ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/ઉપસંહાર

૧૧

ઉપસંહાર

આપણે પ્રથમ પ્રકરણમાં નોંધ્યું છે તે પ્રમાણે પ્રસ્તુત અધ્યયન આપણી આરંભકાલીન કાવ્યવિવેચનામાં મુખ્ય અર્પણ કરનારા નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિલાલ નભુભાઈ એ પાંચ વિદ્વાનોની કાવ્યમીમાંસા પૂરતું સીમિત કરી લેવામાં આવ્યું છે. આપણે એ વિદ્વાનોની વિવેચનામાં સ્થાન પામેલા કાવ્યશાસ્ત્રના પ્રશ્નોની છણાવટ કરવાનો જે પ્રયત્ન કર્યો તેમાંથી એક વાત બિલકુલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કાવ્યસ્વરૂપની ચર્ચાવિચારણામાં તેઓ ઘણું સામ્ય દાખવે છે. એ દૃષ્ટિએ એ સર્વ વિદ્વાનોની કાવ્યમીમાંસા આપણા વિવેચન ઇતિહાસમાં આગવો તબક્કો બની રહે છે. અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં ગુજરાતીમાં કાવ્યશાસ્ત્રની કોઈ જીવંત પરંપરા નહોતી. કવિયશઃ પ્રાર્થી એવા નાનકડા વર્તુળમાં સંસ્કૃત અને વિશેષતઃ વ્રજના અલંકારશાસ્ત્રના રૂઢ ખ્યાલો પ્રવર્તતા હતા. એમાં શીઘ્ર સભારંજની કવિતાનો મહિમા હતો અને ‘રાગડા’ તાણીને ગાઈ શકાય એવી સર્વ પદ્યરચનાઓ ‘કવિતા’ જ લેખાતી. નર્મદ, નવલરામ આદિ તે સર્વ વિદ્વાનોએ પોતાની કાવ્યચર્ચામાં સમકાલીન સભારંજની કવિતા વિશે ક્યાંક ને ક્યાંક ટીકાટિપ્પણી કર્યાં છે તે હકીકત નોંધપાત્ર છે. એ પ્રકારની પશ્ચાદ્‌ભૂમિકામાં આપણી નવી વિવેચનપરંપરા બંધાવા લાગી. નર્મદે પોતાના “કવિ અને કવિતા” નિબંધમાં જુદા જ અભિગમથી કાવ્યવિચાર આરંભ્યો. એમાં તેણે પોતાના આછાપાતળા અભ્યાસમાં આવેલા અંગ્રેજી, સંસ્કૃત અને વ્રજના કાવ્યશાસ્ત્રના કેટલાક વિચારો એકત્ર કર્યા છે. એમાં નર્મદનું મૌલિક કહી શકાય એવું અર્પણ કદાચ ઓછું છે. પરંતુ આપણી વિવેચનાના આરંભબિંદુ લેખે એ લખાણનું આગવું મહત્ત્વ છે. આપણી એ સમયની વિવેચનાની ગતિવિધિનો અણસાર એમાંથી મળી રહે છે. એમના સમકાલીન નવલરામ અને અનુગામી રમણભાઈ આદિની કાવ્યચર્ચામાં નર્મદે સ્પર્શેલા અનેક મુદ્દાઓની વ્યવસ્થિત, વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ વિચારણા થયેલી છે. એ દૃષ્ટિએ નર્મદ નવપ્રસ્થાનકારનું જ કાર્ય કરતો જણાય છે. નર્મદના મિત્ર નવલરામમાં આપણી આરંભકાલીન વિવેચનાની મહત્ત્વાકાંક્ષાઓ પ્રગટ થાય છે. નવલરામે કાવ્યતત્ત્વ વિચારણાના ક્ષેત્રમાં જે થોડુંક લખાણ કર્યું તેમાં પણ તેમની તેજસ્વી પ્રતિભાના મૌલિક વિચારસ્ફુલ્લિંગો પ્રગટ્યા છે. એરિસ્ટોટલ અને બેકનના કાવ્યિસદ્ધાંતોને સમન્વિત કરી આપે એવા વ્યાપક સ્વરૂપના નવીન રસશાસ્ત્ર (Aesthetics) ની તેમણે ઝંખના કરેલી. અને પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસકોના સૌંદર્યના સંપ્રત્યય જોડે ભારતીય અલંકારશાસ્ત્રના ‘રસ’ના સંપ્રત્યયને સાંકળવાનો પ્રયાસ પણ તેમણે કરેલો. રમણભાઈ, નરસિંહરાવ અને મણિલાલ જેવા સાક્ષરોની કાવ્યવિવેચનાથી આપણા કાવ્યશાસ્ત્રના પ્રશ્નોની સંગીન ભૂમિકા રચાઈ. યુનિવર્સિટી શિક્ષણમાં એ વિદ્વાનોએ પૂર્વપશ્ચિમની ઉત્તમ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓનો પરિચય કર્યો હતો અને એ બે વિભિન્ન પરંપરાના કાવ્યશાસ્ત્રનો ય ઓછોવત્તો પરિચય કર્યો હતો. એટલે તેમની રસદૃષ્ટિ વિકસિત થઈ અને આપણી કાવ્યચર્ચામાં વ્યાપકતા, ગહનતા અને સૂક્ષ્મતા આવ્યાં. એ પૈકી રમણભાઈએ તો કાવ્યની સર્વાંગી વ્યવસ્થિત ચર્ચાવિચારણાનો જાણે કે કાર્યક્રમ જ સ્વીકારી લીધો હતો. તેમણે કવિતાની ઉત્પત્તિ અને તેનું સ્વરૂપ, કવિતાની ‘રચનાકલા’, ‘કવિત્વરીતિ’ કવિતાના પ્રયોજન લેખે રસ-આનંદની મીમાંસા, કવિતાની પદ્યરચનાના અંગભૂત છંદ, પ્રાસ આદિ અનેક પ્રશ્નોની વિદ્વાત્તાપૂર્ણ ચર્ચાવિચારણા કરી. ‘વૃત્તિમય ભાવાભાસ’ (pathetic Fallacy) જેવા પ્રશ્ન પર તો રમણભાઈ, મણિલાલ અને આચાર્ય આનંદશંકર જેવા સમર્થ વિદ્વાનોએ વિવાદ ચલાવ્યો. નરસિંહરાવે પણ એ પ્રશ્નની “અસત્ય ભાવારોપણ” એ શીર્ષક હેઠળ વિચારણા કરેલી. આમ, રમણભાઈની કાવ્યવિવેચનાથી આપણે ત્યાં કવિતાના પ્રાણભૂત પ્રશ્નોની વ્યવસ્થિત અને સંગીન ભૂમિકા રચાઈ. નરસિંહરાવે, પ્રમાણમાં, રચાતા જતા સાહિત્યના મૂલ્યાંકનમાં વધુ રસ દાખવ્યો છે છતાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં સૈદ્ધાન્તિક ચર્ચાવિચારણાઓનું સ્થાન પણ ઓછું નથી. તેમણે પણ રમણભાઈની જેમ કવિતાને લગતા અનેક પાયાના પ્રશ્નોની વિચારણા કરી છે. તેમણે તો યથાવકાશ “રસિક કલાઓ” (Fine Arts) ને લગતી ચર્ચાઓ પણ આદરી છે. રમણભાઈ અને નરસિંહરાવની તુલનામાં મણિલાલની સૈદ્ધાન્તિક ચર્ચા ઘણી ઓછી છે. પણ તેમણે જે કાંઈ વિચારો નોંધ્યા છે તેનું એ યુગની વિવેચન પ્રવૃત્તિના સંદર્ભમાં આગવું મહત્ત્વ છે. તેમની કેટલીક કાવ્યચર્ચા તો રમણભાઈ, નરસિંહરાવ આદિની વિચારણાનું જ ગાઢ અનુસંધાન દાખવતી દેખાય છે. અહીં એક વાત એ નોંધવી જોઈએ કે મણિલાલ અને રમણભાઈની પણ ઘણી ખરી સૈદ્ધાન્તિક ચર્ચા આ સદીના આરંભ પૂર્વે પ્રગટ થઈ ચૂકી હતી. નરસિંહરાવની બાબત કંઈક જુદી છે. તેમની ઘણીખરી કાવ્યચર્ચા આ સદીના પ્રથમ ત્રણેક દાયકા સુધી જારી રહેલી છે. અને છતાં તેમની કાવ્યભાવના અને કાવ્યતત્ત્વ વિશેની સમજણ આ સદીના ચિંતકો કરતાં ગઈ સદીના ચિંતકોની – રમણભાઈ અને મણિલાલ આદિની – વિચારણા જોડે વધુ માર્મિક સંબંધ ધરાવે છે. આ સાક્ષરોની વિવેચનાપ્રવૃત્તિ દ્વારા આપણું કાવ્યશાસ્ત્રનું ક્ષેત્ર ઘણું વિસ્તર્યું. કવિતાના પ્રાણભૂત પ્રશ્નોની વ્યવસ્થિત માંડણી થઈ. અને એ રીતે આપણા સાહિત્યમાં વિવેચનની એક સમર્થ પરંપરા રચાવા પામી. અહીં આપણે ઉપસંહાર રૂપે એ વિદ્વાનોની કાવ્યચર્ચામાં કેન્દ્રસ્થાને રહેલા મુખ્ય મુખ્ય પ્રશ્નોનું સમગ્રદર્શી અવલોકન કરવાનો અને શક્ય ત્યાં તેમાંથી તારવણી કાઢવાનો પ્રયત્ન કરીશું. આપણી કાવ્યવિવેચનાના આ પ્રથમ તબક્કામાં કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપને લગતો પ્રશ્ન કદાચ સૌથી વધુ કેન્દ્રસ્થાને રહ્યો છે. અને કાવ્યસ્વરૂપની વિચારણાના વિસ્તારરૂપે જ કવિચિત્તના બંધારણનો કે કવિપ્રતિભાના સ્વરૂપનો વિચાર પણ થયો છે. આની પાછળ એ યુગની સાહિત્યિક અને સાંસ્કૃતિક ભૂમિકા રહેલી છે એમ કહી શકાય. એ સમયે આપણે ત્યાં જે પ્રકારે વ્રજના કાવ્યશાસ્ત્રનો પ્રભાવ રહ્યો હતો અને સ્થૂળ શબ્દાર્થ ચમત્કૃતિનો મહિમા થતો હતો ત્યારે કવિતાનું સાચું સ્વરૂપ અને તેની જન્મદાત્રી કવિપ્રતિભાનો વિચાર થાય એ અનિવાર્ય હતું. પરંતુ બીજું એક બળ પણ કામ કરી ગયું દેખાય છે. એ સમયે પાશ્ચાત્ય કાવ્યવિવેચનામાં રોમેન્ટિક કવિઓની, વિશેષતઃ વર્ડ્‌ઝવર્થ-શેલીની કાવ્યભાવનાનો પ્રભાવ આપણા તરુણ શિક્ષિતો પર રહ્યો છે. એ રોમેન્ટિક કવિઓએ પોતાની કાવ્યભાવના સ્પષ્ટ કરતાં કવિચિત્તમાં ઉદ્ભૂત થતી લાગણીનું સ્વરૂપ, એ લાગણી જે સર્જનપ્રક્રિયા દ્વારા કાવ્યરૂપ સિદ્ધ કરે તે મનોઘટના અને સર્જકતાની પ્રાણભૂત એવી કલ્પનાશક્તિ (Imagination)નો વિચાર જ રજૂ થયો છે. આપણે ત્યાં નર્મદ, રમણભાઈ, નરસિંહરાવ આદિની વિચારણામાં એ રોમેન્ટિકોનો પ્રભાવ દેખીતો છે : એ વિદ્વાનોએ કાવ્યસ્વરૂપ, કવિતાની ઉત્પત્તિ કે તેની સર્જકતા વિશે જે કેટલાક વિશિષ્ટ ખ્યાલો પ્રગટ કર્યા છે અને ખાસ તો કવિતાની વ્યાખ્યા કરતી વેળા તેને કવિચિત્તની અંતઃસૃષ્ટિ જોડે સીધેસીધી સાંકળી લેવાના જે પ્રયત્નો કર્યા છે તે આ રોમેન્ટિકોનો જ પ્રભાવ દર્શાવે છે. પ્રસ્તુત મુદ્દાના અનુસંધાનમાં અહીં આપણે એક સ્પષ્ટતા એ કરી લેવી જોઈએ કે આપણે ત્યાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની પરંપરામાં પણ કવિપ્રતિભાનો સંપ્રત્યય પ્રતિષ્ઠિત થયેલો છે જ. કવિપ્રતિભાની વ્યાખ્યા કરતાં અભિનવગુપ્તે કહ્યું છે : ‘પ્રતિભા અપૂર્વવસ્તુનનિર્માણક્ષમા પ્રજ્ઞા તસ્યા ‘વિશેષો’ રસાવેશવૈશદ્યસૌન્દર્ય કવ્ય નિર્માણ ક્ષમત્વમ્‌ |’ આ વ્યાખ્યામાં અભિનવે કવિની ‘અપૂર્વવસ્તુ’ નિર્માણ કરનારી ‘પ્રજ્ઞા’ સાથે