ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પૃથ્વી કાવ્યો


પૃથ્વીકાવ્યો
જયદેવ શુક્લ


ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફટે તો?


ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?


પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?