખૂલતી ગઈ. ભિન્ન ભિન્ન સમયના કવિઓ અને કૃતિ, કાવ્યનાં ભિન્નભિન્ન સ્વરૂપો ઉપરાંત નવાં ઉદ્ભવેલાં ગદ્યસ્વરૂપો, ભિન્નભિન્ન યુગના સાહિત્ય પ્રવાહો અને તેની પશ્ચાદ્ભૂમિકામાં રહેલી સામાજિક સાંસ્કૃતિક પરંપરાઓ વગેરે – એમ જુદા જુદા સ્તરેથી આપણા વિવેચનની પ્રવૃત્તિ જે રીતે વિકસતી ગઈ તેમાં વ્યાપક સાહિત્યનો સંદર્ભ સ્વીકારાતો ગયો. એમાં પણ સંસ્કૃત અને પાશ્ચાત્ય પરંપરાની મહાન પ્રશિષ્ટ કૃતિઓ કૃતિવિવેચનનાં ધોરણો અને કસોટીઓનો મુખ્ય આધાર બની રહી. મહાકાવ્ય નાટક આખ્યાન પ્રબંધ નવલકથા વાર્તા લિરિક જેવાં સ્વરૂપોમાં સાહિત્યિક ગુણસમૃદ્ધિને ધ્યાનમાં લઈ ઉચ્ચાવચ્ચ ક્રમ ગોઠવવાનું વલણ જન્મ્યું. આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય, રામનારાયણ, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર આદિ અભ્યાસીઓએ મહાકાવ્ય અને નાટક જેવાં દીર્ઘ ફલકનાં સ્વરૂપોમાં સાહિત્યકળાનો પરમોત્કર્ષ જોયો, અને સાહિત્યકળાના શાશ્વત સિદ્ધાંતો એ સ્વરૂપોમાંથી જ તારવવા જોઈએ એવી સમજથી કાવ્યવિચાર વિકસાવ્યો. આ સદીના પૂર્વાર્ધમાં, એટલે કે આધુનિકતાવાદી આંદોલનના ઉદ્ભવ સુધીના ગાળામાં, અહીંતહીં, કેટલીક અપવાદરૂપ વિવેચન વિચારણા બાદ કરતાં, એકંદરે, એમાં પ્રશિષ્ટ સાહિત્યની પ્રેરણા જ કામ કરી રહી દેખાય છે. આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય, રામનારાયણ, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર આદિ આપણા અગ્રણી વિવેચકો, મહાકવિ અને મહાકાવ્યનો જે રીતે મહિમા કરવા પ્રેરાયા છે તે ઘણી સૂચક બાબત છે. સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્યની મહાન પ્રશિષ્ટ કૃતિઓ પર તેમની દૃષ્ટિ ઠરેલી છે. કવિપુરુષની ઓળખ કરતાં તેઓ તેને કવિ મંત્રદૃષ્ટા ક્રાન્તદૃષ્ટા મનીષી તરીકે બિરદાવે છે. અહીં એમ નોંધવું જોઈએ કે સંસ્કૃત અલંકારશાસ્ત્રના રસ ધ્વનિ રીતિ અલંકાર ઔચિત્ય જેવા સિદ્ધાંતોનું માત્ર વિવરણ કરવાના પ્રયત્નો ય થયા છે. એ રીતે આપણા સાહત્યવિચારમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના સિદ્ધાંતોનું વિવરણ અર્થઘટન કે તેની તાત્ત્વિક ફેરતપાસનું સાહિત્ય પણ ઠીક ઠીક જથ્થાનું થવા જાય છે. પાશ્ચાત્ય વિવેચનના અમુક મુદ્દાઓ પર વિચારણા