કવિની કાવ્યનિર્માણક્ષમતાનો ય મહિમા કર્યો છે તે નોંધપાત્ર છે. કવિચિત્તમાં લોકોત્તર દર્શન સંભવે એટલું જ પર્યાપ્ત નથી. કવિની પ્રતિભા તો એ દર્શનને કાવ્યનિબદ્ધ કરવા સમર્થ હોય છે. અહીં કવિની સર્જકતા કે તેના કવિકર્મનો ખ્યાલ અનુસ્યૂત રહ્યો જ છે. આપણે માટે અગત્યનો મુદ્દો એ છે કે સંસ્કૃત આલંકારિકોના ‘કવિપ્રતિભા’ના ખ્યાલ કરતાં રોમેન્ટિકોની કાવ્યભાવનામાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો પર ભાર મુકાયો છે. આપણે ગયાં પ્રકરણોમાં રોમેન્ટિકોની કાવ્યવિચારણા સ્પષ્ટ કરતાં એમ નોંધ્યું હતું કે તેમની કાવ્યભાવનામાં, કવિચિત્તમાં ઉદ્‌ભુત થતો ભાવ અને તે ભાવ જે સર્જનાત્મક પ્રક્રિયા દ્વારા કાવ્યરૂપ પ્રાપ્ત કરે છે તે પ્રક્રિયા—સર્વનું આગવું મૂલ્ય છે. રોમેન્ટિકોએ તો વાઙમયરૂપ ધારણ કરતી કૃતિ કરતાં યે કવિચિત્તમાં સાકાર થયેલી પ્રેરણાનુભૂતિનો વિશેષ મહિમા કર્યો છે અને એ પ્રેરણાનુભૂતિની સાથે કવિચિત્તની ‘અંતઃસૃષ્ટિ’નો ય વિશિષ્ટ મહિમા કર્યો છે. એ રીતે રોમેન્ટિકોની કાવ્યભાવના આગવી રીતે વિકસી છે. આપણે ત્યાં કવિ નર્મદની કાવ્યવિચારણામાં, ખાસ કરીને “કવિ અને કવિતા” નિબંધના પૂર્વ ભાગમાં, કવિચિત્તના બંધારણનો જે વિલક્ષણ ખ્યાલ રજૂ થયો છે તે આ રોમેન્ટિકોની કાવ્યભાવનાને વધુ અનુરૂપ જણાય છે. વળી એ નિબંધમાં જ નર્મદે કવિતા તે “તર્કબુદ્ધિનું નિસારણ” એવી જે વ્યાખ્યા રજૂ કરી છે તે પણ રોમેન્ટિકોની વિચારણાનો જ પ્રભાવ છે. (આપણે નર્મદની કાવ્યવિચારણાનું અવલોકન કરતાં એમ સંભાવના રજૂ કરી છે કે “તર્કબુદ્ધિ”નો આ વિશિષ્ટ સંપ્રત્યય અને કવિતાની ઉત્પત્તિ જોડે તેનો સંબંધ – એ સર્વ ચર્ચાવિચારણા નર્મદે શેલીમાંથી પ્રાપ્ત કરી છે.) એ ખરું કે નર્મદે પોતાના પ્રસ્તુત નિબંધના ઉત્તર ભાગમાં વિશ્વનાથની કાવ્યવ્યાખ્યા ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્‌’નો યે પુરસ્કાર કર્યો છે. “પ્રતાપરુદ્ર”ની કાવ્યવ્યાખ્યાને તિરસ્કારીને તેણે વિશ્વનાથની વ્યાખ્યા પુરસ્કારી છે – અને એ રીતે, કવિતાના જીવિતત્ત્વ લેખે રસતત્ત્વની પ્રતિષ્ઠા પણ કરી છે, આમ છતાં તેની સમગ્ર ચર્ચાવિચારણામાં કાવ્યસ્વરૂપની વ્યાખ્યા કરતાં તેણે કવિચિત્તનો ‘જોસ્સો’ (passion) અને ‘તર્ક’ (Imagination)એ બે સંપ્રત્યયોની પુનઃપુનઃ પ્રતિષ્ઠા કરી છે. આમ, નર્મદની કાવ્યચર્ચામાં કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપની વિચારણામાં રોમેન્ટિક કાવ્યવિચારણાનો પ્રભાવ સ્પષ્ટ વરતાઈ આવે છે. નવલરામે કવિતાનો શક્ય તેટલો વ્યાપક વિચાર કરવાનું વલણ કેળવ્યું છે. કવિતા માટે અનુકાર્ય એવી પ્રકૃતિનો સંકેત સાંકડો લાગવાથી તેમણે ‘માયા’ શબ્દોનો વિનિયોગ કરી કાવ્યવ્યાખ્યા આરંભી : ‘માયા’ અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા : “તેમણે એરિસ્ટોટલની કાવ્યભાવનાની સીમા સૂચવી હતી છતાં તેમની આ વ્યાખ્યા એરિસ્ટોટલના અભિમત સિદ્ધાંતથી ભાગ્યે જ આગળ જાય છે. આપણે માટે નોંધપાત્ર મુદ્દો એ છે કે આપણી આરંભકાલીન વિવેચનામાં માત્ર રોમેન્ટિકોનો જ પ્રભાવ છે એમ નથી. નવલરામનું વલણ એરિસ્ટોટલના કાવ્યવિચારને અનુકૂળ બનતું દેખાય છે અને આમ છતાં, નવલરામની વિવેચનામાં પણ કવિચિત્તની લાગણીના સ્વરૂપનો વિચાર સાવ અવગણાયો નથી. તેમણે ઊર્મિકાવ્યના ઊગમરૂપ (કવિના) ચિત્તની “પૂર્ણ રસ” દશાનો ખ્યાલ રજૂ કર્યો છે. વળી અન્ય પ્રસંગે કવિચિત્તની લાગણીનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું છે : “જુસ્સો-સાચો અંતઃકરણનો જુસ્સો – ઊભરાતો ઊછળતો જુસ્સો—જે પોતાના સત્ય સ્વરૂપમાં તલ્લીન થઈ ગયેલો છે, અને બીજાને કેમ લાગશે, તેની કાંઈ પણ પરવાહ રાખતો નથી, એવો સ્વયંપ્રકાશ સાચા દિલનો જુસ્સો, એ કવિતાનો અને તેમાં વિશેષ કરીને સંગીત – કવિતાનો તો અવશ્ય આત્મા જ છે.” નવલરામે અહીં કવિના “જુસ્સાની સચ્ચાઈ (Sincerity) અને તેની સ્વયંપ્રકાશ્યતા પર ભાર મૂક્યો છે. નર્મદની કાવ્યમીમાંસામાં કવિનો ‘જોસ્સો’ એ લાગણીનો આવેગ ખરો પણ મૂર્ચ્છનાની કોટિનો, તીવ્ર ઉન્માદરૂપ. નવલરામે એ કવિગત અનુભૂતિના સ્વરૂપમાં બોધ ને અભિજ્ઞતાનું તત્ત્વ સ્પષ્ટ કરી આપ્યું. રમણભાઈની કાવ્યમીમાંસાની બાબતમાં એક વાત સ્મરણમાં રાખવી જોઈએ કે તેમની કાવ્યચર્ચામાં ઉત્તરોત્તર વિકાસ થયો છે. તેમણે કવિતાનાં જુદાં જુદાં પાસાં લઈને જે ચર્ચાવિચારણા ચલાવી તેમાં પ્રસંગોપાત્ત કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપને લગતી વિચારણામાં ફેરતપાસ કરવાના પ્રસંગોય આવ્યા છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ નોંધે છે તેમ તેમની પૂર્વકાલીન કાવ્યચર્ચાને આધારે જ તેમની પરીક્ષા કરવા જતાં તેમને અન્યાય થાય છે. રમણભાઈએ પોતાની વિવેચનપ્રવૃત્તિના આરંભમાં લખેલા ‘કવિતા’ નિબંધમાં કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપની જે ચર્ચાવિચારણા કરી છે તેમાં વર્ડ્‌ઝવર્થ, શેલી આદિ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાનો જ મોટો પ્રભાવ રહ્યો છે. કવિતાની વ્યાખ્યા તો વર્ડ્‌ઝવર્થના શબ્દોમાંજ રજૂ કરી છે : “કવિતા તે મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તક્ષોભ છે.” આ ચિત્તક્ષોભનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતાં તેઓ તેને શેલીના ‘પ્રેરણા’ના સિદ્ધાંત જોડે સાંકળી લે છે. (વર્ડ્‌ઝવર્થ અને શેલીના કાવ્યસિદ્ધાંતમાં અનુક્રમે ‘અંતઃક્ષોભ’ અને ‘પ્રેરણા’ એ બે તત્વોનું સ્વરૂપ કંઈક ભિન્ન છે એમ આપણે ૬ઠ્ઠા પ્રકરણમાં નોંધી ગયા છીએ.) આ ‘ચિત્તક્ષોભ’ સ્થૂળ લાગણીનો ઉન્માદ નથી, આવેશમાત્ર નથી, પણ પ્રેરણાની લોકોત્તર ક્ષણ છે. એ ક્ષણે જ કવિને સહજ જ વિશ્વજીવનની ઉન્નત ભાવનાઓ કે સત્યનાં તત્ત્વો ઉપલબ્ધ બને છે. રમણભાઈએ, આમ કવિતાના ઊગમરૂપ ‘ચિત્તક્ષોભ’ કે ‘અંતઃક્ષોભ’ની લોકોત્તરતા દર્શાવી છે એ ખરું, પરંતુ એ ‘ચિત્તક્ષોભ’(કે ‘અંતઃક્ષોભ’)ની તેમણે જે મનોવૈજ્ઞાનિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે તે રોમેન્ટિકોના કાવ્યવિચારથી ભિન્ન છે, અથવા તેને સુસંગત નથી. રમણભાઈએ ‘કવિતા’ નિબંધમાં તેમ ‘કાવ્યાનંદ’ નિબંધમાં કેટલેક સ્થાને એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે શાસ્ત્ર એ બૌદ્ધિક વ્યાપારની નીપજ છે તો કવિતા એ લાગણીના વ્યાપારની. અહીં તેઓ કવિના ‘અંતઃક્ષોભ’ને બૌદ્ધિક વ્યાપારથી વિચ્છિન્ન માત્ર ઊર્મિનો વ્યાપાર લેખવતા જણાય છે. રોમેન્ટિકોએ કવિતાના ઊગમરૂપ રહસ્યાનુભવને બુદ્ધિ-લાગણીના દ્વૈતને અતિક્રમી જતો અખિલ સંવિત્તિનો વ્યાપાર ગણાવ્યો છે. એટલે કે કવિના રહસ્યાનુભવમાં બૌદ્ધિક વ્યાપારનો સર્વથા પરિહાર નથી. રમણભાઈની ઉત્તરકાલીન કાવ્યવિચારણામાં ઊર્મિકાવ્યનો પક્ષવાદ નથી. એમાં તેમણે દીર્ઘ કૃતિઓની રચનાકલાનો વિચાર પણ કર્યો છે. પરંતુ એ દીર્ધ કૃતિઓના ઊગમમાં ય ‘ભાવોર્મિ’ કે ‘પ્રેરણા’ તત્ત્વ જ રહ્યું હોય છે એમ તેમણે ફરી ફરીને નોંધ્યું છે. આરંભની વિચારણામાં, તેમણે રોમેન્ટિકોને અભિમત જે કાવ્યભાવનાનો વિચાર પુરસ્કાર્યો હતો તેમાં, અખિલ કવિતા તો કવિચિત્તમાં જ સાકાર થાય, એ વિચાર પણ સ્થાન પામ્યો હતો. અલબત્ત, ‘અંતઃક્ષોભ’ના આવિષ્કારની સ્વયંભૂતતા સ્વીકાર્યા પછી તેમણે દીર્ઘ કવિતાને અનુલક્ષીને રચનાકલાના વ્યાપારનો સ્વીકાર કર્યો હતો. ‘કાવ્યાનંદ’ નિબંધમાં કવિતાની મૂર્ત બિંબસૃષ્ટિના અનુસંધાનમાં એ રચનાકલાના વ્યાપારને રહસ્ય પ્રાપ્ત થયું છે. એ નિબંધના ઉત્તર ભાગમાં તેમણે કવિની ક્રાન્તદર્શિતાના ખ્યાલને ફરી પ્રતિષ્ઠિત કર્યો છે. ‘કવિત્વરીતિ’ નામના નિબંધમાં તેમણે ‘રીતિ’નો સંકેત વિસ્તાર્યો છે. કવિચિત્તનો ‘અંતઃક્ષોભ’ જે ક્ષણે ગતિશીલ થાય ત્યાંથી આરંભીને અખિલ કાવ્યરૂપ ધારણ કરે એ સમસ્ત કાવ્યસર્જનની ઘટના તેમને ‘રીતિ’ દ્વારા અભિમત છે. જો કે તેમની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં એ ‘રીતિ’નો સંપ્રત્યય ફરીથી ક્યાંય ખાસ વ્યાખ્યા પામ્યો નથી. નરસિંહરાવે કાવ્યની વ્યાખ્યા કરતાં તેનાં જીવાતુભૂત તત્ત્વો લેખે ‘રસ’ અને ‘રમણીયતા’ એ બંનેનો વારંવાર નિર્દેશ કર્યો છે અને એ બંનેના મૂળમાં કવિની પ્રતિભા જ રહી છે એવી તેમની શ્રદ્ધા રહી છે. “કવિતા તે કવિના હૃદયનું, આત્માના બંધારણનું, બાહ્ય સ્વરૂપ, મૂર્ત સ્વરૂપ છે.” આમ, કાવ્યની વ્યાખ્યામાં તેઓ, મૂળ કવિત્વમય ભાવનો મૂર્ત આવિષ્કાર જરૂરી છે, એ ખ્યાલ પણ સૂચવે છે. આ મૂળ કવિત્વમય ભાવ જ રમણીય તત્ત્વથી યુક્ત હોય છે. બ્રહ્માંડમાં વ્યાપેલા સૌંદર્યતત્ત્વનું કવિ સહજદર્શનમાં આકલન કરે છે અને તેને રમણીય વાઙમય રૂ૫ અર્પે છે. અથવા, એવી સૌંદર્યાનુભૂતિ અનાયાસે રમણીય આવિષ્કાર સાધે છે. નરસિંહરાવે, રમણભાઈની જેમ, ઊર્મિકાવ્ય માટે કોઈ ખાસ પક્ષવાદ દર્શાવ્યો નથી, પરંતુ તેમની કાવ્યચર્ચામાં, રોમેન્ટિક કવિઓને અભિમત, ટૂંકી પ્રેરણામૂલક રચનાઓની વિભાવના જ કેન્દ્રમાં રહી જણાય છે. મણિલાલે પણ કાવ્યસ્વરૂપની ચર્ચા કરતાં કવિના કવિત્વમય ભાવના સ્વરૂપનો વિચાર કર્યો છે. કવિત્વમય ભાવ એ લૌકિક ઊર્મિથી તત્ત્વતઃ ભિન્ન છે, તે રસાનુભવની કોટિનો વિલક્ષણ અનુભવ છે, એ ખ્યાલને સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું છે : “રસવૃત્તિ જ્યારે કેવલ બીજરૂપે એટલે તીવ્ર લાગણીરૂપે જ હોય છે ત્યારે, ભૂલ થવાથી, તે સ્થૂલમાં . તૃપ્તિ શોધે છે, તીવ્ર લાગણીથી થતા રક્તપ્રક્ષોભની શાંતિ સ્થૂલ વ્યવહારમાં કરી લે છે..... આવો અનાચાર ઉપજાવનારી જે રસવૃત્તિ તે તો લાગણીમાત્ર જ છે, લાગણી તીવ્ર થાય અને તીવ્ર થઈને સ્થૂલની પાર જોઈ શકે, ત્યારે તે રસરૂપે પરિપક્વ થાય છે.” અને, આ પ્રકારનો ‘રસ’ સર્વથા માનવકલ્યાણનો પોષક હોય છે. અર્થાત્‌, મૂળ કવિત્વમય ભાવ સ્વયં લૌકિકતાથી અસ્પૃષ્ટ ચેતનાનો આવિષ્કાર માત્ર છે. વળી મણિલાલે પ્રતિભાના સ્વરૂપની જે વ્યાખ્યા કરી છે તે પણ આ વિચારણા જોડે ગાઢ અનુસંધાન દાખવે છે. તેઓ એમ માને છે કે પ્રતિભા એક વિશિષ્ટ કલ્પનાવ્યાપાર છે પણ રોજિંદા જીવનમાં જોવા મળતી સ્થૂળ કલ્પનાથી તે વિલક્ષણ વસ્તુ છે. એ એક સૂક્ષ્મ ચૈતન્યનો વ્યાપાર છે અને સર્જનની ક્ષણે એ સૂક્ષ્મ તત્ત્વ ગતિશીલ થઈ “સ્થૂળ”માં મૂર્ત રૂપે પ્રગટ થવા ઉપરથી ઊતરી આવે છે. આમ, પ્રતિભા અને રસ એ બંને આત્માના ઉચ્ચ પ્રાંતમાંથી પ્રગટે છે. તેમની આ સમજણ વેદાંતી દૃષ્ટિનું પરિણામ જણાય છે. આમ, આરંભકાલીન વિવેચનામાં અર્પણ કરનારા આ વિદ્વાનોએ કાવ્યસ્વરૂપની ચર્ચાવિચારણા કરતાં કવિચિત્ત કે પ્રતિભાના સ્વરૂપનાં લક્ષણો અને કવિચિત્તમાં ઉદ્‌ભૂત થતી કવિત્વમય લાગણીના સ્વરૂપનો વિચાર કરવાનું વધુ ને વધુ વલણ કેળવ્યું છે. આ હકીકત સમજવાનું મુશ્કેલ પણ નથી. ગઈ સદીમાં પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓએ, ખાસ કરીને વર્ડ્‌ઝવર્થ, શેલી આદિ અંગ્રેજ કવિઓએ, જે નવીન કાવ્યભાવના પ્રતિપાદિત કરી તેમાં કવિચિત્તની સર્જકતા અને તેના ચિત્તમાં ઉદ્‌ભૂત થતી લોકોત્તર કોટિની લાગણીનો વિચાર જ કેન્દ્રમાં રહ્યો હતો, અને તેમની કાવ્યમીમાંસાથી પાશ્ચાત્ય કાવ્યાશાસ્ત્રના ક્ષેત્રમાં આ જાતના પ્રશ્નો કેન્દ્રમાં આવતા જણાય છે. હવે જો કવિતા માત્ર કવિચિત્તની અનુભૂતિનો જ આવિષ્કારમાત્ર હોય તો તો એ અનુભૂતિની મનોવૈજ્ઞાનિક ભૂમિકા ફરી ફરીને સ્પષ્ટ કરવાનું આવશ્યક બની જાય છે. આપણે ત્યાં આજે પણ આ વિચારણાના પ્રભાવ હેઠળ કવિચિત્તની અનુભૂતિને સ્પષ્ટ કરવાના પ્રયત્નો જારી રહ્યા છે. નર્મદે કવિચિત્તમાં જન્મતી ઉત્કટ લાગણી માટે અનેક સ્થાને ‘જોસ્સો’ એ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેણે પોતાના સમયની અંગ્રેજી કાવ્યમીમાંસામાં પ્રચલિત એવા Passion શબ્દ માટે એ યોજ્યો જણાય છે. વળી એક સ્થાને તેણે કવિચિત્તની અનુભૂતિની હૃદયસંવાદી દશાને ‘રસ’રૂપ લેખવી છે. નવલરામે એક પ્રસંગે કવિચિત્તના ‘જોસ્સા’ને ‘સત્ય સ્વરૂપમાં તલ્લીન’ અને ‘સ્વયંપ્રકાશ’ લેખવ્યો છે. તેમણે પણ એક પ્રસંગે કવિની લાગણીના વિશિષ્ટ સ્વરૂપને ઓળખાવવા ‘પૂર્ણ રસ’ની કલ્પના કરી છે. રમણભાઈની વિશાળ કાવ્યચર્ચામાં કવિચિત્તની લાગણી માટે ‘ચિત્તક્ષોભ’, ‘અંતઃક્ષોભ’, ‘અંતર્ભાવ’, ‘પ્રેરણા’, ‘ભાવોર્મિ’ આદિ શબ્દો વારંવાર પ્રયોજાયેલા જોવા મળે છે. અને ઘણુંખરું તો એકબીજાના પર્યાય હોય તે રીતે તેનો શિથિલ પ્રયોગ જોવા મળે છે. આ ‘ચિત્તક્ષોભ’ એ સ્થૂળ લાગણીનો આવેશ કે ઉન્માદ નથી એ વાત તો તેમણે સ્પષ્ટ કહી છે. પરંતુ તેની લોકોત્તર દશાના સ્વરૂપની ચર્ચામાં સંકેત બદલાતો રહ્યો છે. કેટલેક સ્થાને તેને શુદ્ધ આકાશી ‘પ્રેરણા’રૂપે લેખવવાનો પ્રયત્ન દેખાય છે. અને એ ‘પ્રેરણા’ની ક્ષણે વિશ્વજીવનની ઉન્નત ભાવનાઓ સ્વયં પ્રતીતિમાં આવે છે – જ્યારે અન્ય સ્થાને, તેને બૌદ્ધિક વ્યાપારથી વિચ્છિન્ન, માત્ર ઊર્મિનો એકાંગી વ્યાપાર લેખવતા જણાય છે. (આપણે રમણભાઈ વિશેનાં લખાણોમાં પ્રસ્તુત મુદ્દાની છણાવટ કરતાં અનેક સ્થાને નોંધ્યું છે કે તેઓ જે રોમેન્ટિકોને અનુસરી કાવ્યભાવના રજૂ કરતા હતા, તેનાથી કેટલીક બાબતમાં પોતે જુદા પણ પડ્યા છે.) વર્ડ્‌ઝવર્થ-શેલી જેવા રોમેન્ટિક કવિઓએ કાવ્યાનુભવની ક્ષણને લોકોત્તર સમાધિસ્થ દશાની ગણાવી છે, અને એ તો અખિલ સંવિત્તનો સર્વાંગી વ્યાપાર છે, એમાં લાગણી અને બુદ્ધિના દ્વૈતને અતિક્રમીને કવિની સર્જકતા પ્રવર્તે છે. એટલે રોમેન્ટિકોની કાવ્યભાવનામાં કવિતાનો ઉદ્‌ભવ કોઈ બૌદ્ધિક વ્યાપારથી અતિરિક્ત એવો ઊર્મિવ્યાપાર નથી. રમણભાઈની કાવ્યવિચારણામાં એ રોમેન્ટિકોને અભિમત, કવિતાના ઉદ્‌ભવરૂપ અખિલ સંવિત્તિનો ખ્યાલ, કદાચ એટલી પ્રતિષ્ઠા પામ્યો નથી. તેમની કાવ્યચર્ચામાં ‘અંતઃક્ષોભ’ એ કારણે જ માત્ર ઊર્મિનો એકદેશીય વ્યાપાર હોય એ રીતે જ પ્રયોજાયો છે. નરસિંહરાવે કવિત્વમય ભાવને હૃદયસંવાદી રસાનુભવરૂપ લેખવ્યો છે. મણિલાલે પણ કવિની લાગણીની લોકોત્તરતા દર્શાવી છે. આ કાવ્યમીમાંસકોએ કવિત્વમય ભાવને લૌકિક ભાવથી ભિન્ન, રસાનુભવની કોટિનો અનુભવ લેખવવા પ્રયત્ન કર્યો છે. એ અનુભવ કવિચિત્તમાં સ્વયંભૂ પ્રગટે છે એ વિચાર પણ તેમણે સ્વીકારી લીધો જણાય છે. રમણભાઈએ, પ્રસંગોપાત્ત, કવિની લાગણીને બાહ્ય વિશ્વ જોડે સાંકળવાનો યત્ન કર્યો છે. તેમના આરંભકાળના ‘કવિતા’ નિબંધમાં તેમણે એવી ભૂમિકા સ્વીકારી છે કે બાહ્ય વિશ્વના કોઈક આઘાતથી કવિચિત્ત સંક્ષોભ અનુભવે છે. પરંતુ એ ‘બાહ્ય વિશ્વ’ કવિની અનુભૂતિમાં પ્રવેશે છે કે નહિ એ મુદ્દો એ પ્રસંગે સ્પર્શાયો નથી. ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચામાં કવિતાની વિચારણાનો આખો અભિગમ બદલાયો છે. રસ્કિનને પગલે પગલે તેઓ એમ કહેવા પ્રેરાયા છે કે કવિએ તો પ્રકૃતિના ‘સત્ય’ને નિરૂપવાનું છે. અર્થાત્‌ કવિ જો પ્રકૃતિમાં પોતાના ભાવનું આરોપણ કરે તો તે દોષ જ ગણાય. આમ કાવ્યના વિષય લેખે પ્રકૃતિનો વિચાર આરંભતાં જ તેમની કાવ્યમીમાંસામાં કવિત્વમય ભાવના સ્વરૂપનો પ્રશ્ન સંકળાયો છે. એ ચર્ચા કરતાં તેમણે એમ કહ્યું છે કે કવિએ પોતાની પ્રેરણાની ધન્ય ક્ષણે જે ‘સત્યો’ પ્રતીતિમાં આવે, તેને લાગણીના નિયંત્રણ દ્વારા પૂરેપૂરું આકલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે આગળ નોંધ્યું છે તેમ, આ ચર્ચાના પ્રસંગે, કાવ્યાનુભૂતિના વ્યાપારમાં તેમણે બુદ્ધિ અને ઊર્મિના દ્વૈતનો સ્વીકાર કર્યો છે. પણ આગળના તદ્વિષયક પ્રકરણમાં દર્શાવ્યું છે તેમ એમાં સર્જનની અખિલ પ્રક્રિયા (integrated process)નું રહસ્ય આકલિત થઈ શકે નહિ એ પછી તેમણે ‘કાવ્યાનંદ’ નિબંધમાં, પ્રસંગોપાત્ત, કાવ્યસ્વરૂપની ચર્ચાના અનુસંધાનમાં પ્રસ્તુત મુદ્દો છણ્યો છે. ત્યાં તેઓ કહે છે કે કવિતાની સૃષ્ટિ મૂર્ત ‘ચિત્રો’ (‘રૂપો’ કે ‘બિંબો’)ની બનેલી છે અને એ મૂર્ત ‘ચિત્રો’ કવિને બાહ્ય જગતમાંથી પ્રાપ્ત થાય છે. કવિ ‘અનુકરણ’ દ્વારા