ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક કાવ્ય(૨)
એક કાવ્ય
સુસ્મિતા જોશી
તું આપ -
તારા સ્વપ્નની સિદ્ધ કરેલી
અનન્ય કોઈ ક્ષણ.
સમુદ્રકિનારે છીપલાં વીણતાં વીણતાં
રેતીમાં અંકાયેલી પગલાંની છાપ.
ઘનઘોર વનમાં મૂકેલા
એકાકી નિઃશ્વાસની ઉષ્ણતા.
તંદ્રાનાં કોતરોની
હિમશીલા શી ટાઢક.
વ્યક્ત
અવ્યક્ત
દત્ત
સંગૃહિત
બધું આપ.
મારું વિત્ત ખોઈ બેઠેલી
હું
જ્યારે ભેંકાર પથરાટોમાં
તારા માટે
જલતરંગની કંપનશીલ સૂરાવલિઓ
આકારિત કરવાનો પ્રારંભ કરું
તે ક્ષણે આપ.
કદાચ સઘળું અર્જિત કરી
તારું જ ગીત હું ગાઈ શકું.
મારી પાસે
હવે
મારું કોઈ ગીત
મારો કોઈ સ્વર
શેષ રહ્યાં નથી.