કરતાં લખાણોય મળે છે. પણ આ અભ્યાસીઓનું બળવાન વલણ તે સંસ્કૃત અને પાશ્ચાત્ય કાવ્યચર્ચાના અમુક અમુક અભીષ્ટ વિચારો અને વિભાવનાઓ લઈ તેનો સમન્વય કરતા જવાનું દેખાય છે. અલબત્ત, કોઈ અભ્યાસી સંસ્કૃત વિચારમાંથી વધુ પ્રેરણા લે અને પાશ્ચાત્ય વિચારણાને સંસ્કૃતની ભૂમિકાએથી આમેજ કરી લેવા ચાહે, તો બીજો અભ્યાસી પાશ્ચાત્ય સિદ્ધાંતના માળખામાં સંસ્કૃતના વિચારને ગોઠવી આપવા ચાહે. આ સંદર્ભમાં આ. આનંદશંકરનું કાવ્યચિંતન એકદમ ધ્યાન ખેંચે છે. ભારતીય ચિંતનમાંથી રસસિદ્ધાંતની ભૂમિકાએથી તેઓ સંસ્કૃત અને પશ્ચિમના પરસ્પર ભિન્ન અનેક સિદ્ધાંતોને સાંકળી લેવાનો તેમનો મોટો પુરુષાર્થ રહ્યો છે. બળવંતરાય અને વિષ્ણુપ્રસાદમાં વિશેષ ઝોક પાશ્ચાત્ય વિવેચન તરફ છે. તો રામનારાયણ પાઠક સંસ્કૃત કાવ્યવિચારની વ્યાપક ભૂમિકાએથી પશ્ચિમના કળાવિચારને સાંકળતા રહ્યા છે. ઉમાશંકરમાં બંને પરંપરાના તેજસ્વી વિચારોનો સમન્વય દેખાય છે. આ ગાળાના આપણા સાહિત્યચિંતનમાં તાત્ત્વિક પ્રશ્નોની માંડણી પરત્વે બે બાજુઓ આપણે ધ્યાનમાં લેવાની રહે છે. એક બાજુ એ કે આગલી સદીના ઉત્તરાર્ધની કાવ્યચર્ચા સામે આ સદીમાં વિશાળ સાહિત્યપ્રવૃત્તિનો સંદર્ભ સિદ્ધાંતચર્ચામાં પ્રવેશવા લાગ્યો છે. હવે માત્ર લિરિક કે કવિતાનો સંદર્ભ જ નહિ, અર્વાચીન સમયનાં નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, આત્મકથા, જીવનચરિત્ર, નિબંધ, પ્રવાસકથા આદિ ગદ્યપ્રકારોની સાહિત્યિકતાનો સંદર્ભ ય સ્વીકારાય છે. ‘કાવ્યશાસ્ત્ર’માંની ‘કાવ્ય’ સંજ્ઞા ‘સાહિત્ય’ના વ્યાપક અર્થમાં યોજાતી દેખાશે. આ. આનંદશંકરની સિદ્ધાંતચર્ચામાં જ ‘કાવ્ય’ સંજ્ઞાનો સંકેત વિસ્તરી રહે છે. બળવંતરાય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉમાશંકર જેવા અભ્યાસીઓની સિદ્ધાંતચર્ચાનું ઝીણવટભર્યું અવલોકન કરતાં તરત સ્પષ્ટ થશે કે સાહિત્ય અને પ્રજાજીવનનો સંબંધ, સમાજ પરત્વે લેખકનો ધર્મ, વાચકો પર સાહિત્યનો પ્રભાવ અને તેની નૈતિકતાના પ્રશ્નો, લેખકનું શીલ અને શૈલી, કૃતિવિવેચનમાં સામાજિક નૈતિક મૂલ્યોની પ્રતિષ્ઠા, મહાન પ્રશિષ્ટ કૃતિ અને સાંસ્કૃતિક પરિસ્થિતિ – જેવા પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં આવતા જાય છે. સાહિત્યકૃતિ કોઈ સ્વયંભૂ પ્રેરણાની નીપજ નહિ : સામાજિક સાંસ્કૃતિક પરબિળોથી ઘડાતી વસ્તુ છે. સાહિત્યકાર સમાજ વચ્ચે જન્મ્યો અને ઊછર્યો છે, અને સમાજ વચ્ચે રહીને તે લેખનકામ કરે છે. તેની સમાજ સાથેની અમુક ક્રિયાપ્રતિક્રિયા તેના સર્જનમાં પ્રવેશે છે. અલબત્ત, અહીં એમ અભિપ્રેત નથી જ કે લિરિક સ્વરૂપની ચર્ચા હવે બંધ થઈ છે, માત્ર એટલું જ અભિપ્રેત છે કે સાહિત્યચર્ચાની ભૂમિકા વ્યાપક બની છે : તેના પ્રશ્નો વધુ સંકુલ અને અટપટા બન્યા છે. સાહિત્યકૃતિ માત્ર રસકીય આવિષ્કાર નથી : સ્વયં એક સાંસ્કૃતિક સંકુલ પણ છે. પણ આ અભ્યાસીઓની સાહિત્યચર્ચામાં દરેકે છણવા ધારેલા પ્રશ્નોની માંડણી સ્વયં અવલોકન માગે છે. હકીકતમાં, આ અભ્યાસીઓ જે રીતે ચર્ચા વિકસાવવા ચાહે છે તેમાં તેઓ કંઈક આગવી પદ્ધતિએ ચિંતન કરતા હોવાનું જણાય છે, તેમની જીવન અને કળા વિષયક ધારણાઓમાં ક્યાંક મૂળથી જ ફરક દેખાશે. આ. આનંદશંકર ધ્રુવ તો, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અદ્વૈતદર્શનની ભૂમિકાએથી કાવ્યવિચાર વિકસાવે છે. માનવ-આત્માના ચાર મુખ્ય વ્યાપારો – લાગણી, બુદ્ધિ, નીતિ અને આધ્યાત્મિકતા એ સર્વ કાવ્યના જીવાતુભૂત અંશો છે. કવિતા અને ધર્મ વચ્ચે, કવિતા અને નીતિ વચ્ચે આથી કોઈ વિરોધ જ સંભવતો નથી. બળવંતરાયે આ વિશ્વના જીવનક્રમને નરી બૌદ્ધિક ભૂમિકાએથી સ્વીકાર્યો છે. કવિતાકળા કવિતાસૌંદર્ય સત્ય અને નીતિ સર્વ તત્ત્વો ઉત્ક્રાંતિના ક્રમમાં વધુ ને વધુ વ્યાપક બનતાં જાય છે એમ તેમને અભિપ્રેત છે. રામનારાયણ પાઠકની સાહિત્યચર્ચા આધુનિક માનસશાસ્ત્ર અને કળાવિચારની પ્રેરણા લઈ એક જુદી જ ભૂમિકાએથી વિકસે છે. વિષ્ણુપ્રસાદના સાહિત્યચિંતનમાં સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે રસ અને સૌંદર્યની મીમાંસા થઈ છે. ઉમાશંકરમાં સમગ્ર રાષ્ટ્રીય ચેતનાનો સઘન સ્પર્શ છે. પૂર્વપશ્ચિમના અસંખ્ય મહાન સાહિત્યકારો અને આચાર્યોની સાહિત્યચર્ચામાંથી પ્રેરણા લઈને તે વિકસી છે. એમાં સાહિત્યિક પરંપરાઓનો સ્વીકાર છે તે સાથે સામાજિક સાંસ્કૃતિક પરિબળોનું ય મહત્ત્વ છે. કવિ સુંદરમ્ના આરંભના સાહિત્યચિંતનમાં, ઉમાશંકરની જેમ અમુક સામાજિકતાનો સ્વીકાર છે. પણ પછીથી શ્રી અરવિંદના પૂર્ણયોગના પ્રભાવ નીચે તેમની