પ્રથમ બાહ્ય જગતના પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન કેળવે છે અને પછી ‘કલ્પના’ દ્વારા તેનું ભાવનામંડિત નૂતન રૂપનિર્માણ કરે છે. અહીં રમણભાઈએ રચનાકલાના વ્યાપાર લેખે ‘અનુકરણ’ અને ‘કલ્પના’ જેવા, પૂર્વાનુપૂર્વીનો ક્રમ દાખવતા બે અલગ વ્યાપારનો સ્વીકાર કર્યો છે તે બરાબર જણાતું નથી. કવિની અનુભૂતિની અખિલાઈનો ખ્યાલ અહીં અવગણના પામ્યો છે. આમ છતાં આપણે માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે અહીં રમણભાઈએ કવિની લાગણીની અભિવ્યક્તિમાં બાહ્યવિશ્વના પદાર્થોને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. આમ તો ‘કવિતા’ નિબંધમાં જ તેમણે કવિના ‘અંતઃક્ષોભ’ના નિમિત્ત લેખે બાહ્ય વિશ્વના પદાર્થો કે ઘટનાઓનો એક પ્રસંગે સ્વીકાર કરેલો અને ‘વૃત્તિમય ભાવાભાસ’ નિબંધમાં, કવિતાના વસ્તુલક્ષી સત્યનો આગ્રહ દર્શાવતાં કવિતાને બાહ્ય વિશ્વ જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કરેલો. પરંતુ કવિતાના અંતસ્તત્ત્વ લેખે બાહ્ય વિશ્વનો પ્રવેશ તો ‘કાવ્યાનંદ’માં જ નોંધપાત્ર સ્વીકાર પામ્યો જણાય છે. નરસિંહરાવની કાવ્યવિચારણામાં કવિની ક્રાન્તદર્શિતા પર વધુ ભાર મુકાયો છે. “કવિનું કાર્યક્ષેત્ર આખું બ્રહ્માંડ છે.” એ હકીકતનો સ્વીકાર કરતાં નરસિંહરાવે એમ સૂચવી દીધું છે કે કવિની પ્રતિભાને કોઈ સીમા નથી, તે સમસ્ત બ્રહ્માંડના પદાર્થોનું રહસ્ય આકલન કરવા ગતિશીલ થાય છે. તેમણે એક પ્રસંગે એમ પણ નોંધ્યું છે કે “કવિના હૃદયની, કવિના આત્માની, જીવન અને પ્રકૃતિ તરફ અમુક ધન્ય પ્રેરણાથી થતી વૃત્તિમાં કવિતાનો ર્જન્મ થાય છે.” અહીં તેઓ કવિની પ્રેરણાને “જીવન અને પ્રકૃતિ” જોડે સાંકળી લેવા ચાહે છે. આમ નરસિંહરાવે પણ, કવિની સૃષ્ટિને બાહ્ય વિશ્વનું અનુસંધાન રહ્યું છે એ ખ્યાલ પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો છે. વળી, મણિલાલે કવિપ્રતિભાની વ્યાખ્યા કરતાં એમ કહ્યું છે કે એ સૂક્ષ્મરૂપ શક્તિ સર્જનની ક્ષણે સ્વયં ગતિશીલ થઈ સ્થૂળ પદાર્થોમાં મૂર્તિમંત થવા ચાહે છે. અહીં તેમણે કવિની સૂક્ષ્મ રસચેતના સ્થૂળ વિશ્વનાં મૂર્તરૂપોમાં પ્રગટ થવા ચાહે છે એવો ખ્યાલ પ્રગટ કર્યો જણાય છે. આમ, આ તબક્કાના વિદ્વાનોએ કવિતાના વિશ્વનો વિચાર કરતાં તેને બાહ્ય જગતના પદાર્થો કે ઘટનાઓને સાંકળી લેવાના પ્રયત્નો કર્યા છે, આમ છતાં, કવિતાના વિશ્વમાં પ્રવેશ પામતાં એ બાહ્ય વિશ્વનાં સત્ત્વો કેવુંક રૂપ પામે છે અથવા તેનું કેવુંક રૂપાંતર થાય છે એ ખ્યાલ હજી વિચારણાનો પ્રશ્ન બન્યો જણાતો નથી. કવિતા એ તો કવિચિત્તની લાગણીનો સહજ આવિષ્કાર છે એ ખ્યાલ જ વધુ વ્યાપક સ્વીકાર પામ્યો જણાય છે. કવિતાનો સ્રોત કવિચિત્તની પ્રેરણાનુભૂતિ હોવાથી તેમાં બાહ્ય વિશ્વના ૫દાર્થોના અંતઃપ્રવેશનો ઝાઝો વિચાર કરવાનું વલણ પ્રગટ્યું ન હોય એ સમજી શકાય તેમ છે. આ ગાળાના વિદ્વાનોએ કવિની પ્રેરણાનુભૂતિનો મહિમા કર્યો તે છતાં તેમણે તેની મનોવૈજ્ઞાનિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતાં તેમાંના લાગણીતત્ત્વ પર જ વધુ ભાર મૂક્યો, તેના પ્રત્યાઘાત રૂપે જાણે કે આચાર્ય આનંદશંકર અને બળવંતરાય ઠાકોર જેવા વિદ્વાનોએ કવિતાની વ્યાપક વિભાવના રજૂ કરી. આચાર્ય આનંદશંકરે તો કવિતા એ આત્માની કલા છે- કવિની અખિલ સંવિત્તિની અભિવ્યક્તિ છે – માત્ર ઊર્મિનો એકાંગી વ્યાપાર નથી એમ ભારપૂર્વક પ્રતિપાદિત કર્યું, તો બળવંતરાય ઠાકોરે વિચારઘન કવિતાનો આદર્શ રજૂ કર્યો. કવિતામાં ઊર્મિનો અંશ, અલબત્ત, અનિવાર્ય છે પણ કવિતાનું મૂલ્ય તો તેમાંના ચિંતનાત્મક તત્વ પર જ અવલંબે છે. આમ, આ સદીના આરંભમાં જ વ્યાપક કાવ્યવિચાર કરવાના પ્રયાસો દેખાય છે. ઈ.સ. ૧૯૨૪માં આચાર્ય આનંદશંકરે પોતાના લેખ ’કવિતા સંબન્ધી થોડાક વિચાર’માં રમણભાઈના કાવ્યસિદ્ધાંતની સમીક્ષા કરતાં નોંધ્યું છેઃ “રા. રમણભાઈએ એલ્ફિન્સ્ટન કોલેજની ગૂજરાતી સોસાયટીમાં વ્યાખ્યાન આપ્યું, તેમાં એક વસ્તુ ખાસ પ્રતિપાદિત કરી હતી. તે એ કે કાવ્ય હૃદયનો ઉદ્દગાર છે. ઈંગ્લેંડમાં પોપની કવિતાની વિરુદ્ધ વર્ડ્‌ઝવર્થની કવિતાનો યુગ પ્રવર્ત્યો. તેમાં એ વિરોધનાં જ પરિણામમાં બુદ્ધિ વિરુદ્ધ હૃદય ઉપર, અને વિદ્વત્તા વિરુદ્ધ સ્વયંભૂશક્તિ ઉપર વિશેષ ભાર દેવાયો, અને Lyrical poetry(સંગીતકલ્પ કાવ્ય)ને રા. રમણભાઈ ‘Subjective poetry’ યાને ‘સ્વાનુભવરસિક’ના લક્ષણથી વર્ણવે છે. એની કાવ્યના વિવિધ પ્રકારમાં ઉત્તમ પ્રકાર તરીકે ગણના કરવામાં આવી. આમાં મારી સમઝણ પ્રમાણે હું કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ, મને અત્યુક્તિ લાગતી હતી. હેમ્લેટ જેવા નાટકની રચના એ હૃદયનો ઉદ્‌ગાર ન કહેવાય. એમાં બુદ્ધિની ગોઠવણ, અને બુદ્ધિથી પ્રતિપાદ્ય અને ગ્રાહ્ય એક મહાન સત્ય, અને એ સત્યની અવગણનામાંથી ઉત્પન્ન થયેલી કરુણ સ્થિતનું બુદ્ધિના પ્રભાવથી ઉત્પન્ન કરેલું ભવ્ય ચિત્ર છે. હોમરનાં દેવદેવીઓ અને અસાધારણ માનવવ્યક્તિઓ એ હૃદયના ઊભરા (Emotions) નથી, પણ કલ્પના શક્તિ (Imagination)નાં ચિત્રો છે. શુષ્ક (Dry) અને કેવલ (Abstract) બુદ્ધિથી છૂટી પાડવા માટે આ શક્તિને આપણે intellectને બદલ imagination (કલ્પનાશક્તિ) નામ આપીએ. પણ એને Lyric effusion યાને emotion “હૃદયનો ક્ષોભ” તો ન જ કહેવાય....આ કારણથી મેં ભવભૂતિના ઉત્તરરામચરિતના મંગલાચરણના “અમૃતામાત્મનઃ કલામ” એ શબ્દોનો ઉપયોગ કરી કવિતાને “આત્માની અમર કલા” રૂપે વર્ણવી હતી. આમ હૃદયને બદલે આત્મા મૂકવાથી, કવિતાનું લક્ષણ વધારે વ્યાપક બને છે. હૃદય સાથે બુદ્ધિ, કલ્પના, ભાવના, નીતિ ઇત્યાદિ અંશો પણ સંગ્રહી શકાય છે, અને જો કાંઈક vagueness યાને અનિશ્ચિતતા આવે તો તે ઉક્ત લક્ષણનું ભૂષણ જ છે, દૂષણ નથી.” આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચામાં વર્ડ્‌ઝવર્થ આદિ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાને જે રીતે ઘટાવવામાં આવી છે તેમાં, કદાચ મૂળ સિદ્ધાંતનું રહસ્ય યથાર્થ રૂપમાં આકલિત થઈ શકતું નથી. આપણે આગળનાં પ્રકરણોમાં અનેક પ્રસંગે નોંધ્યું છે તેમ રોમેન્ટિક કવિએ કાવ્યાનુભવને બુદ્ધિથી અતિરિક્ત માત્ર ઊર્મિની કોટિનો વ્યાપાર લેખાવ્યો નથી. અલબત્ત, તેમાં સ્વયંભૂ ગતિશીલ થતી લાગણીનો જ મહિમા છે, પરંતુ એ લાગણી તો સ્થૂળ ઊર્મિ કે બુધ્ધિના દ્વન્દ્વને અતિ ક્રમીને પ્રવર્તતો સાક્ષાત્કાર કોટિનો અનુભવ છે. આચાર્ય આનંદશંકરે એ રોમેન્ટિક કવિઓમાં જો એકાંગી ઊર્મિનો વ્યાપાર જોયો હોય તો તે દર્શન યથાર્થ નથી. પરંતુ, રમણભાઈની કાવ્યાભાવનામાં ઊર્મિતત્ત્વ પર જે વધુ પડતો ભાર મૂકાયો, તેની સામે આચાર્ય આનંદશંકરની વિચારણા ઘણી જ મહત્ત્વની બની રહે છે. ખાસ તો એટલા માટે કે, રમણભાઈ આદિ ચિંતકોએ કવિત્વમય લાગણીને અનેક સ્થાને એકદેશીય ચિત્તવૃત્તિ લેખવી છે. અલબત્ત, રમણભાઈ, નરસિંહરાવ આદિએ કાવ્યના ઊગમ લેખે ‘પ્રેરણા’ તત્ત્વની યે પ્રતિષ્ઠા કરી છે અને એ રીતે તેમની કાવ્યચર્ચામાં ટૂંકી પ્રેરણામૂલક રચનાઓ માટે પક્ષવાદી વલણ પણ રહ્યું છે. પરંતુ, એમાં કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપવિચારમાં ફરીફરીને ઊર્મિતત્ત્વ જ કેન્દ્રમાં રહ્યું છે. એટલે આચાર્ય આનંદશંકરે યથાર્થ રીતે જ કવિતાનો વ્યાપક વિચાર આરંભ્યો. કવિત્વવૃત્તિમાં માત્ર ઊર્મિ કે બુદ્ધિનો વ્યાપાર જ નહિ, તેમાં તો એ બે તત્ત્વોની સાથે જ નીતિ, ધર્મ કે ભાવનાનું તત્ત્વ સહજ રીતે પ્રવેશ્યું હોય છે. અર્થાત્‌ મૂળ કવિત્વમય ભાવમાં જ તેના સર્જકની અખિલ ચેતનાનો આવિષ્કાર સંભવે છે, એમાં તેના આત્માની કલા જ પ્રકટ થાય છે. બળવંતરાય ઠાકોરે વિચારઘન કવિતાનો આદર્શ રજૂ કર્યો છે. આ વિશ્વજીવનનું ઊંડું તત્ત્વદર્શન, તેનું પર્યેષણ કે તેની સમીક્ષા એ જ કાવ્યનું સાચું રહસ્ય છે, એવી તેમની શ્રદ્ધા રહી છે. એટલે કવિતામાં ઊર્મિનું નહિ પણ ચિંતનનું