ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પુનઃ પુનઃ


પુનઃ પુનઃ
ચિનુ મેાદી

થાકી જવાય છે સાંજના પોલા પડછાયાઓને
કાંધ આપી આપીને.
ભૂખરા લાગતા અંધકારની આંખોમાં
ઝાઝું તાકી પણ શકાતું નથી.
અર્થ વગરના અક્ષરોની હાર જેવાં
આ મકાનોમાંથી, આવો, આપણે બહાર કૂદી પડીએ
થોડું પણ કૂદતા વાગે તો લાંબા રાગે
લયબદ્ધ રડીએ.
અને એક ખોટા આંસુને પુનઃ જન્માવીએ.
આ શું છે બધું?
રાતા પીળા રંગો
કાળા ધોળા જંગો
લમણે હાથ દઈ હવે કશું વિચારી પણ શકાતું નથી.
છેલ્લી ખેપ કરીને પાછા આવેલા ચહેરા પરની
ઉદાસી
ક્યાં સુધી મને ઘેરી રહેશે?
પુખ્ત ઉંમરનાં મારાં સંતાનો,
પૃથ્વીની વય નહિ શોધીએ તો ચાલશે
અશ્વત્થના વૃક્ષ પરનાં પાંદડાં જેટલાં
ઉપદેશવચનોથી
જગતને નહિ બોધીએ તો ચાલશે
પણ, નહિ ચાલે
એક ખોટ્ટા આંસુને પુનઃ પુનઃ જન્માવ્યા વગર.