કાવ્યચર્ચાની મૂળ ભૂમિકા જ બદલાઈ જાય છે. આ સદીમાં આપણા સાહિત્યની ગતિવિધિઓ વધુ સંકુલ અને પરસ્પર સંલગ્નિત બનતી રહી છે. વિશાળ સર્જનાત્મક સાહિત્યમાં મુખ્યગૌણ એવા પ્રવાહો ક્યાંક સમાંતર વહે છે, ક્યાંક પરસ્પરમાં ભળે છે, ક્યાંક મુખ્ય પ્રવાહ વચ્ચેથી કોઈ ગૌણ પ્રવાહ અલગ પડે છે. એ દૃષ્ટિએ, ત્રીસીના અંતભાગ અને છઠ્ઠા દાયકાના મધ્યમાં આધુનિકતાવાદી આંદોલનના પહેલા સંચલન વચ્ચે, આપણી કવિતામાં એક સૌંદર્યલક્ષી ધારા ખાસ નોંધ માગે છે. (આ જ ગાળાના આપણા કથાસાહિત્યમાં એવી કોઈ સૌંદર્યચેતના કામ કરી ગઈ હોય એમ દેખાતું નથી) પ્રહ્લાદ પારેખ, રાજેન્દ્ર શાહ, હરિશ્ચંદ્ર ભટ્ટ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, જયંત પાઠક, ઉશનસ્, બાલમુકુંદ, વેણીભાઈ, હરીન્દ્ર દવે, હસમુખ પાઠક અને નલિન રાવળ જેવા કવિઓની એક નવી પેઢી આ સમયે આગવી આગવી રીતિએ કાવ્યલેખન આરંભે છે. એ પૈકી કેટલાક કવિઓ કાવ્યબાની વિચારવસ્તુ કે ભાવનાબોધની ભૂમિકાએ હજી ય ત્રીસીની ચિંતનપ્રધાન કવિતાને અનુસરતા દેખાય છે. જોકે એવા કવિઓ પણ આ ગાળામાં પ્રતિષ્ઠિત થવા લાગેલી નવી કવિતારીતિ કે અભિવ્યક્તિ સાથે સંવાદ સાધી લે છે. ત્રીસીની કવિતા અને આધુનિકતાવાદના આંદોલન વચ્ચે દોઢબે દાયકાની આપણી આ કવિતા, વચલી સંક્રમણ દશાની પણ, એક અલગ અને ચોક્કસ તબક્કારૂપ છે : કવિતાના સૌંદર્યનિર્માણ પાછળ સૂક્ષ્મ કોમળ રસદૃષ્ટિ એમાં પ્રવર્તે છે. પ્રખર વિચારવસ્તુ નહિ, વિશુદ્ધ કોમળ ઊર્મિસંવેદનોનો એમાં સ્વીકાર છે. એની અભિવ્યક્તિમાં રુચિકર તાઝગીભર્યાં કલ્પનો અને પ્રતીકો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિ અને સજીવ સંવાદી લય સાથે શબ્દની માવજત થાય છે. પ્રહ્લાદ પારેખની કવિતામાં પ્રગટેલી ઐન્દ્રિયિક સમૃદ્ધિને ધ્યાનમાં લઈ ઉમાશંકરે તેમની કવિતાને આંખ કાન અને નાકની કવિતા તરીકે ઓળખાવી હતી. રાજેન્દ્ર શાહની કવિતાના પ્રભાવના મૂળમાં પણ વિશેષતઃ તેમની ગહન સૂક્ષ્મ સંવેદનાઓ અને સાથોસાથ તેમની અભિવ્યક્તિમાં પ્રયોજાતાં રહેલાં તાઝગીભર્યાં ચેતોહર કલ્પનો અને પ્રતીકો રહ્યાં છે. હરિશ્ચન્દ્ર ભટ્ટ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, ઉશનસ્ આદિ કવિઓની કવિતા પણ આ જ રીતે પ્રયોગ કરતી રહી