પ્રાધાન્ય જ તેમણે સ્વીકાર્યું. પોતાના ‘લિરિક’ (‘પ્રયોગમાલા’નો મણકો) નામના નાનકડા પુસ્તકમાં તેમણે પાશ્ચાત્ય કાવ્યમીમાંસા, ખાસ કરીને પંદરમા–સોળમા શતક પછીની કાવ્યચર્ચામાં, ઊર્મિતત્ત્વની જે પ્રતિષ્ઠા થઈ છે તેની સામે અપવાદ લીધો છે. તેઓ એ વિશે કહે છે. “કવિતા વિશેના પંદરમા – સોળમા સૈકાથી માંડીને આજ સુધીનાં, વિવરણો, વર્ણનો અને વ્યાખ્યાવાક્યોમાં લાગણી, ઊર્મિ, ચિદ્રસ, ભાવ, હૃદયપ્રવૃત્તિ અને સ્થિતિ, ઉરનાં આંદોલનો અને વિકારો, ક્ષોભ, જુસ્સા અને રુચિગ્રાહ (Sentiment સેંટિમેંટ), શ્રોતા અને વાંચનારના હૈયા ઉપર અસર, એ વિશિષ્ટતાઓ વત્તીઓછી આવ્યા જ કરે છે. અતિમાનનીય પર્યેષકોમાંના કેટલાયે આ વિશિષ્ટતાને કવિતાના પ્રધાન વા જાતિઘટક ધર્મોમાં પણ ગણે છે. વર્તમાન યુગમાં વિચારની અન્તર્મુખતા અને વ્યક્તિના વ્યક્તિત્વનું ગૌરવ વધેલાં છે, તે સાથે રૂપ અને (રૂપલગ્ન રૂપોત્પાદક) કલા મૌલિક તત્ત્વોની પર્યેષણામાં આ તત્ત્વ ઉપર પ્રાચીન ગ્રીક અને પ્રાચીન આર્યપ્રજા કરતાં આપણી દૃષ્ટિ વધારે ઠરે, એ કુદરતી અગર તો સમઝાય એવું તો છે જ. પરન્તુ આવી વિચારમાલાની ખેંચથી તણાઈ જઈએ તો તો આપણે બીજાં એટલાં જ કે વધારે સત્ત્વવાળાં તત્ત્વોને વિસ્મરીને એક વ્યાપ્તિમાં જઈને પડિયે, અને તે આ કે – તે તે કૃતિ કવિતા નથી. જે જે ઊર્મિપ્રધાન નહી, લિરિકલ (ઊર્મિપ્રધાન) હોય તે જ કવિતા. જેમાં હૃદયતત્ત્વ પ્રધાન સર્વોપરી ના હોય તેને કવિતા કવિતા! – કેમ જ કહેવાય!” – અને, આ મુદ્દાને સાંકળીને તેઓ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહે છે, “કવિતામાં ઊર્મિતત્ત્વ હોવું જોઈએ : ઊર્મિશૂન્ય તે કવિતા નહીં; કવિતા હૃદયનો વ્યાપાર અને હૃદયને સ્પર્શવાની શક્તિવાળી હોવી જોઈએ : આની કોઈ ના પાડતું નથી. પરંતુ ઊર્મિવત હોવું અને ઊર્મિમય કે ઊર્મિપ્રધાન હોવું એ બે વચ્ચે ઘણો ફેર છે.” અહીં બળવંતરાય ઠાકોરની ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. તેઓ કવિતામાંનાં ઊર્મિતત્ત્વની અનિવાર્યતાનો તો સ્વીકાર કરે જ છે, પરંતુ કાવ્યની મહત્તા તો તેમાંના ગહન ચિંતન પર જ અવલંબે છે એવો ખ્યાલ તેમને અહીં અભિપ્રેત છે. બીજા શબ્દોમાં કહીએ તો, કવિની ઉત્કટ ઊર્મિના ઉદ્ગાર માત્રથી મહાન કાવ્ય નીપજતું નથી. એમાં બૃહદ વિશ્વનાં ગૂઢ તત્ત્વોનું આકલન થવું જરૂરી છે. આમ, બળવંતરાયની કાવ્યભાવનામાં ઊર્મિતત્ત્વનો સ્વીકાર છતાં તેમાં કવિની પર્યેષક બુદ્ધિનો યોગ ઇષ્ટ મનાયો છે. આ સદીની આપણી કાવ્યમીમાંસામાં રામનારાયણ પાઠકની કાવ્યસ્વરૂપની વિચારણાનો નિર્દેશ કરી લઈ પ્રસ્તુત મુદ્દાની વિચારણાનું સમાપન કરીશું. તેમણે પોતાના ‘કાવ્યની શક્તિ’ નામે લેખમાં કહ્યું છે ‘કવિમાં ઉદ્‌ભવેલો ભાવ તેના દેહના અનુભવમાં આવેલો હોવો જોઈએ એમ માનવાની જરૂર નથી. કવિની પ્રતિભાનો એ અર્થ છે કે તે સાંકડા અભિમાનની મર્યાદાની પાર જઈ આખા વિશ્વમાંથી અનુભવ લઈ શકે છે. તેની પ્રતિભાના બળ પ્રમાણે તેની દૃષ્ટિ ભેદક હોય છે. કવિ દૃષ્ટા છે. તે જે જુએ છે અર્થાત્‌ એ અનુભવથી તેના મનમાં જે ભાવ થાય છે તે ભાવને તે બીજામાં પોતાની કૃતિ દ્વારા સંક્રાન્ત કરી આપે છે... આ સર્જનશક્તિ ચિત્તની ગમે તે વૃત્તિમાં રમમાણ નથી થતી પણ જેમાં તે જીવનનું રહસ્ય જુએ છે, જેમાં ચેતનનો આવિર્ભાવ-ઉત્કર્ષ જુએ છે, તેમાં જ થાય છે. તેવા સર્જનમાં જ વિવિધતા આવે છે. તે સર્જન જ લોકોત્તર બને છે.” અહીં રામનારાયણ પાઠકે કવિપ્રતિભા અને તેની સર્જકતાનો જે વિચાર રજૂ કર્યો છે તે મહત્ત્વનો છે. કવિની અનુભૂતિમાં જ જીવનના રહસ્યનો અવબોધ થતો હોય છે. કાવ્યની શક્તિ જીવનની ઘટનાઓને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી તેને મૂલવવામાં રહી છે. અહીં કવિતાના જીવિત લેખે ’ભાવ’ તત્ત્વની પ્રતિષ્ઠા છે. આરંભકાલીન વિવેચનામાં ‘ઊર્મિ’, ‘જોસ્સો’, ‘અંતઃક્ષોભ’ આદિ શબ્દો ઊર્મિના પ્રાધાન્યના નિર્દેશક હતા. એની તુલનામાં ‘ભાવ’ શબ્દ ચેતનાને વધુ ગહન સૂક્ષ્મ સ્તર પર સ્પર્શે છે. આ ‘ભાવ’તત્ત્વ એ સર્જકચિત્તને અખિલાઈમાં આકલિત કરે છે. આપણી કાવ્યમીમાંસામાં આમ, કાવ્યનો વ્યાપક વિચાર થતો રહ્યો છે. એમાં ઊર્મિ જેવા એકદેશીય વ્યાપારનું નહિ, કવિની સમસ્ત સંવિત્તિનું મહત્ત્વ થયું છે. હવે આપણા અધ્યયનમાં સ્થાન પામેલા વિદ્વાનોની કાવ્યચર્ચામાંથી કાવ્યની સર્જકતા ને તેની રચનાકલાના વિચારોનું અવલોકન નોંધીશું. આપણે આગળનાં પ્રકરણોમાં નોંધ્યું છે કે આ તબક્કાના વિદ્વાનોની કાવ્યભાવના પર અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાઓનો મોટો પ્રભાવ રહ્યો છે. એ ખરું કે નવલરામે કાવ્યની વ્યાખ્યા કરતાં કાવ્યનો વ્યાપક વિચાર કેન્દ્રમાં રાખ્યો છે, અને રમણભાઈ નીલકંઠે દીર્ઘ કૃતિઓની ‘રચનાકલા’નો વિગતે વિચાર કર્યો છે. વળી, નરસિંહરાવે પણ કાવ્યની વ્યાખ્યા કરતાં એક પ્રસંગે મેથ્યુ આર્નોલ્ડને અનુસરી, “કાવ્ય એટલે જીવનનું અન્વીક્ષણ” એવો વ્યાપક વિચાર Broad idea પુરસ્કાર્યો છે. આમ છતાં, એકંદરે આ ગાળાના વિદ્વાનોની ઘણીખરી કાવ્યવિચારણામાં ઊર્મિકાવ્ય જ વધુ કેન્દ્રમાં રહ્યું જણાય છે. આપણી વિવેચનામાં આરંભકર્તા નર્મદે પોતાના “કવિ અને કવિતા” નિબંધમાં, ખાસ કરીને એ નિબંધની આરંભની ચર્ચાવિચારણામાં, અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યભાવનાનો પુરસ્કાર કર્યો છે. તેમાં તેને ટૂંકી રચનાઓનો ખ્યાલ જ અભિપ્રેત જણાય છે. જો કે એ નિબંધમાંની નર્મદની કેટલીક વિચારણાઓ દીર્ઘ કાવ્યકૃતિઓને અનુલક્ષે છે. આમ છતાં નર્મદનો એકંદર ઝોક રોમેન્ટિકોને અભિમત ટૂંકી રચનાઓ તરફ જ રહ્યો જણાય છે. નવલરામની કાવ્યચર્ચામાં યે ઊર્મિકાવ્ય તેમ દીર્ઘકાવ્યની વિચારણા સ્થાન પામી છે. તેમણે ઊર્મિકાવ્યના ઉદ્‌ભવ વિશે “પૂર્ણ રસ”ની વિશિષ્ટ સમજણ કેળવેલી છે તે સાથે તેમણે કવિતાની વ્યાખ્યા કરતાં દીર્ઘકવિતાનો મહિમા કર્યો છે. એ પૈકી, તેમની ઊર્મિકાવ્યની વિભાવના નોંધપાત્ર છે. “પૂર્ણ રસ”નો અનુભવ વાણી દ્વારા પ્રગટ કરવાનું શક્ય નથી, સંગીત દ્વારા જ તે વ્યક્ત થઈ શકે એવી તેમની માન્યતા છે. આવી “પૂર્ણ રસ”ની સ્થિતિમાં, કદાચ તે પછીની ક્ષણે, મૂળનું ભાવસંગીત લયાત્મક ગતિ સાધે અને એને (શબ્દાર્થરૂપ) કાવ્યની સહાય મળે તો ઊર્મિકાવ્ય જન્મે. આમ ઊર્મિકાવ્ય અને સંગીતને જન્મજાત સંબંધ છે. રમણભાઈએ ‘કવિતા’ નિબંધમાં ‘સ્વાનુભવરસિક’ એવું ઊર્મિકાવ્ય જ ‘સર્વાનુભવરસિક’ દીર્ઘ કાવ્ય કરતાં ચઢિયાતું એવો વાદ કર્યો છે. (જો કે ‘કાવ્યાનંદ’ નિબંધમાં તેમનો એવો પક્ષવાદ જણાતો નથી.) આ ઊર્મિકાવ્યમાં સંગીતાત્મક તત્ત્વ અનુસ્યૂત રહ્યું હોય છે. પ્રેરણામૂલક આવાં ટૂંકાં કાવ્યો જ શુદ્ધ કાવ્ય હોય છે એવું મંતવ્ય પણ તેમણે રજૂ કરેલું. કવિચિત્તમાં કોઈ ઈશ્વરદત્ત ધન્ય પળે એવી પ્રેરણા જન્મે અને તેમાં સમગ્ર કાવ્ય આવિષ્કાર સાધે એવી તેમની સમજણ રહી છે. એ પછી તેને શબ્દ નિબદ્ધ કરવાનું કાર્ય તો પાછળથી ગમે તે ક્ષણે થાય. વળી આ કાવ્યનો આ જન્મલય જ તેને છંદના બંધમાં સાનુકૂળ બની વહેવા દે છે. આ રીતે કવિચિત્તમાં જ સમગ્ર કાવ્ય સિદ્ધ થતું હોય છે, તેમાં ભાષાનું તત્ત્વ સર્જનપ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતું નથી. એટલે કે, કવિચિત્તમાં ઉદ્‌ભૂત કવિત્વમય લાગણી સ્વયં વાઙ્‌મય રૂપ ધારણ કરી રહે છે. નરસિંહરાવે પણ લગભગ આ જ પ્રકારની દૃષ્ટિ કેળવેલી છે. તેઓ પણ એવો મત ધરાવે છે કે કવિચિત્તમાં ઉદ્‌ભૂત થતી સૌંદર્યમૂલક લાગણી સ્વયં અનાયાસે પદ્યરૂપ ધારણ કરે છે. મૂળ કવિત્વમય ભાવમાંથી જન્મતું આંદોલન જ અનુકૂળ છંદલય સિદ્ધ કરી લે છે. સમસ્ત કાવ્યનિર્મિતિમાં ભાષા કે છંદનું તત્ત્વ ક્યાંયે અવરોધક બનતું નથી. આમ, ટૂંકી ઊર્મિકાવ્ય જેવી રચનામાં, જાણે કે કાવ્ય એ સ્વયંસિદ્ધ વાઙ્‌મય ઘટના બની રહે છે, સર્જક પક્ષે તો તેને અવતારવાનું જ રહે છે. આ પ્રકારની