ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કવિતા : બ્રેસ્ટ કેન્સરની


કવિતા : બ્રેસ્ટ કેન્સરની
એષા દાદાવાળા

હવે મને
ગુલાબને સ્પર્શવાનું ગમતું નથી...
સ્પર્શું છું તો એની પાંદડીઓ કાંટાની જેમ ભોંકાય છે હથેળી પર
પછી હથેળી પર લોહી જામી ગયું હોય એવું
લાગ્યા કરે છે સતત...

બાલ્કનીના કૂંડામાં ઊગેલાં ગુલાબને જોઈને
ઘણીવાર ઝનૂન સવાર થઈ જાય મનમાં...
પછી જોરથી શ્વાસ ચાલવા માંડે
અને હું
કૂંડામાં ઊગેલાં બધાં જ ગુલાબને એક સામટાં તોડી નાખું
અંદરના રૂમમાં દોડી જઈ અરીસા સામે ઊભી રહું
શ્વાસ ચઢી જાય
પણ
જોરથી ચાલતા શ્વાસનો પડઘો પાડવાનું છાતી ભૂલી ગઈ હોય
એમ
સાવ સીધું સપાટ
એનાં જેવું જ
પ્રતિબિંબ
અરીસો પાડે
અને
હું હાથમાં પકડેલાં બધાં ગુલાબને મુઠ્ઠીમાં ભીંસી નાખું..!!