છે. છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધમાં જ આધુનિકતાવાદી વિચારવલણોનો આપણા સાહિત્યમાં સ્પષ્ટ પ્રભાવ વરતાવા લાગે છે, અને એ દાયકાના અંત સુધીમાં તો એ એક બળવાન આંદોલનના રૂપમાં આપણા સર્જાતા સાહિત્ય પર છવાઈ જાય છે. તરુણ સાહિત્યકારોના અગ્રણી સુરેશ જોષી એ આંદોલનના મુખ્ય પ્રણેતા બની રહ્યા. તેમણે કળાનું પ્રાણતત્ત્વ તેની રૂપનિર્મિતિ જ છે એમ ભારપૂર્વક પ્રતિપાદન કર્યું. કળામાં તેમના મતે રૂપનિર્માણ અને તેમાં સાધનભૂત રચનારીતિ (ટેક્નિક) જ સર્વસ્વ છે. તેમની કળાવિચારણામાં પશ્ચિમના આધુનિકતાવાદી સાહિત્ય અને આધુનિક કળામીમાંસાની સીધી પ્રેરણા રહી છે. પ્રતીકવાદ કલ્પનવાદ અતિવાસ્તવવાદ અસ્તિત્વવાદ આદિમતાવાદ જેવા વાદો અને વિચારધારાઓ, અલબત્ત, અલગ આંદોલનરૂપે આપણે ત્યાં આવ્યાં નથી. સુરેશ જોષી, કિશોર જાદવ, મધુ રાય, રાધેશ્યામ શર્મા, સુમન શાહ, શિરીષ પંચાલ, ચંદ્રકાન્ત ટોપીવાલા, આદિની કળાવિચારણાઓમાં એ જુદી જુદી રીતે ઝિલાયાં છે. આધુનિક સાહિત્યમાં પરંપરાગત સાહિત્ય સામે જબરજસ્ત પ્રતિક્રિયા છતી થઈ છે. સર્જકતા અને ભાષાકર્મનો એમાં અસાધારણ મહિમા થયો છે. નિરંતર નવા આકારો રચવાનો અને અવનવી રચનારીતિઓ સભાનપણે યોજવાનો એમાં આગ્રહ રહ્યો છે. આપણા સર્જનાત્મક સાહિત્યના પ્રવાહમાં આથી મોટા વળાંકો આવ્યા. અલબત્ત, આધુનિકતાવાદનો વધુ વ્યાપક અને તળગામી પ્રભાવ આપણી કવિતા, ટૂંકી વાર્તા અને લલિત નિબંધના પ્રકારમાં જોવા મળ્યો. જ્યારે નવલકથા અને નાટક જેવાં સ્વરૂપોમાં એ ઠીકઠીક સીમિત રહ્યો. આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરિત આપણા આ સાહિત્યમાં આકાર રચનારીતિ શૈલી અને અભિવ્યક્તિના સ્તરોએથી અવનવા પ્રયોગો કરવાનું અતિ પ્રબળ વલણ કામ કરતું રહ્યું. તરુણ પેઢીના અનેક સર્જકો કંઈક આગવાં વલણોથી પ્રેરાઈને નવી નવી દિશાઓમાં પ્રવૃત્ત થતા ગયા. એ સર્વ આકારવૈવિધ્ય અને પ્રયોગશીલતાને લક્ષમાં લેતાં તેનો સર્વગ્રાહી પરિચય આપવાને અહીં અવકાશ નથી. એ સંદર્ભમાં માત્ર એટલું જ નોંધીશું કે સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, કિશોર જાદવ, મધુ રાય, રાધેશ્યામ શર્મા, જ્યોતિષ જાની, શ્રીકાન્ત શાહ, પ્રબોધ પરીખ, ઘનશ્યામ દેસાઈ, ચિનુ મોદી, આદિલ મન્સુરી, સુમન