સમજણ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાથી પોષાયેલી જણાય છે. એ રોમેન્ટિક કવિઓ માટે કવિતા તો કવિચિત્તમાં જ અભિવ્યક્ત બનતી અને તેને શબ્દસ્થ કરવાની પ્રવૃત્તિનું કોઈ ઝાઝું મૂલ્ય નહોતું. શેલીએ તો એમ કહેલું કે માનવીની ભાષા સ્વયં એક સર્જનાત્મક નીપજ છે એટલે કાવ્યસર્જનમાં તે સહજ અનુકૂળ નીવડે છે. આપણે ત્યાં નવલરામ, રમણભાઈ, નરસિંહરાવની કાવ્યવિચારણામાં ટૂંકી કવિતાને અનુલક્ષીને આ પ્રકારની સ્વયંભૂ કવિતાની વિચારણા જ પ્રતિષ્ઠિત થઈ છે. જો કે આ મુદ્દાના સંદર્ભમાં કેટલીક કાવ્યચર્ચા જુદો અભિગમ દાખવે છે, તે આ તબક્કાનો સુખદ ઉન્મેષ છે. રમણભાઈએ “છંદ અને પ્રાસ” વિશેના પ્રકરણમાં એક પ્રસંગે સંગીત અને કાવ્યકલાના સ્વરૂપનો ભેદ કરતાં એમ કહ્યું છે કે કાવ્યનું સ્વરૂપ સંગીતથી વિશિષ્ટ છે. તેની સૃષ્ટિ મૂર્ત બિંબોની બનેલી છે અને બીજું, તેની ઉપાદાન-સામગ્રી શબ્દ અને અર્થ છે. એટલે કવિતાની સૃષ્ટિની મૂર્તતા અને તેના શબ્દાર્થની યથાર્થ સિદ્ધિ પ્રાપ્ત કરવાને ભાષાનું માધ્યમ છંદોલયને કદાચ અનુકૂળ ન યે નીવડે. રમણભાઈએ અહીં કાવ્યસર્જનના જટિલ કોયડાને બરાબર સ્પર્શો છે, પરંતુ પોતાની એ પછીની ચર્ચામાં એ મુદ્દાની સૈદ્ધાન્તિક ભૂમિકા તેઓ ત્યજી દે છે અને કવિતાના ઉદ્‌ભવમાં રહેલો મૂળ ભાવ જ સંગીતાત્મક લયયુક્ત હોવાથી કવિતાનો છંદ આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે એમ કહે છે. અને સમગ્ર વાઙ્‌મય ઘટના કોઈ પણ જાતના અવરોધ વિના સ્વતઃ સિદ્ધ બની રહે છે. જો કે રમણભાઈએ દીર્ઘ કૃતિઓની રચનાકલાનો ય ઉપયોગ કર્યો છે. ‘કાવ્યાનંદ’ નિબંધમાં તેમણે એમ દર્શાવ્યું છે કે ‘અનુકરણ’ અને ‘કલ્પના’ના વ્યાપારો દ્વારા કવિની મૂર્ત સૃષ્ટિનાં બિંબ ઉપલબ્ધ બને છે. આગળના પ્રકરણમાં દર્શાવ્યું છે તેમ, સર્જનની અખિલાઈવાળી પ્રક્રિયામાં ‘અનુકરણ’ અને ‘કલ્પના’ જેવી ક્રમિક પૂર્વાનુપૂર્વીવાળી અલગ પ્રવૃત્તિનો સ્વીકાર થઈ શકે નહિ. પ્રવૃત્તિનો સ્વીકાર થઈ શકે નહિ. આમ છતાં, આ ચર્ચામાં તેમણે કાવ્યની મૂર્ત સૃષ્ટિ સિદ્ધ કરવાનો જે આદર્શ રજૂ કર્યો છે તેનું આગવું મૂલ્ય છે. કાવ્યની સૃષ્ટિમાં કવિને કશુંક સિદ્ધ કરવાનું હોય છે, એ હકીકતનો અહીં સ્વીકાર થયો છે. જો કે આ ચર્ચા દીર્ઘ કૃતિના સંદર્ભમાં જ તેમણે કરી છે. આ તબક્કાની કાવ્યચર્ચામાં ઊર્મિકાવ્યનો વિચાર વધુ કેન્દ્રમાં રહ્યો છે એ હકીકત બીજી રીતે ય સ્પષ્ટ થાય છે. આ ગાળામાં કાવ્ય અને સંગીતના સંબંધ પરત્વે જે વિચારણા ચાલી છે તેમાં દેખીતી રીતે જ ઊર્મિકાવ્ય જેવી ટૂંકી રચનાઓનો ખ્યાલ અભિપ્રેત રહ્યો છે. નર્મદે એક બાજુ તેના યુગના કાવ્યરસિકો સમક્ષ ગાયન અને કવિતાનો ભેદ સ્પષ્ટ કરી આપેલો, છતાં બીજી બાજુ, ઊર્મિકાવ્ય જેવી રચનામાં સંગીતાત્મકતા કે ગેયતાનો સ્વીકાર કરેલો. નવલરામે તો સંગીત અને ઊર્મિકાવ્યના ઊગમ લેખે “પૂર્ણ રસ”ની કલ્પના જ કરી છે. એટલે ઊર્મિકાવ્યના ઊગમમાં જ હૃદયસંવાદી લય ગતિશીલ થતો હોવાનું જણાવ્યું છે. રમણભાઈ, નરસિંહરાવ અને મણિલાલ આદિ સર્વ વિદ્વાનોએ ઊર્મિકાવ્યમાં સંગીતની ઉપકારકતા સ્વીકારી છે. ઊર્મિકાવ્યમાં સંગીતતત્ત્વનો નિર્દેશ થાય એ દૃષ્ટિએ એ કાવ્યપ્રકાર માટે નર્મદે “ગીતકવિતા’, નવલરામે ‘ગાયનકવિતા’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ અને નરસિંહરાવે ‘સંગીતકલ્પકાવ્ય’ એ સંજ્ઞા પણ યોજી છે.) આમ, આ ગાળામાં ઊર્મિકાવ્યની એક વિશિષ્ટ ભાવના કેળવાયેલી જણાય છે. નરસિંહરાવે જ્યારે કવિતાના ’અર્થ’ને પોષક એવા ‘પ્રયોજિત સંગીત’ (applied music)નો આદર્શ રજૂ કર્યો ત્યારે તેમની નજર સમક્ષ આ પ્રકારની ગેયક્ષમ ઊર્મિકવિતા જ હતી. આ પ્રકારની ઊર્મિકવિતાને તેના ઊગમબિંદુમાંથી જ છંદોલય પ્રાપ્ત થાય છે અને તે ઊર્મિકાવ્યના સંવાદી લયને પોષક હોય છે. કવિતામાં પ્રાસ આદિ તત્ત્વો ય એ સંગીતતત્ત્વને પુષ્ટ કરવા આવે છે. જો કે તેઓ એ બાબતમાં બિલકુલ સ્પષ્ટ છે કે મૂળ ભાવને પુષ્ટ કરવામાં જ પ્રાસની અંતિમ સાર્થકતા તો છે. આગળ નોંધ્યું છે તેમ, આ ગાળામાં ઊર્મિકાવ્યની ચર્ચાવિચારણાની સાથોસાથ કેટલીક દીર્ઘકૃતિઓની વિચારણાયે ચાલી છે. રોમેન્ટિક કવિઓની ટૂંકી ઊર્મિકાવ્ય જેવી રચનાઓ સાથે, એ સમયના અભ્યાસીઓને, શેકસ્પિયર, મિલ્ટન, કાલિદાસ, ભવભૂતિની દીર્ધ કૃતિઓનો પરિચય થયેલો. એટલે એ સમયની કાવ્યચર્ચામાં ‘સ્વાનુભવરસિક કવિતા’ સામે ‘સર્વાનુભવરસિક કવિતા’નો વિચાર કરવાનું વલણ પ્રગટ્યું છે. નવલરામે ‘કાન્તા’ નાટકના અવલોકનમાં એ બેનો ભેદ કરી એમ નોંધેલું કે ‘સર્વાનુભવરસિક કવિતા’ માટે ઉચ્ચ કોટિનું કવિત્વ જોઈએ. તેમણે કાવ્યની જે વ્યાપક વ્યાખ્યા કરેલી તેની જોડે સુસંગત રહીને તેમણે ‘સર્વાનુભવરસિક કવિતા’નો મહિમા કર્યો છે. રમણભાઈએ ‘કવિતા’ નિબંધમાં ‘અંતઃક્ષોભ’ કે ‘પ્રેરણા’મૂલક ટૂંકી રચનાઓની પ્રતિષ્ઠા કરેલી, અને ‘સર્વાનુભવરસિક’ કવિ કરતાં ‘સ્વાનુભવરસિક’ કવિ ચઢિયાતો એવો વાદ પણ કરેલો. તેમની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં ઊર્મિકાવ્ય માટે એવો દેખીતો પક્ષવાદ રહ્યો નથી. નરસિંહરાવે ‘અસત્ય ભાવારોપણ’ (Pathetic fallacy)ના પ્રશ્નના અનુસંધાનમાં આ પ્રકારે ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એવા ભેદો સ્વીકાર્યા છે. તેમનું વક્તવ્ય એ રહ્યું છે કે પ્રાયઃ ‘સ્વાનુભવરસિક’ કવિતામાં જ ‘અસત્ય ભાવારોપણ’નો દોષ સંભવે અને ‘સર્વાનુભવરસિક’ રચનાઓમાં જેમ આત્મલક્ષિતાનું પ્રમાણ ઓછું થતું જાય તેમ તેમાં એ દોષની સંભાવના ઓછી. અંતે એક એવી ભૂમિકા આવે છે જ્યાં ‘સર્વાનુભવરસિક’ કાવ્યમાં એ દોષ સર્વથા લુપ્ત થાય છે. ‘સ્વાનુભવરસિક’ મૂલક ટૂંકી ઊર્મિકાવ્યની રચના અને ‘સર્વાનુભવરસિક’ મૂલક દીર્ઘ કાવ્ય એવા ભેદો એ પાશ્ચાત્ય કાવ્યચર્ચાનો જ પ્રભાવ દાખવે છે. ઊર્મિકાવ્યમાં એના કવિના વ્યક્તિગત ભાવનું નિરૂપણ હોય, જ્યારે દીર્ઘ કૃતિઓમાં એના સર્જક ‘સર્વ’ના ભાવમાં પ્રવેશી તેનું નિરૂપણ કરવા સમર્થ બનતો હોય છે. રમણભાઈએ દીર્ઘ કૃતિઓની સર્જકતાનો વિચાર કરતાં એ નિર્ણય તારવ્યો છે કે શેક્સપિયર આદિ મહાન સર્જકમાં રહેલું ‘સ્વાનુભવરસિકત્વ’ (એટલે કે સંવેદનશીલતા જ) અંતે તો મહાન કૃતિઓના હાર્દમાં પ્રવેશ્યું હોય છે. એક રીતે આ વિચારણામાં ‘સ્વાનુભવરસિકતા’ અને ‘સર્વાનુભવરસિકતા’નો આત્યંતિક ભેદ શમી જાય છે. અને એ દૃષ્ટિએ એ વિચારણાનું આગવું મૂલ્ય પણ છે. કવિની ‘સ્વાનુભવરસિક’ કહેવાતી કૃતિમાં તેમ ‘સર્વાનુભવરસિક’ કૃતિઓમાં ય સર્જકના ભાવોચ્છ્‌વાસનો સ્પર્શ થયો જ હોય છે. હવે આપણે આપણા અધ્યયનમાં આવેલી કાવ્યપ્રયોજનોને લગતી ચર્ચાવિચારણાનું ટૂંકું અવલોકન નોંધીશું. જો કે એ પૂર્વે એ યુગમાં કવિ દલપતરામે પ્રગટ કરેલા ખ્યાલોનો નિર્દેશ કરી લેવો આવશ્યક છે. તેઓ શુદ્ધ સદાચાર અને નીતિના હિમાયતી હતા, એટલે કવિતામાં નીતિધર્મનો ઉપદેશ હોવો જોઈએ એવો તેમનો દૃઢાગ્રહ રહ્યો છે. કવિતાનું કાર્ય મનોરંજન સાથે બોધ આપવાનું છે. વળી કવિતામાં શૃંગારના નિરૂપણને તેઓ આવકારતા નહોતા. નર્મદની કાવ્યચર્ચામાં કાવ્યની વ્યાખ્યા કરતાં ‘રસ’ તત્ત્વની પ્રતિષ્ઠા થઈ. કવિતાનું મુખ્ય કાર્ય ભાવકના હૃદયને સ્પર્શવાનું છે. કવિતા દ્વારા પ્રીતિ, સદ્‌ગુણ આદિ મૂલ્યોને પોષણ મળે છે એમ પણ તેણે નોંધ્યું છે. નવલરામે સાહિત્યમાત્રનું પ્રયોજન રસનિષ્પત્તિ છે એ હકીકત તેમનાં ગ્રંથાવલોકનોમાં ભારપૂર્વક રજૂ કરી. નાટક જેવા અભિનેય સાહિત્યપ્રકારમાં ય સીધા બોધ કે ઉપદેશનો કોઈ મહિમા નથી. રસસિદ્ધિ એ જ પ્રથમ અનિવાર્યતા છે, એવી તેમની શ્રદ્ધા રહી છે. રમણભાઈ નીલકંઠે તો કવિતાના આનંદની મીમાંસા કરતાં પ્રાચીન ભારતીય રસસિદ્ધાંતની વિશદ શાસ્ત્રીય ચર્ચા કરી. ‘કાવ્યાનંદ’ લેખમાં તેમણે મમ્મટના કાવ્યપ્રકાશમાં નિરૂપાયેલા અભિનવના મતનું નિરૂપણ કર્યું અને કાવ્યપ્રયોજન લેખે શુદ્ધ રસ—આનંદતત્ત્વની પ્રતિષ્ઠા કરી. રમણભાઈએ રસનિરૂપણ કરી આપણી વિવેચનામાં રસસિદ્ધાંતને