ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ઉત્તરાયણ


ઉત્તરાયણ
પન્ના ત્રિવેદી

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ
પતંગના ભાગ પાડતી માએ
ગુલ્લા, સિતારાવાળી રંગબેરંગી પતંગોનો
ઢગલો કરતાં કહેલું :
‘લે, આ તારો ભાગ!’

આજે સમજાય છે મા
તેં
સદીઓ જૂના બંધિયા૨ ૨સોડામાં
એક કિશોરીના હાથમાંથી
ચીકીનો ગૉળ લઈ લઈ
જીવન આખુંય ભરી દીધું ગૉળની મીઠાશથી

આજે સમજાય છે મા
ત્યારે
તેં
પતંગ નહોતી આપી કેવળ
આપ્યું આખુંય આકાશ
ને દોરી? દોરી જ ક્યાં હતી?
એ તો હતી પાંખ!