શાહ, ચંદ્રકાન્ત ટોપીવાળા, ભૂપેશ અધ્વર્યુ જેવા સર્જકોમાં આધુનિક વિચારવલણો વધુ તીવ્ર અને સઘન રૂપે દેખા દે છે. જોકે પરંપરાગત સાહિત્ય સાથે વત્તુંઓછું અનુસંધાન કેળવીને ચાલનારા છતાં આધુનિકોની રચનારીતિ કે અભિવ્યક્તિનો પ્રગટ કે પ્રચ્છન્ન પ્રભાવ ઝીલી આગવા માર્ગે ચાલનારા કવિઓ લેખકોની બેત્રણ પેઢીઓ આ ગાળામાં સમાંતરે લેખન કરી રહી છે. એમાં દર્શક, રઘુવીર ચૌધરી, મોહમ્મદ માંકડ, સરોજબેન પાઠક, ધીરુભાઈ પરીખ, ભગવતીકુમાર શર્મા વગેરેની સાહિત્યપ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. રમેશ પારેખ, અનિલ જોશી, રાજેન્દ્ર શુકલ, મનોજ ખંડેરિયાની કાવ્યપ્રવૃત્તિ પણ આગવી દૃષ્ટિએ ચાલે છે. છેલ્લા બેત્રણ દાયકામાં કવિતાના ક્ષેત્રે અનેક નવી આશાસ્પદ કલમો આવી છે. જોકે કવિતામાં એકંદરે આધુનિક અભિવ્યક્તિ કે રીતિ સાથેનું માર્મિક સાતત્ય રહ્યું દેખાય છે. આધુનિકતાવાદી સાહિત્યના નિર્માણ પાછળ કવિતાકળાની – અને વ્યાપકપણે સાહિત્યકળાની – નવી વિચારણા પ્રેરક રહી છે. એવી વિચારણાઓનું કોઈ પૂરું આંતરસંગતિવાળું અને સર્વગ્રાહી કાવ્યશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્ર હજુ રચાયું નથી. પણ આ સાહિત્યમાં પ્રેરણારૂપ નવાં વિચારવલણો પરંપરાગત સાહિત્યવિચારથી કેટલીક મૂળભૂત બાબતોમાં જુદાં પડે છે. પરંપરાગત સાહિત્યવિચારમાં કવિનું દર્શન કેન્દ્રસ્થાને હતું, આકાર અને શૈલીનો તેને આશ્રયે અને અનુષંગે જ વિચાર થયો હતો. સાહિત્યકૃતિના મૂલ્યાંકનમાં, આથી, કવિદર્શનની વ્યાપકતા અને ગહરાઈની તપાસ અત્યંત મહત્ત્વની લેખાતી રહી. જીવનની ઉદાત્ત ભાવનાઓ અને ઉન્નત મૂલ્યો જે કૃતિમાં અસરકારક રીતે ગૂંથી લેવાયાં હોય તે કૃતિ મહાન, એવો ખ્યાલ એમાં પ્રતિષ્ઠિત હતો. નવી સાહિત્યભાવનામાં તો રૂપરચનાની સજીવ એકતા અને અખિલાઈ પર બધો ભાર પડ્યો છે. કૃતિના અંશેઅંશ વચ્ચે સજીવ સંબંધો અને દરેક અંશના અંશી સાથેના એટલા જ જીવંત સંબંધો એ માટે અનિવાર્ય લેખાયા. કવિકર્મ કે ભાષાકર્મની પરમ સિદ્ધિનું એ રીતે અપૂર્વ મહત્ત્વ થયું. કવિકર્મના વ્યાપારમાં સમર્પક બનતાં કલ્પનો પ્રતીકો કે મિથનાં તત્ત્વોની તપાસ મહત્ત્વની બની. જીવનમાં કે સાહિત્યમાં જે કોઈ વિચાર અર્થ કે મૂલ્ય પરંપરારૂપે પ્રચારમાં રહ્યાં હોય