દૃઢમૂલ કર્યો. એ લેખમાં જ તેમણે પ્લેટોએ કવિતા સામે લીધેલા અપવાદોનો રદિયો આપતાં કવિતા અને નીતિના સંબંધનો પ્રશ્ન ય છણ્યો છે. એમાં તેમનું વક્તવ્ય એ રહ્યું છે કે કવિતાનો એકમાત્ર ધર્મ રસનિષ્પત્તિનો છે. શુદ્ધ રસાનુભવ કરાવતી રચના નીતિવિરોધી હોઈ શકે જ નહિ, એવી તેમની પ્રતીતિ છે. વળી, કવિતાના મૂળમાં જે પ્રેરણાતત્વ રહ્યું છે તેમાં વિશ્વજીવનનાં રહસ્યો આપોઆપ પ્રગટ થાય છે એટલે કવિતા દ્વારા પરોક્ષ રીતે જ્ઞાન, બોધ કે ભાવનાઓનું આકલન થાય છે જ. જો કે કાવ્યનો મુખ્ય ધર્મ તો કાવ્ય બનવાનો જ છે. એ હકીકત તેમની એ વિશેની વિચારણામાં કેન્દ્રસ્થાને રહ્યો છે. નરસિંહરાવે પણ કાવ્યપ્રયોજન લેખે રસનિષ્પત્તિનું જ મૂલ્ય સ્વીકાર્યું છે. કવિતા એ જીવનની સમીક્ષા છે એ ખરું પણ તેનું યથાર્થ મૂલ્ય તો સૌંદર્યાનુભવ કરાવવામાં રહ્યું છે. મણિલાલે તો રસતત્ત્વને જ શ્રેયસ્કર ગણ્યું છે. સ્થૂળ લાગણી લૌકિક વૃત્તિયુક્ત હોઈ સ્થૂળમાં રાચે છે અને ક્રિયાશીલ બને છે. સૂક્ષ્મ રસતત્ત્વ સ્વયંપર્યાપ્ત હોઈ તે સ્વ-રૂપમાં જ આનંદે છે. અને એવું રસતત્વ અનીતિ કે અનાચારનું સ્વભાવતઃ વિરોધી જ હોય છે. આમ, આ વિદ્વાનોની કાવ્યચર્ચામાં પ્રાચીન ‘રસ’ના સંપ્રત્યયની પ્રતિષ્ઠા થઈ. કવિતાની ચમત્કૃતિ તો શુદ્ધ રસાનુભવમાં રહી છે એ હકીકત પણ ભારપૂર્વક સ્પષ્ટ થઈ. કવિતાનું મૌલિભૂત પ્રયોજન એ પ્રકારના શુદ્ધ રસાનુભવની પ્રાપ્તિમાત્ર છે. જો કે ઉપદેશ કે બોધના તત્ત્વનો તેઓ સીધો ઇન્કાર કરતા નથી. કાવ્યના ‘રસ’ની સ્થિતિમાં જ તેઓ શ્રેયસ્કર કે શિવંકર તત્ત્વનો અંશ જુએ છે. આમ, કાવ્યપ્રયોજનોની બાબતમાં આ ગાળાના ચિંતકોનું લક્ષ રસતત્ત્વ પર જ રહ્યું છે. હવે જોઈશું કવિતા અને સત્યના સંબંધને લગતી કાવ્યચર્ચા. રમણભાઈ, નરસિંહરાવ, મણિલાલ, આચાર્ય આનંદશંકર આદિ વિદ્વાનોએ રમણભાઈની મૂળ ‘વૃત્તિમય ભાવાભાસ’ (Pathetic Fallacy)ની ચર્ચા નિમિત્તે જે વાદ ચલાવ્યો તેમાં કાવ્ય અને વાસ્તવના સત્યનો પ્રશ્ન જ ભૂમિકામાં રહ્યો છે. રસ્કિનને અનુસરી રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ એ લેખમાં વૃત્તિમય ભાવાભાસના દોષની વિગતે છણાવટ કરી. તેમાં મણિલાલ અને આચાર્ય આનંદશકરના પ્રસ્તુત વિષયના મુદ્દાઓનો રમણભાઈએ ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો. નરસિંહરાવની ચર્ચા એ વિદ્વાનોની વિચારણાથી પ્રેરિત છતાં પ્રસ્તુત વિષયના નિરૂપણમાં સ્વતંત્ર અભિગમ દાખવે છે. આ ચર્ચાની માંડણીમાં આ વિદ્વાનોની દાર્શનિક ભૂમિકા ભાગ ભજવી જાય છે. રમણભાઈએ પહેલેથી ગૃહિત કરી લીધું છે કે પ્રકૃતિ જડ છે, તેમાં માનવસહજ લાગણીઓ સંભવે નહિ. તેમણે વળી એમ પણ સ્વીકાર્યું છે કે પ્રકૃતિમાં ગાંભીર્ય, આનંદ આદિ શાશ્વત ભાવો સંભવે છે. કદાચ તેમની આ મૂળ દૃષ્ટિ જ તર્કયુક્ત જણાતી નથી. આપણે માટે જે મહત્ત્વનો મુદ્દો છે તે એ કે રમણભાઈએ એક પક્ષે કવિ કલ્પનાના વિલાસને અમુક હદ સુધી સ્વીકાર્યો છે, તો બીજે પક્ષે પ્રકૃતિમાં માનવભાવનું આરોપણ સીધેસીધું થાય તે સામે અપવાદ લીધો છે. મણિલાલ અને આચાર્ય આનંદશંકર કવિપ્રતિભાની અલૌકિકતા સ્વીકારે છે અને તેની કલ્પનાના વિલાસને કોઈ બંધન નથી એમ કહે છે. આચાર્ય આનંદશંકર તો કાવ્યસૃષ્ટિના આગવા વાસ્તવનો જ પુરસ્કાર કરે છે. રમણભાઈનું મંતવ્ય એવું હતું કે પ્રકૃતિમાં માનવભાવનું આરોપણ કરવાથી સત્યનો દ્રોહ થાય છે. એ પ્રસંગે તેમને ‘સત્ય’ દ્વારા પ્રચલિત અનુભવનું જ્ઞાન જ અભિપ્રેત છે. આપણા રોજિંદા અનુભવમાં પ્રકૃતિ જડ હોવાનું લાગે અથવા શાસ્ત્રવિજ્ઞાન તેને જડ ઠેરવે, એટલે પ્રકૃતિ જડ છે એવો એક ખ્યાલ ‘સત્ય’ રૂપે પ્રતિષ્ઠિત થયો. આ પ્રકારનું ‘સત્ય’ કવિતામાં ભાવારોપણના પ્રસંગે, નષ્ટ થાય છે એમ રમણભાઈનો ખ્યાલ રહ્યો છે. મણિલાલ અને આચાર્ય આનંદશંકર કાવ્યસૃષ્ટિની અલૌકિતતા પર ભાર મૂકે છે. આચાર્ય આનંદશંકરે એમ પણ કહ્યું છે કે “કવિની સત્ય વિરુદ્ધ કલ્પનાનો ઉદ્દેશ ભાવનાત્મક સત્યને પ્રત્યક્ષ કરી આપવાનો છે.” અર્થાત્‌ દેખીતી નજરને સત્ય વિરુદ્ધ લાગતી કવિની કલ્પના દ્વારા તો ભાવનાત્મક સત્ય પ્રત્યક્ષ થાય છે. આ ભાવનાત્મક સત્ય તે કોઈ રોજિંદા અનુભવ, તથ્ય કે શાસ્ત્રવિજ્ઞાનનું સત્ય નહિ, પણ સહૃદય ભાવકની પ્રતીતિમાં આવતું સત્ય છે. આમ તેમણે કાવ્યસૃષ્ટિના વિશિષ્ટ ભાવનાત્મક સત્યનો અને તે કારણે તેના આગવા વાસ્તવનો જ મહિમા કર્યો છે. રમણભાઈ નીલકંઠે આચાર્ય આનંદશંકરની આ સૈદ્ધાન્તિક ભૂમિકાનો ઘણે અંશે સ્વીકાર કર્યો છે છતાં તેઓ ‘ભાવારોપણ’ના દોષને અનુલક્ષીને પોતાની ભૂમિકાનું સમર્થન કરવા પ્રયત્નશીલ રહ્યા છે. તેઓ નોંધે છે કે “કલ્પના તે કવિનું મહાન સાધન છે, કલ્પનાની પાંખો વડે જ સાધારણ રસહીન જનસમૂહના સંસર્ગમાંથી ઊંચે ચડી અદ્‌ભુતતાનું દર્શન કરી શકે છે. જ્યાં સુધી સાધન અને સાધ્યના ભેદની વિસ્મૃતિ ન થાય અને કલ્પના તે જ ‘ભાવનાત્મક સત્ય’ છે એવો ભ્રમ ન થાય ત્યાં સુધી કલ્પનાની ગતિને કંઈ પ્રતિરોધ નથી” પ્રસ્તુત વિધાનમાં તેઓ કલ્પનાનું ગૌરવ તો કરે છે. કાવ્યાનુસંધાનની ક્ષણે સાધન-સાધ્યનો, કલ્પના અને સત્યની એકરૂપતાનો તેઓ સ્વીકાર પણ કરે છે. પરંતુ કાવ્યવાસ્તવનો અનુભવ એ સ્વયં કોઈ ‘સત્ય’ની પ્રતીતિ નથી. “કલ્પના તે જ ભાવનાત્મક સત્ય એવો ભ્રમ ન થાય ત્યાં સુધી કલ્પનાની ગતિને કંઈ પ્રતિરોધ નથી.” એ વિધાનમાંથી એવું ફલિત થાય છે કે કાવ્યવાસ્તવના અનુસંધાનની ક્ષણે જે ‘ભાવનાત્મક સત્ય’ નો બોધ થાય છે તે તો કાવ્યવાસ્તવના સંદર્ભની બહારના જગતના અન્ય સત્યની તુલનામાં મિથ્યા કે ભ્રમરૂપ જ નીવડે છે. આમ આચાર્ય આનંદશંકરની ભૂમિકાનો આપોઆપ જ અસ્વીકાર થઈ જતો જણાય છે. નરસિંહરાવે પોતાના “અસત્ય ભાવારોપણ” (Pathetic Fallacy) એ લેખમાં “ભાવારોપણ”ના દોષની ચર્ચા કરતાં રમણભાઈ, મણિલાલ અને આચાર્ય આનંદશંકરના કરતાં જુદો જ અભિગમ સ્વીકાર્યો છે. તેમણે કવિની કલ્પનાશક્તિના સ્વરૂપ કરતાં કવિતાના આત્મલક્ષી તત્ત્વને વધુ કેન્દ્રમાં આણ્યું છે. પોતાની સૈદ્ધાન્તિક ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે એમ પ્રતિપાદિત કર્યું છે કે ‘સર્વાનુભવરસિક’ કવિતા કરતાં ‘સ્વાનુભાવરસિક’ કવિતામાં અસત્ય ‘ભાવારોપણ’ના દોષને વધુ અવકાશ રહે છે. ‘સ્વાનુભવરસિક’ કવિતાનો કવિ લાગણીવશ અવસ્થામાં પ્રકૃતિના પદાર્થોમાં સ્વકીય ભાવનું આરોપણ કરે એમ બનવાનું. એ સંજોગોમાં પ્રકૃતિનું સાચું સ્વરૂપ રજૂ થતું નથી. એટલે જ એ દોષ અસત્ય ભાવારોપણનો દોષ ગણાવાયો છે. અહીં પ્રકૃતિનું સાચું સ્વરૂપ તે આપણને પરિચિત એવું જ્ઞાન કે શાસ્ત્રસંમત જ્ઞાન એમ અભિપ્રેત છે. એટલે જ તેમણે કવિકલ્પનાના વિલાસમાં સંભવાસંભવનો વિચાર કરતી વખતે સિદ્ધ થયેલી કવિતાના સંદર્ભ કરતાં આપણને પરિચિત સ્થૂળ એવા સત્ય પર, નજર ઠેરવી છે. તેમણે પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં જે અનેક કાવ્યકૃતિઓની આલોચના કરી તેમાં ઘણે પ્રસંગે ‘ભાવારોપણ’નો વ્યાપાર શોધી બતાવ્યો છે. પરંતુ જ્યાં જ્યાં તેમને કાવ્યસિદ્ધિનો અનુભવ થયો છે ત્યાં ત્યાં તેમણે ‘ભાવારોપણ’નો બચાવ કરવાનો પ્રયત્ન યે કર્યો છે. તેમાં એક પક્ષે કવિકલ્પનાનો અસાધારણ ઉલ્લેખ અને બીજે પક્ષે આપણા રોજિંદા અનુભવમાં આવતાં સ્થૂળ સત્ય એ બે વચ્ચે ખેંચતાણ જારી રહી છે. અને તેનું દેખીતું કારણ એ જણાય છે કે કવિતાના વિશ્વમાં ય તેઓ આપણાં પરિચિત જગતના (સ્થૂળ) સત્યને શોધવાનો આગ્રહ રાખી રહ્યા છે. આચાર્ય આનંદશંકરે તો કાવ્ય વિશ્વને વ્યવહાર જગતથી ભિન્ન આગવો વાસ્તવ હોય છે એ વિચાર ભારપૂર્વક પ્રતિષ્ઠિત કર્યો છે. પરંતુ નરસિંહરાવને તે સ્વીકાર્ય બન્યો હોય એમ જણાતું નથી. તેમણે માત્ર સૈદ્ધાન્તિક ભૂમિકાનું સમર્થન મેળવવાને બદલે સિદ્ધ થયેલી કવિતાના સંદર્ભને વધુ લક્ષમાં લીધો હોત તો તેઓ પણ કાવ્યવાસ્તવનો સ્વીકાર સરળતાથી કરી શક્યા હોત, એમ કહેવું જોઈએ. ગમે તે હો, રમણભાઈએ ઉપાડેલી “વૃત્તિમય