ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/અંદર
અંદર
કિશોરસિંહ સોલંકી
આ અંદર અંદર શું છે?
અંદર પડી છે તિરાડો
અણીદાર તડકાની શૂળ
ભોંકાઈ રહી છે અંદર ને અંદર
અંદરના ઉપાય માટે
કોઈ હકીમ બોલાવો
અંદર નસ્તર મુકાવો
અંદરના તળિયેથી
ઝમતો શિયાળો
અંદર ઊંજણ ઊંજાવો
અંદર દીવેલ પુરાવો
અંદર વગડો વાગે
તડકો વાગે
હરતાં-ફરતાં અંદર અંદર
એરું આભડે!
અંદર ઊભો વાગે દાભ
અંદર ગગડે આખું આભ
અંદર ચોમાસું તરસે મરે
અંદર વીરડા ગળાવો
અંદર પાણી છલકાવો
અંદર દરિયો બેઠો છે ચૂપ!
તેથી પૂછું છું તમને :
આ અંદર અંદર શું છે?