ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક કલાકારનું વ્યાકુળ રૂપક


એક કલાકારનું વ્યાકુળરૂપક
(ચિત્રકાર જગદીપ સ્માર્ત માટે) પીયૂષ ઠક્કર


એ એકલો હોય છે ત્યારે
એની આંગળીઓ ફંફોસ્યા કરે વિસ્તૃત આકારો
ને મંડળીમાં હોય છે ત્યારે
એની આંખો ખોળ્યા કરે પોતાને

એ જે ઝડપથી આકારોને કૅન્વાસ પર ઉકેલે છે
એથીય વધારે ઝડપથી એ જ બધામાંથી અળગો થઈને
અધઊઘડ્યા આકારોને વલખતા મૂકીને
ચાલી નીકળે છે એક બીજા કૅન્વાસ તરફ

નિર્દય જણાતો એ ચિત્રકાર
એની એકલતામાં ફરીને, ફરી ફરીને
એક આકારોની સ્મૃતિમાં વ્યાકુળ બનતો
મમતથી, થાક્યા વિના, ફરીને ફંફોસ્યા કરે
એકલતાનો એ અમર્યાદ રાખોડિયો અવકાશ


ક્યાંકથી કાગડો બોલે
એ નજરે પડે એ પહેલાં
એના પગ તળેના મહોરાની નિશ્ચલ વ્યાકુળતા ડારે
પાસેના નટમાં હકીકત અને નાટક વચ્ચેની અસમંજસ હોય
તો ત્યાં પેલી તરફ કોક ગણિકાની સાથળ પરથી
ઊતરતો સર્પ ફરીને બીજી સાથળ પર વીંટળાતો જણાય
સામે ઊભેલો પુરુષ ઉત્કટ આંખે એને જુએ
ભયના થડકારથી એના શ્વાસ છાતીમાં ધુમાય
ઉપર સાવ નિર્જીવ, નીરસ સૂત્રધાર
ઘસાઈ ગયેલી સૂર્ય-ચંદ્રની મહોરોને
બન્ને હાથમાં લટકાવીને અન્યમનસ્ક ખોડાયો હોય
એમાં જ ક્યાંકથી પોતાને સંકોરી ચાલતો પિપૂડીઓ વેચનારો
પિપૂડી વગાડતો જાય
ને આપણે કશું જ સાંભળી શકીએ નહીં.
આપણને થાય, થાય કે
કદાચને કશુંક કોક બોલે કે કૈંક હરફ કાને પડે
કશોક ક્યાંકથી પવન ફૂંકાય ને
આ ભૂલાં પડેલાં હતપ્રભ પાત્રો
ફરીને ચાલતાં થાય
ફરીને કોક નાટક નવું જ આરંભાય
-પણ, આમાં, આપણને આવું આવું તો કૈંકે થાય
ને બીજે બીજું કશું જ ના થાય.


એણે કફની કોટે કવચની જેમ અપનાવી છે
ને ફ્રેંચ દાઢી કતરાવી છે
માથે શ્વેત-શ્યામ જુલફાંમાં એનાં હળવી કંઈક ખુમારી છે
આંખે ચઢાવેલાં ચશ્માંમાંથી ડોકાતી
બ્હાવરી નજરોને હજીય એણે બચાવી છે
આજ જુઓ તો પળમાં બાદશાહખાનનો તુમાર બતાવે
ને આમ જુઓ તો સાવ ગભરુ ભૂલો પડેલો
– એક ભલો માણસ બનીને આપણને પિગળાવે
ચિંતિત પિતા, પ્રેમાળ પતિ ને વાત્સલ્યભર્યો એ શિક્ષક
મિત્રોનાય પડછાયા સાચવે, પખાળે, ને છૂપા સંકેતોમાં
-સ્વપ્નોની આપ-લે કરે
ને આમ જુઓ તો સાવ એકલો, પોતાને જ મનાવે, આજીજી કરે
ફરીને એક નવું જ ચિત્ર આરંભે
કાગડો બેસે ને મહોરાનું મોઢું વકાસે....
-એ ચિત્રકાર રહ્યોને!