ભાવાભાસ”ની ચર્ચામાંથી વાદ પ્રતિવાદ રૂપે આપણે ત્યાં વિશાળ કાવ્યચર્ચા સંભવી અને તેમાં કાવ્યસૃષ્ટિનું સ્વરૂપ, કવિતાનો બાહ્ય જગત જોડેનો સંબંધ, કવિકલ્પનાનું સ્વરૂપ (Nature of Imagination ) આદિ અનેક મુદ્દાઓ સંકળાતા રહ્યા. રમણભાઈ, મણિલાલ, આચાર્ચ આનંદશંકર અને નરસિંહરાવ એ સર્વ પીઢ સાક્ષરોએ પોતપોતાના દૃષ્ટિકોણથી આ વિષયમાં વિચારવિમર્શ કર્યો અને આપણું કાવ્યવિવેચન સમૃદ્ધ બન્યું. આ વિશેની ચર્ચાનું સમાપન કરતાં અંતમાં એટલું જ નોંધીશું કે એ વિદ્વાનોમાં આચાર્ય આનંદશંકરની કાવ્યચર્ચા વધુ ગહન અને તલસ્પર્શી બની છે. તેમણે કાવ્યસૃષ્ટિના વિશિષ્ટ વાસ્તવનો મહિમા કર્યો અને તે સાથે જ એ સૃષ્ટિના મૂળમાં રહેલી કવિપ્રતિભાનું ય ગૌરવ થયું. અત્યાર સુધી આપણે આપણા અધ્યયનમાંની કાવ્યચર્ચાના મુખ્ય મુખ્ય પ્રશ્નોનું અવલોકન કર્યું. હવે આપણે એ તબક્કાની વિવેચનાને અનુલક્ષી કેટલાંક વૃત્તિવલણો નોંધીશું. આ ગાળાની વિવેચનાનું અવલોકન કરતાં પ્રથમ જે હકીકત નજરે ચઢે છે તે એ કે એમાં અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યમીમાંસાના, વિશેષતઃ અંગ્રેજી કાવ્યમીમાંસાના પાયાના સંપ્રત્યયો વધુ વિનિયોગ પામ્યા છે. નર્મદથી મણિલાલ સુધીના સર્વ ચિંતકોએ એ બે વિભિન્ન પરંપરાના કાવ્યવિચારોને સાથે મૂકી આપી તેનો તુલનાત્મક વિચાર કરવાના અને શક્ય ત્યાં તેનો સમન્વય કરવાના ઓછાવત્તા પ્રયત્નો કર્યા છે. એમાં રમણભાઈ નીલકંઠ અને કંઈક અંશે નરસિંહરાવના પ્રયત્નો નોંધપાત્ર છે. જો કે એમની ઘણીખરી કાવ્યચર્ચાની માંડણી પાશ્ચાત્ય કાવ્યવિચારણાના કોઈ કોઈ પ્રશ્નને અનુલક્ષીને થયેલી છે. રમણભાઈએ કાવ્યના આનંદતત્ત્વની મીમાંસા કરતાં અભિનવગુપ્તના રસસિદ્ધાંતનું જે વિશદ નિરૂપણ કર્યું તે ય આનંદમીમાંસાના અન્તર્ગત ભાગ લેખે જ. આપણા અધ્યયનમાં આવેલ કાવ્યચર્ચામાં એક બીજી નોંધપાત્ર વાત એ છે કે એમાં પદ્યરચનાના પ્રશ્નો પરત્વે અને તેમાંયે આપણા પિંગળ પરત્વે ઠીક ઠીક લક્ષ અપાયું છે. પ્રાચીન અલંકારશાસ્ત્રની પરંપરામાં કાવ્યશિક્ષણના અંગ લેખે પિંગળ શીખવાતું એ તો જાણીતી વાત છે. પરંતુ નવી આરંભાતી કાવ્યવિવેચનામાં પિંગળની વિચારણા આગવું મહત્ત્વ ધરાવે છે. એનું કારણ એ જણાય છે કે આ ગાળાના વિદ્વાનોએ રચનાકલાના અંગ રૂપે છંદસિદ્ધિનો વિચાર ઠીક ઠીક પ્રમાણમાં કેન્દ્ર સ્થાને રાખ્યો છે. રમણભાઈ અને નરસિંહરાવે તો ઊર્મિકાવ્યની સર્જકતાને વિશે એવો ખ્યાલ કેળવ્યો જણાય છે કે કવિચિત્તમાં ઉદ્‌ભૂત થતી લાગણી સ્વયં પદ્યરૂપ ધારણ કરી લે છે, એમાં મૂળની લાગણીમાં અંતર્હિત લયની ગતિ આપોઆપ જ છંદોલય સિદ્ધ કરી લે છે. આગળ નોંધ્યું છે તેમ, આ ગાળામાં કવિતાના માધ્યમ લેખે ભાષાનો પ્રશ્ન એ બિલકુલ નહિવત્‌ મહત્ત્વ પામ્યો છે. કાવ્યસર્જનની પ્રક્રિયામાં મૂળની લાગણી સ્વયં કાવ્ય સિદ્ધ કરી લે છે. એટલે કાવ્યની ચર્ચામાં મૂળની લાગણી અને પદ્યબંધારણ એ બે જ ઘટકો કેન્દ્રમાં આવ્યાં છે. પરિણામે પદ્યબંધારણના પ્રશ્ન નિમિત્તે આપણા અક્ષરમેળ, માત્રામેળ વૃત્તો આદિનો વિચાર કરવાનું વલણ પ્રબળ રહ્યું. નવલરામ અને વિશેષતઃ નરસિંહરાવે પિંગળના ક્ષેત્રમાં જે વિસ્તૃત કાર્ય કર્યું છે તેનું મુખ્ય કારણ આ જ જણાય છે. આ તબક્કાની કાવ્યચર્ચામાં કેટલાક મહત્ત્વાકાંક્ષી ઉન્મેષો ય પ્રગટ્યા છે. નવલરામે નવીન ‘રસશાસ્ત્ર’(Aesthetics)ની કલ્પના કરેલી. તેમણે ‘રસ’ના સંપ્રત્યયને જુદા જુદા સંદર્ભમાં મૌલિક દૃષ્ટિએ ઘટાવવાના યત્નો કર્યા. વળી, પાશ્ચાત્ય ‘સૌંદર્ય’ના સંપ્રત્યય જોડે સાંકળી લેવાનો પ્રયત્ન પણ તેમણે જ કરેલો. રમણભાઈએ ‘કવિત્વરીતિ’ના સંપ્રત્યયની વ્યાખ્યા કરતાં કવિત્વમય ભાવની અભિવ્યક્તિ અને તેમાંથી સિદ્ધ થતી અખિલાઈની ઝાંખી રજૂ કરી છે. એ જ રીતે ‘કાવ્યાનંદ’ નિબંધમાં કવિસૃષ્ટિની મૂર્તતાના ખ્યાલને સ્પષ્ટ કરતાં તેમાંનાં ‘બિંબો’ની સમજણ પણ સુંદર રીતે વ્યક્ત કરેલી છે. નરસિંહરાવે તો સર્વ લલિત કલાઓના સર્વસાધારણ તત્ત્વે લેખે ’રસ’ની પ્રતિષ્ઠા કરી છે. હકીકતમાં, નર્મદથી આરંભાતી આપણી નવી કાવ્યવિવેચનામાં ‘રસ’નો સંપ્રત્યય લગભગ કેન્દ્રસ્થાને રહ્યો જણાય છે. આપણા પ્રાચીન તેમ જ નવીન સાહિત્યની મુલવણીના એક મહત્ત્વના નિકષ લેખે ‘રસ’નો સંપ્રત્યય પ્રતિષ્ઠિત થયો છે. એ રીતે આરંભકાળમાં જ આપણી કાવ્યવિવેચનાને ‘રસ’ના સંપ્રત્યયની એક સંગીન આધારશિલા સાંપડી છે. વળી, એ ગાળામાં જે વ્યાપક કાવ્યચર્ચા ચાલી, તેમાં અલંકાર, રીતિ, ધ્વનિ આદિ સંપ્રત્યયોનો ય ઉચિત વિનિયોગ થતો રહ્યો. આમ, આપણા પ્રાચીન અલંકારશાસ્ત્રના પાયાના સંપ્રત્યયોની પુનર્વ્યાખ્યા થઈ અને ક્રમશઃ તેની ઉચિત પ્રતિષ્ઠા પણ થઈ. અંતમાં આપણે એમ નોંધીશું કે આપણા અધ્યયનમાં આવેલા નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિલાલ નભુભાઈ એ વિદ્વાનોની કાવ્યતત્ત્વવિચારણા દ્વારા આપણા કાવ્યશાસ્ત્રની એક સંગીન ભૂમિકા રચાઈ. એ વિદ્વાનોએ કેટલીકવાર આપણી રચાતી કવિતાના સંદર્ભમાં અને વિશેષ કરીને પોતાના અધ્યયનની પ્રેરણા પામી કાવ્યવિષયક સૂક્ષ્મ ચર્ચાવિચારણા આદરી. એમાં પૂર્વપશ્ચિમની કાવ્યચર્ચાના અનેક પાયાના ખ્યાલો પ્રતિષ્ઠિત થયા. કેટલીક વાર એ બે વિભિન્ન પરંપરાનાં સંપ્રત્યયોને સાંકળી વ્યાપક કાવ્યસિદ્ધાંત રચવાના પ્રયત્નો યે થયા. અને એ રીતે એ સંપ્રત્યયોની પુનર્વ્યાખ્યા કરવાની આવશ્યકતાયે ઊભી થઈ. આમ, આપણી કાવ્યચર્ચાનું ક્ષેત્ર વિસ્તરતું ગયું અને તેના વ્યાપમાં અનેક સંકુલ ખ્યાલો સ્થાન પામતા ગયા અથવા અનેક સંપ્રત્યયોનો સમન્વય સાધી કાવ્યસિદ્ધાંત સંકુલતા ધારણ કરતો રહ્યો. આ સમયની કાવ્યવિવેચનામાં પૂર્વપશ્ચિમના કાવ્યસિદ્ધાંતનો જેમ યોગ થયો તેમ એ સાથે જ પૂર્વપશ્ચિમની કવિતાની ભૂમિકાયે સાંપડી. અંતે તો કાવ્યતત્ત્વવિચારણાનો કેન્દ્રવર્તી વિષય છે કવિતાની રસચેતના. કવિની અનુભૂતિ-અભિનવે જેને ‘કવિગતોરસ’ કહી છે—એ જ કાવ્યવિશ્વનો સ્રોત છે. એ ‘રસ’ની પરમ સત્તા ગૂઢ અને અકળ વસ્તુ છે. કવિતાની જીવાતુભૂત રસચેતના અંતે તો આ વિશ્વસર્જકમાંથી ગૂઢ સ્રોત રૂપે પ્રગટે છે. કવિની કવિતા એ રસચેતાનાનું આકલન કરવા ચાહે છે તો વિવેચક એ રસચેતનાનું જ અનુસંધાન કેળવતો હોય છે. સર્જન અને વિવેચન—એ બે પ્રવૃત્તિઓનું ગૌરવ કરતાં સુંદરમ્‌ કહે છે : “બેશક, કાવ્યસર્જન અને વિવેચન તે એક જ વસ્તુ છે એમ તો નથી જ, એ બંનેમાં આકારભેદ અને પ્રવૃત્તિભેદ છે, વૃત્તિભેદ તેમજ તત્ત્વભેદ છે, છતાં બંનેની પાછળનો ધબકાર એક છે અને તે બંનેની ગતિઓ એકરૂપ નહિ તો પણ સમાંતર તો છે જ. કવિ અને વિવેચક બંને જણ એ જ મૂળભૂત વસ્તુનું અનુશીલન કરે છે અને તેની અભિવ્યક્તિ સાધે છે. બંને જગતના વ્યક્ત અને અવ્યક્ત સૌંદર્ય અને સત્યનું અનુસંધાન કરે છે, અને તેને અભિવ્યક્ત કરે છે. અને એ સત્ય અને સૌંદર્યની જગતમાં અભિવૃદ્ધિ થાય તે માટે સરખી રીતે સક્રિય રહે છે. આમ વિવેચકની પણ સર્જકતા છે. અને એ સર્જકતા તે કેટલીક વાર તો કાવ્યના સર્જક કરતાં પણ ઘણી ઉચ્ચ કોટિની સર્જકતા બની જતી હોય છે. વિવેચક આમ તો સર્જકની કૃતિને પગલે પગલે ચાલતો હોય છે, મહાપ્રતિભાશીલ સૌંદર્યદૃષ્ટાસર્જક કવિઓની રમ્ય સૃષ્ટિનો તે મુગ્ધ પ્રપૂજક બની તેનાં સૌંદર્યપગલાંને પૂજતો પૂજતો આગળ વધે છે. પરંતુ કેટલીકવાર સર્જક કરતાં વિવેચકની અવસ્થા ઘણી ઉન્નત અધિત્યકાની હોય છે. કેમકે સર્જકો અને વિવેચકોની અનેક ઉચ્ચાવચ કોટિઓ હોય છે એ વાત તો આપણે જોઈ ગયા અને એ ઉન્નત અધિત્યકા પરથી આવતો વિવેચકની પર પ્રજ્ઞા નો સ્પર્શ સર્જકને પોતાને જ એક નવી દૃષ્ટિ અને શક્તિ બક્ષે છે. એવા વિવેચકના સ્પર્શથી પુનિત અને પુષ્ટ બનેલો સર્જક એ વિવેચકનું પોતાનું જ સર્જન બની રહે છે.” અહીં અંતમાં આપને એટલું જ પ્રાર્થીશું કે ગુર્જર ભારતીની રસચેતના સદાયે વિલસતી રહો—અને એ રસચેતનાની પ્રેરણા પામતો વિવેચક તેને મળ્યા કરશે. આપણી કવિતા અને કાવ્યવિવેચનાનું ક્ષેત્ર સતત વિલસ્યા કરો.