તેનો સાહિત્યકૃતિમાં સ્વીકાર કરવા માત્રથી સાચી સર્જનાત્મક કૃતિ બનતી નથી : સર્જકતાના નવા રસાયનમાં તેનું રૂપાંતર થવું જોઈએ. સાહિત્યકૃતિ એ પરિચિત બાહ્ય જગતની પ્રતિકૃતિ નથી કે સર્જકના માનસનો સ્વયંભૂ ઉચ્ચારમાત્ર નથી : સંપ્રજ્ઞપણે ચાલતા રૂપનિર્માણની એ અપૂર્વ પ્રાપ્તિ છે. દરેક સાચી સાહિત્યકૃતિ એ રીતે એક સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મનિર્ભર વિશ્વ છે. એનું જે કંઈ રહસ્ય છે, જે કંઈ અર્થ છે તે એ કૃતિમાં જ – કૃતિની એ વિશિષ્ટ રૂપરચનામાં – જ નિહિત છે; કૃતિની બહાર ક્યાંય નહિ. આધુનિકતાવાદી વિચારવલણો આપણા સાહિત્યજગતમાં એકસામટાં પ્રભાવક બન્યાં. એ સાથે આકારવાદી વિવેચનની ‘આસ્વાદ’ તરીકે ઓળખાતી એક નવી પરિપાટી ઊપસી આવી. રસપ્રદ બાબત એ છે કે કૃતિના આસ્વાદ વિવેચનના આ અભિગમની પ્રતિષ્ઠા થઈ તે સાથે જ સ્વરૂપવાદી અભિગમ, ચરિત્રલક્ષી અભિગમ, નીતિવાદી અભિગમ, ઐતિહાસિક અભિગમ અને સામાજિક સાંસ્કૃતિક અભિગમોની ઓળખ કરવાના તેમજ એ દરેકની આગવી વૈચારિક ભૂમિકા સમજવાના પ્રયત્નો શરૂ થયા. એ સાથે જ સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન, અનુસંરચનાવાદ, ફિનોમિનોલોજી વગેરે વિચારધારાઓનો પરિચય કરવાનું વલણ જન્મ્યું. વળી ભાષાવિજ્ઞાનલક્ષી અને શૈલીવિજ્ઞાનલક્ષી અભિગમ, રશિયન રૂપવાદની સાહિત્યચર્ચા, માર્ક્સવાદી સાહિત્યશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદી અભિગમ, પુરાણવાદી અભિગમ, તુલનાત્મક અભિગમ એમ અનેકવિધ અભિગમો અને દૃષ્ટિબિંદુઓનો આપણે પરિચય કરવા સક્રિય બન્યા. વિવેચનપ્રવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ, તેનાં કાર્યો અને આશયબોધના પ્રશ્નો ય ચર્ચાતા થયા. છેલ્લા ત્રણચાર દાયકા દરમ્યાન આધુનિકતાવાદી વિચારધારાની સાથોસાથ જોડાઈને કે તેથી સ્વતંત્ર રીતે આ બધા વિષયોની ચર્ચા જે રીતે આરંભાઈ તેમાં પરસ્પરભિન્ન એવી સાહિત્ય વિભાવનાઓ સ્પર્શાતી રહી છે. આપણા સાહિત્યવિવેચનના બદલાતા પ્રવાહોનો આ એક ટૂંકો આલેખ માત્ર છે. આ અધ્યયનમાં આરંભના તબક્કામાં અગ્રણી વિવેચકોની કાવ્યચર્ચાને જે રીતે આપણે સમીક્ષામાં લેવા ચાહીએ છીએ તેનું મહત્ત્વ સ્પષ્ટ થાય તે માટે ચોક્કસ પરિપ્રેક્ષ્ય એથી ઊભો થશે, એવી એની પાછળ સમજ છે.