ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/બજારમાં
બજારમાં
કમલ વોરા
બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં
બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
ક્યાંક ક્યાંક તો
શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
ભોળિયું લોક હોંશે-હોંશે
મુઠ્ઠેુમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવા છે
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