ગુજરાતી અંગત નિબંધો/શબ્દની શક્તિ


શબ્દની શક્તિ -- જયંતિ દલાલ



ગુજરાતી અંગત નિબંધો • શબ્દની શક્તિ – જયંતિ દલાલ • ઑડિયો પઠન: રમણ સોની

શેરીને શરૂઆતમાં જ ધ્વન્યાલોક તરીકે ઓળખાવી છે. આમાં માત્ર શબ્દશોખ નથી. શેરીનાં માનવી બોલે તે સમયે એમના મનમાં કયો ભાવ છે એ જાણવાનું યંત્ર શોધાયું હોય તો દુનિયાને એક તદ્દન નવી વાતની ખબર પડત. ‘કેમ છો? મઝામાં?’

[પણ મનમાં કહેશે : ‘ક્યાંથી પ્રભાતના પો’રમાં ભટકાયો! અપશુકન થયા. કોણ જાણે દહાડો કેવો જશે?’]

‘પધારો પધારો.’

[‘તું એમ જાણે છે કે અમે નથી સમજતા? સ્વાર્થ વિના તું આંખ પણ પલકારે નહીં તો!’]

‘કેમ દેવદર્શને?’

[‘દંભ તો જુઓ! બિલ્લીબાઈ હજ કરવા ચાલ્યાં!’]

આ તો ‘ધ્વનિ’નો માત્ર એક જ પ્રકાર નોંધાયો. પણ એના બીજા પ્રકાર તો આ કરતાં ઘણા જલદ છે. શબ્દની દાહક શક્તિનો પરિચય જેટલો શેરીમાં મળશે એટલો બીજે ક્યાંય નહીં મળે. સાદા શબ્દમાં ય વડવાનલની પ્રચંડ ગરમી સમાવી શકાય છે, એ વાતની ખાતરી તો શેરીમાં જ થઈ શકે છે. એ શબ્દ પાછળ પ્રતાપી વ્યક્તિત્વ કે મનોબળ નથી હોતું એ સાચી વાત. શાપ દેવાની શક્તિ પણ આખરે તો એકરાગી વિશુદ્ધિમાંથી જ પાંગરી શકે. શેરી પાસે એ નથી. પણ એનો અર્થ એ નથી કે એની વાજબી કે ગેરવાજબી દાઝને કાલાગ્નિ જેવા શબ્દોમાં એ કંડારી નથી આપતી. શેરી શબ્દને રમાડી પણ જાણે છે. કમનસીબે એમાં સાચી ચાતુરી કરતાં ક્ષણને જીવી જવાની, અણીને ચુકાવવાની વૃત્તિ વધુ જોર કરતી હોય છે. ‘બળિયા સાથે બાખડી ન હોય. ભીખની ભાઈયાળી ન હોય.’ આ બધાં શેરીએ આચરી બતાવેલાં સૂત્રો છે. એક બનેલો બનાવ નોંધપાત્ર છે. લગ્નનું ઘર છે. વિધવાનો પુત્ર પરણે છે. બધા પહોંચતા છે. સગાંવહાલાં સહુ ટોળે મળ્યાં છે. દેખાવ પૂરતાં પણ સહુ કોઈ કામમાં સાથ આપે છે. ચોકમાં જ રસોઈ થઈ રહી છે. ખૂણામાં ઘીની નળી પડી છે. વિધવા ચકોર આંખે બધું જુએ છે. દેરાણીઓ, ભાણેજીઓ, ભત્રીજાવહુઓ બધાની તાલમેલ એની નજર બહાર નથી. મોટાં નણંદબા મોં ચઢાવી ફરે છે, એની પણ એને જાણ છે. અને એવામાં જ નણંદ આમ જાણી જોઈને, પણ દેખાવ આથડી પડ્યાનો કરીને, ઘીની નળીને ઠેબું મારે છે. ઘી ચોકમાં રેલાય છે. સહુએ આ પોતપોતાની રીતે જોયું છે, પણ બીજું કોઈયે બોલે તે પહેલાં વૃદ્ધ વિધવા જ બોલી ઊઠે છેઃ ‘જોજો બહેન! દાઝ્યાં તો નથી ને!’ સામાજિક આપત્તિને જીરવવાની, એને આવો ઊર્ધ્વગામી આકાર આપવાની શક્તિ પણ શેરીમાં એક કાળે હતી. આજ એ લગભગ સાવ નષ્ટ થઈ છે. ક્યાંક કોક વાર એ દિલની દિલાવર અજાણ્યે ખૂણે ઝબકારો મારી જાય એટલું માફ.

[‘શહેરની શેરી’,૧૯૪૮]